૨ રાજા 9 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલના રાજા તરીકે યેહૂનો અભિષેક 1 દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા. 2 અને તું ત્યાં જા એટલે નિમ્શીના પૌત્ર અને યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢીને તેને તેના સાથીદારોથી દૂર એકાંત ઓરડીમાં લઈ જજે. 3 પછી તેના માથા પર આ ઓલિવ તેલ રેડીને તેને કહેજે કે, “પ્રભુ આમ જાહેર કરે છે: ‘હું તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા જાહેર કરું છું.’ પછી ત્યાંથી બનતી ત્વરાએ નીકળી જજે.” 4 તેથી યુવાન સંદેશવાહક ગિલ્યાદમાંના રામોથ ગયો. 5 ત્યાં તે લશ્કરી અધિકારીઓની બેઠકમાં ગયો. તેણે કહ્યું, “સાહેબ, તમારે માટે હું સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “અમારામાંથી તું કોને સંબોધીને બોલે છે?” તેણે જવાબ આપ્યો, “હે સેનાપતિ આપને.” 6 પછી તેઓ બન્ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું. 7 તારે તારા માલિક આહાબ રાજાના કુટુંબનો સર્વનાશ કરવાનો છે, જેથી મારા સંદેશવાહકો અને મારા અન્ય સેવકોને મારી નાખવા બદલ હું ઇઝબેલને શિક્ષા કરું. 8 આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ. 9 ઇઝરાયલના રાજાઓ નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોનું મેં જેવું કર્યું તેવું એના કુટુંબનું પણ કરીશ. 10 ઇઝબેલ તો દટાશે પણ નહિ; યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં તેનું શબ ફાડી ખાશે.” એટલું બોલ્યા પછી યુવાન સંદેશવાહક ઓરડીમાંથી નીકળીને નાસી ગયો. 11 યેહૂ પોતાના સાથી અધિકારીઓ પાસે ગયો એટલે તેમણે તેને પૂછયું, “બધું બરાબર તો છે ને? પેલો પાગલ તમને શું કહેતો હતો?” યેહૂએ જવાબ આપ્યો, “તે પાગલ છે અને શું કહેવા માગતો હતો તેની તો તમને ખબર હશે.” 12 તેમણે જવાબ આપ્યો, “ના, અમને ખબર નથી. તેણે શું કહ્યું તે અમને કહો.” “તેણે મને કહ્યું કે પ્રભુ જાહેર કરે છે: ‘ઇઝરાયલના રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.” 13 તરત જ યેહૂના સાથી અધિકારીઓએ યેહૂને ઊભા રહેવાના પગથિયા ઉપર પોતાના ઝભ્ભા બિછાવી દઈ રણશિંગડું વગાડી પોકાર કર્યો, “યેહૂ રાજા છે!” ઇઝરાયલના રાજા યોરામનું ખૂન 14-15 આમ, નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ રાજા સામે વિદ્રોહ કર્યો. યોરામ અને સર્વ ઇઝરાયલીઓ અરામના રાજા હઝાએલ સામે ગિલ્યાદના રામોથનું રક્ષણ કરતા હતા. યુદ્ધમાં ઘવાયો હોવાથી યોરામ તે વખતે યિઝએલમાં હતો. તેથી યેહૂએ પોતાના સાથી અધિકારીઓને કહ્યું, “તમે મને રાજા બનાવવા રાજી હો તો રામોથમાંથી છટકીને જઈને કોઈ યિઝએલના લોકોને ચેતવી ન દે તેની ખાતરી રાખો.” 16 પછી તે પોતાના રથમાં બેસી યિઝએલ જવા ઉપડયો. યોરામ હજુ સાજો થયો નહોતો અને યહૂદિયાનો રાજા આહાઝયા ત્યાં તેની મુલાકાતે આવેલો હતો. 17 યિઝએલમાં ચોકીના બુરજ પર ફરજ બજાવતા સંરક્ષકે યેહૂ અને તેના માણસોને આવતા જોયા. તેણે બૂમ પાડી, “હું કેટલાક માણસોને સવારી કરી આવતા જોઉં છું.” યોરામે જવાબ આપ્યો, “એક ઘોડેસ્વાર મોકલીને તપાસ કરાવો કે તેઓ સુલેહશાંતિથી આવે છે?” 18 ઘોડેસ્વારે યેહૂ પાસે જઈને તેને પૂછયું, “રાજા પૂછાવે છે કે તમે સુલેહશાંતિથી આવો છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? તું મારી પાછળ જોડાઈ જા.” ચોકીના બુરજ પરના સંરક્ષકે જણાવ્યું કે સંદેશક ટુકડી પાસે પહોંચી ગયો છે. પણ પાછો ફરતો નથી. 19 બીજો એક સંદેશક મોકલવામાં આવ્યો અને તેણે પણ યેહૂને એ જ પ્રશ્ર્ન પૂછયો. યેહૂએ ફરી એ જ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? મારી પાછળ જોડાઈ જા.” 20 સંરક્ષકે ફરી જાણ કરી કે સંદેશક ટુકડી પાસે પહોંચ્યો છે, પણ પાછો ફરતો નથી. વળી તેણે કહ્યું, “ટુકડીનો આગેવાન નિમ્શીનો પૌત્ર યેહૂ ગાંડોતૂર બનીને રથ હાંકી રહ્યો છે.” 21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” એ તૈયાર થયો, એટલે તે તથા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂને મળવા નીકળી પડયા. તેઓ તેને યિઝએલી નાબોથની જમીન પાસે મળ્યા. 22 યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.” 23 “અહાઝયા, આ તો દગો છે!” એમ બૂમ પાડી યોરામ પોતાનો રથ વાળીને ભાગી છૂટયો. 24 યેહૂએ પોતાનું ધનુષ્ય ઉપાડયું અને પોતાના પૂરા બળથી એક બાણ માર્યું, જે યોરામની પીઠમાં વાગી તેના દયને વીંધી નાખ્યું. યોરામ રથમાં જ ઢળી પડી મરણ પામ્યો. 25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “તેનું શબ ઉઠાવીને યિઝએલી નાબોથની જમીનમાં ફેંકી દે. યોરામના પિતા આહાબની પાછળ પાછળ હું અને તું સવારી કરતા હતા ત્યારે પ્રભુએ આહાબ વિરુદ્ધ જે શબ્દો કહ્યા હતા તે યાદ કર: 26 ‘મેં ગઈકાલે નાબોથ અને તેના પુત્રોનાં ખૂન થયેલાં જોયાં છે મારું વચન છે કે હું તને આ જ ખેતરમાં શિક્ષા કરીશ.’ તેથી યોરામનું શબ ઉઠાવી લે, અને યિભએલી નાબોથની જમીનમાં ફેંકી દે, અને પ્રભુનું વચન પૂર્ણ કર.” યહૂદિયાનો રાજા અહાઝયા માર્યો ગયો 27 જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો. 28 તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો. 29 ઇઝરાયલનો રાજા, એટલે આહાબના પુત્ર યોરામના રાજયકાળના અગિયારમે વર્ષે અહાઝયા યહૂદિયાનો રાજા થયો હતો. ઇઝબેલ રાણીનું ખૂન 30 યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી. 31 યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?” 32 યેહૂએ ઊંચે જોઈ બૂમ પાડી, “મારા પક્ષે કોણ કોણ છે?” મહેલના બે ત્રણ અધિકારીઓએ બારીમાંથી તેની સામે જોયું, 33 એટલે યેહૂએ તેમને કહ્યું, “તેને નીચે ફેંકી દો!” તેમણે તેને નીચે ફેંકી દીધી, અને તેનું લોહી દીવાલ પર અને ઘોડાઓ પર છંટાઈ ગયું. યેહૂએ તેને પોતાના ઘોડા અને રથ નીચે કચડી નાખી. 34 મહેલમાં પ્રવેશી તેણે ભોજન લીધું. પછી તેણે કહ્યું, “પેલી દુષ્ટ સ્ત્રીને લઈ જઈને દફનાવો; છેવટે તો તે રાજાની પુત્રી છે.” 35 પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું. 36 તેમણે યેહૂને તેની જાણ કરી, તો તે બોલ્યો, “પ્રભુ પોતાના સેવક તિશ્બે નગરના એલિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે આવું બનશે એવું કહ્યું હતું: ‘યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં ઇઝબેલનું શબ ફાડી ખાશે. 37 છાણની માફક તેના અવશેષો વિખેરાઈ જશે અને કોઈ તેને ઓળખી પણ નહિ શકે કે તે ઇઝબેલ છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide