૨ રાજા 6 - પવિત્ર બાઇબલ C.L.કુહાડો મળ્યો 1 એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે! 2 અમને યર્દન જવા દો કે જેથી અમે દરેક એકએક મોટું લાકડું કાપી લાવીએ અને આપણે માટે એક નિવાસસ્થાન બાંધીએ.” એલિશાએ કહ્યું, “ભલે.” 3 તેઓમાંથી એકે એલિશાને તેમની સાથે જવા વિનંતી કરી; તેથી તે જવા સંમત થયો. 4 પછી તેઓ સાથે ઉપડયા. તેઓ યર્દન આવ્યા એટલે કામ શરૂ કર્યું. 5 તેઓમાંથી એક જણ વૃક્ષ કાપતો હતો ત્યારે અચાનક તેનો કુહાડો પાણીમાં પડી ગયો. તેણે એલિશાને કહ્યું, “ગુરુજી, હવે શું કરું? એ તો માગી આણેલો કુહાડો હતો.” 6 ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો. 7 તેણે આજ્ઞા કરી, “હાથ લંબાવીને તે લઈ લે,” એટલે તે માણસે નીચા વળીને તે ઉપાડી લીધો. અરામના સૈન્યનો પરાજય 8 અરામનો રાજા ઇઝરાયલ સાથે યુદ્ધે ચડયો હતો. તેણે પોતાના અધિકારીઓનો પરામર્શ કરી પોતાનો પડાવ નાખવાની જગ્યા પસંદ કરી. 9 પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજા પર સંદેશો મોકલીને તેને એ જગ્યા પાસે ન જવા ચેતવી દીધો, કારણ, અરામીઓ ત્યાં છાપો મારવા સંતાયા હતા. 10 તેથી ઈશ્વરભક્તની ચેતવણી પ્રમાણે ઇઝરાયલના રાજાએ એ જગ્યામાં રહેતા તેના માણસોને ચેતવીને સાવધ કરી દીધા. આવું તો અનેકવાર બન્યું. 11 એનાથી અરામનો રાજા ખૂબ અકળાયો. તેણે પોતાના અધિકારીઓને બોલાવીને તેમને પૂછયું, “તમારામાંથી ઈઝરાયલના રાજાના પક્ષનો કોણ છે?” 12 તેમનામાંથી એકે ઉત્તર આપ્યો, “હે રાજા, મારા માલિક, કોઈ નહિ; પણ તમે તમારા પોતાના ખંડના એકાંતમાં જે બોલો છો તે પણ ઈઝરાયલ દેશમાંનો સંદેશવાહક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.” 13 રાજાએ હુકમ કર્યો, “તે ક્યાં છે તે શોધી કાઢો. હું તેને પકડી લઈશ.” તેને એવી બાતમી મળી કે એલિશા દોથાનમાં છે. 14 તેથી તેણે રથો અને ઘોડા સહિત મોટું સૈન્ય મોકલ્યું. તેમણે નગરમાં રાત્રે પહોંચી જઈ તેને ઘેરી લીધું. 15 બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?” 16 એલીશાએ જવાબ આપ્યો, “ગભરાઈશ નહિ. તેમના પક્ષે જેટલા છે તેના કરતાં આપણે પક્ષે વધારે છે.” 17 પછી તેણે પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તેની આંખો ખોલો કે તે જુએ!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને એલિશાના નોકરે ઊંચી નજર કરી તો એલિશાની ચારે બાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત છવાઈ ગયો હતો. 18 અરામીઓએ હુમલો કર્યો એટલે એલિશાએ પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, આ માણસોને આંધળા કરી દો!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને આંધળા બનાવી દીધા. 19 પછી એલિશાએ તેમની પાસે જઈને કહ્યું, “તમે અવળે માર્ગે ચડી ગયા છો. તમે શોધો છે તે નગર આ નથી. મારી પાછળ આવો એટલે તમે જેની શોધમાં છો તે માણસ પાસે હું તમને લઈ જઉં.” અને તે તેમને સમરૂન લઈ ગયો. 20 તેઓ નગરમાં પ્રવેશ્યા કે એલિશાએ પ્રાર્થના કરી, “પ્રભુ, તેમની આંખો ખોલો અને તેમને દેખતા કરો.” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને તેમની દૃષ્ટિ પાછી આપી. તેમણે જોયું કે તેઓ તો સમરૂનમાં છે. 21 ઇઝરાયલના રાજાએ અરામીઓને જોઈને એલિશાને પૂછયું, “ગુરુજી, હું તેમને મારી નાખું? તેમને મારી નાખું?” 22 તેણે જવાબ આપ્યો, “ના, યુદ્ધમાં બાણતલવારના જોરે પકડાયેલા કેદી સૈનિકોને પણ તમે મારી નાખતા નથી. તેમને થોડાં ખોરાકપાણી આપો અને પછી તેમના રાજા પાસે પાછા મોકલો.” 23 તેથી ઇઝરાયલના રાજાએ તેમને મોટી મિજબાની આપી અને તેઓ ખાઈપી રહ્યા એટલે તેણે તેમને અરામના રાજા પાસે પાછા મોકલ્યા. ત્યારથી અરામીઓએ ઇઝરાયલના દેશ પર આક્રમણ કરવાનું બંધ કર્યું. સમરૂનને ઘેરો 24 થોડા સમય બાદ અરામનો રાજા બેનહદાદ ઇઝરાયલ સામે પોતાનું સમસ્ત સૈન્ય લઈને આવ્યો અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો. 25 ઘેરાને લીધે નગરમાં ખોરાકની એટલી તીવ્ર તંગી પ્રવર્તતી હતી કે ગધેડાના માથાની કિંમત ચાંદીના એંસી સિક્કા અને કબૂતરની પાંચસો ગ્રામ હગારની કિંમત ચાંદીના પાંચ સિક્કા હતી. 26 ઇઝરાયલનો રાજા નગરના કોટ પર ચાલતો હતો હતો ત્યારે એક સ્ત્રીએ બૂમ પાડી, “હે રાજા, મારા માલિક, મદદ કરો!” 27 તેણે કહ્યું, “પ્રભુ તરફથી મદદ ન મળતી હોય ત્યાં હું તને કેવી રીતે મદદ કરું? મારી પાસે કંઈ ઘઉં કે દ્રાક્ષાસવ છે? 28 તને શું દુ:ખ છે?” તેણે જવાબ આપ્યો, “એક દિવસે આ સ્ત્રીએ એવું સૂચવ્યું કે આપણે તારો દીકરો ખાઈએ અને પછીને દિવસે મારો દીકરો ખાઈશું. 29 તેથી અમે મારો દીકરો રાંધીને ખાધો. બીજે દિવસે મેં તેને કહ્યું કે આપણે તારો દીકરો ખાઈએ, પણ તેણે તે સંતાડી દીધો છે!” 30 એ સાંભળીને રાજાએ અત્યંત દુ:ખી થઈને પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તેની નજીક કોટ પર ઊભેલા લોકોએ જોયું કે પોતાનાં વસ્ત્રો નીચે તેણે અળસીરેસાનાં શોકદર્શક વસ્ત્રો પહેર્યાં હતાં. 31 તે બોલી ઊઠયો, “દિવસ પૂરો થાય તે પહેલાં શાફાટના પુત્ર એલિશાનો શિરચ્છેદ ન કરું તો ઈશ્વર મને મારી નાખો.” 32 અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.” 33 તેણે હજી એ બોલવાનું પૂરું પણ નહોતું કર્યું ત્યાં રાજા આવી પહોંચ્યો અને કહ્યું, “આપણા પર પ્રભુએ જ આ આપત્તિ મોકલી છે તો પછી મારે તેમની સહાયને માટે ક્યાં રાહ જોવાની રહી?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide