2 પિતર 1 - પવિત્ર બાઇબલ C.L.1 આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા. 2 પ્રભુ ઈસુને અને ઈશ્વરને તમે ઓળખતા થયા છો તેથી તમને ભરપૂરપણે કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ. ઈશ્વરનું આમંત્રણ અને પસંદગી 3 ઈશ્વરે આપણને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપ્યું. તેમના દૈવી જ્ઞાનની મારફતે ભક્તિમય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યથી મળી છે. 4 એ રીતે તેમણે આપેલા વચન પ્રમાણે તેમણે આપણને મહાન અને મૂલ્યવાન બક્ષિસો આપી છે; જેથી એ બક્ષિસોની મારફતે તમે આ દુનિયાની વિનાશકારી વાસનાઓથી બચી જાઓ અને તેમના દૈવી સ્વભાવના ભાગીદાર થાઓ. 5 એ જ કારણને લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ, ભલાઈની સાથે જ્ઞાન, 6 જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે સહનશક્તિ, સહનશક્તિની સાથે ભક્તિભાવ, 7 ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો. 8 તમારે એ જ સદ્ગુણોની જરૂર છે. જો તમારી પાસે તે ભરપૂરપણે હશે તો પછી તેઓ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કાર્યશીલ અને અસરકારક બનાવશે. 9 પણ જેની પાસે તે નથી તે ટૂંકી દૃષ્ટિનો છે અને તેથી તેને કશું દેખાતું નથી તથા તે તેના ભૂતકાળનાં પાપોથી શુદ્ધ થયો હતો તે પણ તે ભૂલી ગયો છે. 10 તેથી મારા ભાઈઓ, ઈશ્વરે તમને સાચેસાચ આમંત્રણ આપ્યું છે અને પસંદ કર્યા છે એવું દર્શાવવા તમારાથી બનતા બધા પ્રયત્ન કરો. જો તમે આમ કરશો તો તમારું કદી પતન થશે નહિ. 11 આ રીતે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને તમે પૂરા હક્કદાર બનશો. 12 એ જ કારણથી તમને એ વાતોની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દૃઢ છો, તેમ છતાં હું તમને તેની હંમેશાં યાદ અપાવું છું. 13 હું જીવું ત્યાં સુધી આ બાબતોની યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે. 14 પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે હું જાણું છું કે ટૂંક સમયમાં જ હું આ વિનાશી શરીર છોડી જવાનો છું. 15 આથી મારા મરણ પછી પણ આ બધી બાબતો તમે યાદ રાખો તે માટે હું મારાથી બનતું બધું કરું છું. ખ્રિસ્તના મહિમાના નજરસાક્ષીઓ 16 અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી આગમન વિષે જણાવવાને ઉપજાવી કાઢેલી બનાવટી કથાઓ પર આધાર રાખ્યો નથી. અમે તો અમારી પોતાની આંખે જ તેમનો મહિમા નિહાળ્યો હતો. 17 ઈશ્વરપિતા તરફથી તેમને માન અને મહિમા આપવામાં આવ્યાં અને સર્વોચ્ચ મહિમામાંથી, “આ મારો પ્રિય પુત્ર છે; તેના પર હું પ્રસન્ન છું,” એવી વાણી સંભળાઈ, ત્યારે અમે ત્યાં હતા. 18 અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા ત્યારે આકાશમાંથી આવતો એ અવાજ અમે જાતે સાંભળ્યો હતો. 19 તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે. 20 તમારે સૌ પ્રથમ આ વાત સમજવાની છે કે કોઈપણ વ્યક્તિ શાસ્ત્રનાં ભવિષ્યકથનો પોતાની આગવી રીતે સમજી શકે નહિ. 21 કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide