૨ રાજા 7 - પવિત્ર બાઇબલ C.L.1 એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.” 2 રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.” અરામનું સૈન્ય પાછું ફરે છે 3 ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે? 4 નગરમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ, ત્યાં ભૂખે મરવું પડશે; અને અહીં રોકાઈ રહીએ તોય મરવાના છીએ. તેથી ચાલો, અરામીઓની છાવણીમાં જઈએ. તેઓ આપણને મારી ન નાખે, તો આપણે જીવતા રહીશું; વળી, કદાચ મારી નાખે તો ય શું? કારણ, આમે ય આપણે મરવાના તો છીએ.” 5 તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું. 6 પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે. 7 તેથી તે સાંજે અરામીઓ તેમના તંબૂ, ઘોડા અને ગધેડાં પડતાં મૂકી છાવણીને યથાવત્ છોડી દઈ જીવ લઈને ભાગી ગયા હતા. 8 ચાર રક્તપિત્તિયા છાવણીને છેડે પહોંચ્યા અને એક તંબૂમાં જઈ ત્યાં જે હતું તે ખાધુંપીધું અને ચાંદી, સોનું, વસ્ત્રો અને જે કંઈ મળ્યું તે લૂંટી લીધું અને તેમને સંતાડી દીધું, પછી પાછા આવીને તેમણે બીજા તંબૂમાં પ્રવેશીને પણ એમ જ કર્યું. 9 પણ પછી તેમણે એકબીજાને કહ્યું, “આ કંઈ આપણે સારું કરતા નથી; આપણી પાસે આ ખુશખબરનો દિવસ છે. તેથી આપણે ચૂપ રહેવું ન જોઈએ. જો આપણે સવાર સુધી સમાચાર આપવાનું મુલતવી રાખીશું તો આપણને જરૂર શિક્ષા થશે; તેથી ચાલો, જઈને રાજમહેલમાં તાકીદે ખબર પહોંચાડીએ.” 10 તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.” 11 પછી દરવાનોએ પોકાર પાડીને એ વાતની ખબર રાજમહેલમાં પહોંચાડી. 12 હજી તો રાત હતી પણ રાજાએ પથારીમાંથી જાગી ઊઠીને પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ કેવો વ્યૂહ રચ્યો છે તે સમજો. તેમને અહીંના દુકાળની ખબર છે, તેથી તેઓ પોતાની છાવણી મૂકીને પહાડીપ્રદેશમાં સંતાઈ રહ્યા છે. તેમની ધારણા છે કે આપણે ખોરાક મેળવવા બહાર જઈશું અને પછી તેઓ આપણને જીવતા જ પકડી લેશે અને નગર કબજે કરી લેશે.” 13 તેના અમલદારોમાંના એકે કહ્યું, “આમેય અગાઉ માર્યા ગયેલાઓની જેમ નગરના બાકીના લોકો પણ અહીં મરવાના છે. તેથી જે પાંચ ઘોડા બાકી રહ્યા છે તે લઈ આપણે કેટલાક માણસોને પરિસ્થિતિની જાતતપાસ માટે મોકલીએ, જેથી ખરેખર શું બન્યું છે તેની આપણને જાણ થાય.” 14 તેથી તેમણે બે રથસવારોને તૈયાર કર્યા અને રાજાએ તેમને બે રથ સાથે અરામીઓના સૈન્યની તપાસ માટે મોકલ્યા. 15 પેલા માણસો છેક યર્દન સુધી ગયા અને નાસી છૂટતી વખતે અરામીઓએ રસ્તે પડતાં મૂકેલાં વસ્ત્રો અને સાધન- સરંજામ તેમણે જોયાં. પછી તેમણે આવીને રાજાને અહેવાલ આપ્યો. 16 સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા. 17 હવે એવું બન્યું કે ઇઝરાયલના રાજાએ નગરના દરવાજાનો હવાલો તેના અંગરક્ષકને સોંપ્યો હતો. રાજા એલિશાને મળવા ગયો હતો ત્યારે ઈશ્વરભક્ત એલિશાએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ એ અંગરક્ષક લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. 18 ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે; 19 તો એ અધિકારીએ જવાબ આપ્યો હતો, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય એવું બને ખરું?” અને ઈશ્વરભક્ત એલિશાએ જવાબ આપ્યો હતો, “એવું બનેલું તું જોશે, પણ તું એ ખોરાકમાંથી ખાવા પામશે નહિ.” 20 અને તેને તે જ પ્રમાણે થયું. તે નગરને દરવાજે લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide