૨ રાજા 8 - પવિત્ર બાઇબલ C.L.શૂનેમની સ્ત્રી પાછી આવે છે 1 હવે શૂનેમમાં રહેતી સ્ત્રી, જેના પુત્રને ઈશ્વરભક્ત એલિશાએ સજીવન કર્યો હતો તેને એલિશાએ કહેલું કે પ્રભુ દેશમાં સાત વર્ષ દુકાળ પાડવાના છે અને તેથી તેણે પોતાના કુટુંબ સાથે બીજે રહેવા જતા રહેવું. 2 તે તેની સૂચનાઓ માનીને પોતાના કુટુંબ સાથે સાત વર્ષ માટે પલિસ્તીયામાં રહેવા ગઈ હતી. 3 સાત વર્ષ પૂરાં થયેથી તે ઇઝરાયલ પાછી ફરી અને રાજા પાસે જઈને પોતાનું ઘર અને જમીન પાછાં મળે તે માટે વિનંતી કરી. 4 ત્યાં તેણે જોયું તો ઈશ્વરભક્ત એલિશાનો સેવક ગેહઝી રાજા સાથે વાત કરતો હતો; રાજા એલિશાના ચમત્કારો વિષે જાણવા માગતો હતો. 5 એલિશાએ કેવી રીતે મરેલા છોકરાને સજીવન કર્યો હતો તે વિષે ગેહઝી રાજાને કહેતો હતો ત્યારે જ એ સ્ત્રીએ રાજા સમક્ષ પોતાની દાદ રજૂ કરી. ગેહઝીએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, આ જ એ સ્ત્રી છે અને આ તેનો પુત્ર છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો!” 6 રાજાએ સ્ત્રીને પૂછતાં તેણે બધી વાત કહી સંભળાવી. તેથી રાજાએ અધિકારીને બોલાવીને તેને એ પ્રશ્ર્ન સોંપ્યો ને તેને આવી સૂચના આપી: “આ સ્ત્રીને તેની સઘળી મિલક્ત અને તે દેશ છોડીને ગઈ ત્યારથી આજ દિન સુધી તેના ખેતરોમાં થયેલી ઊપજની સઘળી આવક તેને પાછી અપાવ.” એલિશા અને અરામનો રાજા બેનહદાદ 7 અરામનો રાજા બેનહદાદ બીમાર હતો ત્યારે એલિશા દમાસ્ક્સ ગયો. ઈશ્વરભક્ત એલિશા ત્યાં છે એવી રાજાને ખબર મળી. 8 તેથી તેણે તેના એક અધિકારી હઝાએલને કહ્યું, “ઈશ્વરભક્ત પાસે ભેટ લઈને જા અને હું સાજો થઈશ કે નહિ તે પ્રભુને પૂછી જોવા તેમને કહે.” 9 તેથી દમાસ્ક્સની સર્વ જાતની ઉત્તમ પેદાશ ચાલીસ ઊંટો પર લાદીને હઝાએલ એલિશા પાસે ગયો. હઝાએલે તેને મળીને કહ્યું, “તમારા સેવક અરામના રાજા બેનહદાદે મને તમારી પાસે પૂછવા મોકલ્યો છે તે પોતાની માંદગીમાંથી સાજા થશે કે કેમ?” 10 એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ તો મને દેખાડયું છે કે તે મરી જશે; પણ તેને જઈને કહે કે તું સાજો થશે.” 11 પછી ઈશ્વરભક્ત એલિશા તેની સામે એકીટશે તાકી રહ્યો, એટલે સુધી કે હઝાએલ અસ્વસ્થ થઈ ગયો. પછી ઈશ્વરભક્ત એલિશા એકાએક ચોધાર આંસુએ રડી પડયો. 12 હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.” 13 હઝાએલે કહ્યું, “આ તમારો સેવક તો કૂતરા બરાબર છે; એની શી વિસાત કે તે આવું મોટું કામ કરી શકે?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ મને બતાવ્યું છે કે તું અરામનો રાજા બનશે.” 14 હઝાએલ બેનહદાદ પાસે પાછો ગયો એટલે તેણે પૂછયું, “એલિશાએ શું કહ્યું?” હઝાએલે જવાબ આપ્યો, “તેમણે મને કહ્યું કે તમે જરૂર સાજા થશો.” 15 પણ બીજે દિવસે હઝાએલે કામળો લઈ પાણીમાં ઝબોળ્યો અને તેનાથી રાજાનું મુખ ઢાંકી દઈને તેને ગૂંગળાવીને મારી નાખ્યો. બેનહદાદ પછી તેની જગ્યાએ હઝાએલ અરામનો રાજા બન્યો. યહૂદિયાનો રાજા યહોરામ ( ૨ કાળ. 21:1-20 ) 16 આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના પાંચમા વર્ષમાં યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદિયાનો રાજા બન્યો; 17 તે વખતે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. 18 તેની પત્ની આહાબની પુત્રી હતી અને આહાબના કુટુંબની જેમ તેણે ઇઝરાયલના રાજાઓનું અનુસરણ કર્યું અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 19 પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે. 20 યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે વિદ્રોહ કરીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. 21 તેથી યહોરામ તેના સર્વ રથો સહિત સાઈર ગયો, જ્યાં અદોમના સૈન્યે તેમને ઘેરી લીધા. યહોરામ તથા તેના સેનાપતિઓ રાત્રે નાસી છૂટયા ને તેના સૈનિકો વિખેરાઈને તેમને ઘેર જતા રહ્યા. 22 ત્યારથી અદોમ યહૂદિયામાંથી સ્વતંત્ર રહ્યું છે. એ જ સમય દરમ્યાન લિબ્ના નગરે પણ બળવો કર્યો. 23 યહોરામનાં બાકીનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 24 યહોરામ મરણ પામ્યો અને તેને દાવિદ નગરમાં રાજવી કબરોમાં દાટયો. તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો. યહૂદિયાનો રાજા અહાઝયા ( ૨ કાળ. 22:1-6 ) 25 આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના બારમા વર્ષમાં યહોરામનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો. 26 તે સમયે તે બાવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું અને તે આહાબ રાજાની પુત્રી હતી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી. 27 અહાઝયા આહાબ રાજા સાથે લગ્નસંબંધને કારણે સગો થતો હોઈ તેણે આહાબના કુટુંબની જેમ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 28 રાજા ઈઝરાયલના રાજા યોરામ સાથે લડવા ગિલ્યાદના રામોથમાં ગયો. ત્યાં યોરામ અરામીઓને હાથે ઘવાયો. 29 ગિલ્યાદના રામોથમાં અરામના રાજા હઝાએલ સામેની લડાઈમાં અરામીઓને હાથે થયેલા ઘાથી સાજો થવા યોરામ ઇઝરાયલ પાછો ફર્યો. યોરામ બીમાર હોવાથી યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને મળવા યિઝએલ ગયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide