૨ રાજા 5 - પવિત્ર બાઇબલ C.L.નામાન સાજો કરાયો 1 અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો. 2 ઇઝરાયલ પરના એક હુમલામાં અરામીઓ એક નાની ઇઝરાયલી છોકરીને પકડી લાવ્યા હતા, જે નામાનની પત્નીની દાસી બની. 3 એક દિવસે તેણે પોતાની શેઠાણીને કહ્યું, “મારા માલિક સમરૂનમાં રહેતા સંદેશવાહક પાસે જાય તો કેવું સારું! તે તેમનો કોઢ મટાડી દેશે.” 4 નામાનને એ વાતની જાણ થતાં છોકરીએ જે કહ્યું હતું તે તેણે રાજાને જણાવ્યું. 5 અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો. 6 ઇઝરાયલના રાજાને પાઠવેલા પત્રમાં આવું લખ્યું હતું: “આ પત્ર લાવનાર નામાન મારા અધિકારી છે. તમે તેનો રોગ મટાડશો.” 7 ઇઝરાયલના રાજાએ પત્ર વાંચીને હતાશામાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને બોલી ઊઠયો, “અરામનો રાજા મારી પાસે આ માણસને સાજો કરાવવાની શી રીતે અપેક્ષા રાખે છે? હું તે કંઈ મારનાર કે જીવાડનાર ઈશ્વર છું? દેખીતી રીતે જ તે મારી સાથે લડવાનું નિમિત્ત શોધે છે!” 8 ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!” 9 તેથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને ગયો અને એલિશાના ઘરના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. 10 એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.” 11 પણ નામાન ક્રોધથી તપી ઊઠયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે કહ્યું, “મેં તો એમ ધાર્યું હતું કે તે બહાર આવીને તેના ઈશ્વર યાહવેને નામે પ્રાર્થના કરશે અને કોઢવાળાં અંગ પર હાથ ફેરવી મને સાજો કરશે! 12 વળી, દમાસ્ક્સમાં આબાના અને ફાર્પાર નદીઓ ઇઝરાયલની નદી કરતાં સારી નથી? એમાં સ્નાન કરીનેય હું સાજો થઈ શક્યો હોત!” 13 તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?” 14 તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું. 15 તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.” 16 એલિશાએ જવાબ આપ્યો, “જેમની સેવા હું કરું છું તે પ્રભુના જીવના સમ, કે હું કંઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાને એ ભેટ સ્વીકારવા આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહિ. 17 તેથી નામાને કહ્યું, “તમે મારી ભેટ ન સ્વીકારો તો મને મારે ઘેર લઈ જવા બે ગધેડાં ભાર માટી આપો, કારણ, હું હવે યાહવે સિવાય અન્ય કોઈ દેવને બલિદાનો કે દહન-બલિ ચઢાવીશ નહિ. 18 હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.” 19 એલિશાએ કહ્યું, “શાંતિએ જા.” પછી નામાન ગયો. હજી તો એ થોડે દૂર ગયો હશે, 20 એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.” 21 તેથી તે નામાન પાછળ ઉપડયો. નામાન પોતાની પાછળ માણસને દોડતો આવતો જોઈને તેને મળવા રથમાંથી ઊતરી પડયો અને તેને પૂછયું, “બધું ક્ષેમકુશળ છે ને?” 22 ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.” 23 નામાને જવાબ આપ્યો, “કૃપયા ચાંદીના છ હજાર સિક્કા લો.” તેણે તે લેવા આગ્રહ કર્યો અને ચાંદીના બે પોટલાં બંધાવીને મુલાયમ વસ્ત્રોની બે જોડ લઈને તેના બે નોકરો ગેહઝીની સાથે આગળ મોકલ્યા. 24 એલિશા રહેતો હતો તે પહાડ પર તેઓ પહોંચ્યા તો ગેહઝીએ બે પોટલાં લઈને ઘરમાં મૂક્યાં. પછી તેણે નામાનના નોકરોને પાછા મોકલ્યા. 25 તે પાછો ઘરમાં ગયો એટલે એલિશાએ તેને પૂછયું, “તું ક્યાં ગયો હતો?” તેણે કહ્યું, “ગુરુજી, ક્યાંયે નહિ.” 26 પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે? 27 હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide