Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 4 - પવિત્ર બાઇબલ C.L.


ગરીબ વિધવાને એલિશાની મદદ

1 સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”

2 એલિશાએ પૂછયું, “તારે માટે હું શું કરું? તારા ઘરમાં તારી પાસે શું છે તે કહે.” તેણે જવાબ આપ્યો, “એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી.”

3 એલિશાએ તેને કહ્યું, “તારા પડોશીઓ પાસે જઈને શકાય તેટલી બધી બરણીઓ માગી લાવ.

4 પછી તું અને તારા પુત્રો ઘરમાં પેસી, બારણું બંધ કરી અને બરણીઓમાં તેલ રેડવા માંડો. જે બરણી ભરાઈ જાય તેને એક બાજુએ મૂક્તા જાઓ.”

5 તેથી પેલી સ્ત્રી પોતાના પુત્રો સાથે ઘરમાં ગઈ, અને બારણું બંધ કર્યું પછી ઓલિવ તેલની નાની બરણી લીધી અને તેના પુત્રો તેની પાસે જેમ જેમ બરણીઓ લાવતા ગયા તેમ તેમ તેમાં તેલ રેડયું.

6 બધી બરણીઓ ભરાઈ ગયા પછી તેણે પૂછયું કે, “હવે કોઈ બરણી બાકી છે?” તેના એક પુત્રે કહ્યું, “એ છેલ્લી બરણી હતી.” અને ઓલિવ તેલ વહેતું બંધ થયું.

7 તેણે ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને તેને જાણ કરી. તેણે તેને કહ્યું, જા, ઓલિવ તેલ વેચી દે અને તારું સઘળું દેવું ચૂકવી દે; એ પછી પણ તારા અને તારા પુત્રોના ગુજરાન માટે પૂરતા પૈસા વયા હશે.”


એલિશા અને શૂનેમની ધનવાન સ્ત્રી

8 એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.

9 તેણે પોતાના પતિને કહ્યું, “આપણે ત્યાં અવારનવાર આવનાર આ માણસ પવિત્ર ઈશ્વરભક્ત છે તેની મને ખાતરી થઈ છે.

10 તો આપણે ધાબા ઉપર એક નાની ઓરડી બાંધીએ, અને તેમાં પથારી, બાજઠ, આસન અને દીવો રાખીએ; જેથી જ્યારે તે આપણી મુલાકાતે આવે ત્યારે તેમાં રહી શકે.”

11 એક દિવસે એલિશા શૂનેમ આવ્યો અને આરામ માટે તેની ઓરડીમાં ગયો.

12 તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે,

13 એલિશાએ ગેહઝીને કહ્યું, “તેણે આપણી ખૂબ સારસંભાળ લીધી છે. ભારે જહેમત ઉઠાવી છે. તો હવે તેના બદલામાં હું તેને માટે શું કરું તે તેને પૂછી જો. હું રાજા કે સેનાપતિ પાસે જઈ તેમને માટે ભલામણ કરું એવી કદાચ તેની ઇચ્છા હોય.” તેણે જવાબ આપ્યો, “હું મારા લોક સાથે વસું છું અને બધી વાતે સુખી અને સંપન્‍ન છું.”

14 એલિશાએ ગેહઝીને પૂછયું, “તો પછી હું તેને માટે શું કરું?” તેણે કહ્યું, “તેને પુત્ર નથી અને તેનો પતિ વૃદ્ધ છે.”

15 એલિશાએ કહ્યું, “તેને અહીં બોલાવ.” તે આવીને બારણામાં ઊભી રહી.

16 એલિશાએ તેને કહ્યું, “આવતે વર્ષે આ સમયે તારી ગોદમાં પુત્ર હશે.” તે બોલી ઊઠી, “ગુરુજી, કૃપા કરી મને જૂઠું ન કહેશો. તમે તો ઈશ્વરભક્ત છો!”

17 પણ ઈશ્વરભક્ત એલિશાએ કહ્યું હતું તેમ પછીને વર્ષે તે જ સમયે તેને પુત્ર જનમ્યો.

18 છોકરો મોટો થયો. એક દિવસે તે તેના પિતા જ્યાં કાપણી કરનાર મજૂરો સાથે ખેતરમાં હતા ત્યાં ગયો.

19 એકાએક તેણે તેના પિતાને બૂમ પાડી, “મારું માથું, મારું માથું દુ:ખે છે!” પિતાએ એક નોકરને કહ્યું, “છોકરાને તેની મા પાસે લઈ જા.”

20 નોકર છોકરાને ઊંચકીને તેની મા પાસે લઈ ગયો. માએ તેને બપોર સુધી ખોળામાં રાખ્યો અને તેટલા સમયમાં તો તે મરી ગયો.

21 તે તેને ઉપર ઈશ્વરભક્ત એલિશાની ઓરડીમાં લઈ ગઈ અને તેને પથારીમાં સૂવાડીને બારણું બંધ કરી ત્યાંથી નીકળી.

22 પછી તેણે પોતાના પતિને બોલાવીને તેને કહ્યું, “એક નોકરને ગધેડા સાથે મોકલો; જેથી હું ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને સત્વરે પાછી ફરી શકું.”

23 તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.”

24 પછી તેણે ગધેડા પર જીન મૂકાવ્યું અને નોકરને કહ્યું, “ગધેડાને શકાય તેટલું ઝડપથી દોડાવ અને તને કહું નહિ ત્યાં સુધી તેને ધીમું પાડતો નહિ.”

25 એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે!

26 તેની પાસે ઉતાવળે જઈને પૂછી જો કે તે, તેનો પતિ અને તેનો પુત્ર કુશળ છે કે કેમ.” તેણે ગેહઝીને કહ્યું, “કુશળ છે.”

27 પણ તે ઈશ્વરભક્ત એલિશા પાસે આવી એટલે તેની આગળ નમી પડીને તેના પગ પકડયા. ગેહઝી તેને હટાવી દેવા જતો હતો, પણ એલિશાએ તેને કહ્યું, “તેને રહેવા દે. તે કેવા ભારે દુ:ખમાં ડૂબી ગઈ છે તે તું જોતો નથી? વળી, પ્રભુએ પણ તે વિષે મને કંઈ કહ્યું નથી.”

28 સ્ત્રીએ તેને કહ્યું, “ગુરુજી, મેં તમારી પાસે પુત્રની માગણી કરી હતી? તમે મને વધુ પડતી ઊંચી આશા ન બંધાવશો એવું મેં તમને નહોતું કહ્યું?”

29 એલિશાએ ગેહઝી તરફ ફરીને તેને કહ્યું, “કમર કાસીને ઝટપટ તૈયાર થઈ જા અને મારી લાકડી લઈને જા. કોઈ તને મળે તેને સલામ પાઠવવા પણ થોભતો નહિ, અને કોઈ તને સલામ પાઠવે, તો સામી સલામ પાઠવવાય થોભીશ નહિ. સીધો ઘેર જા અને છોકરાના મોં પર મારી લાકડી મૂક.”

30 સ્ત્રીએ એલિશાને કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને મૂકીને જવાની નથી.” તેથી એલિશા ઊઠીને તેની સાથે ગયો.

31 ગેહઝી આગળ ગયો અને છોકરા પર એલિશાની લાકડી ધરી રાખી, પણ ન તો કંઈ અવાજ થયો કે ન તો જીવ આવ્યાનો બીજો કોઈ સંકેત મળ્યો. તેથી તે એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “છોકરો જીવતો થયો નથી.”

32 એલિશા આવ્યો એટલે ઓરડીમાં એકલો ગયો અને છોકરાને પથારીમાં મરેલો પડયો જોયો.

33 તેણે ઓરડી બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી.

34 પછી પોતાનું માથું, આંખો અને હાથ છોકરાનાં માથું, આંખો અને હાથ પર મૂકીને તે છોકરા પર સૂતો. તે છોકરા પર સૂતો હતો ત્યારે છોકરાના શરીરમાં ગરમાવો આવવા લાગ્યો.

35 એલિશા ઊભો થયો, અને ઓરડીમાં ફરવા લાગ્યો અને ફરીથી છોકરા પર સૂતો. છોકરાએ સાત વાર છીંક ખાધી અને પછી પોતાની આંખો ઉઘાડી.

36 એલિશાએ ગેહઝીને બોલાવીને છોકરાની માને બોલાવવા કહ્યું. તે અંદર આવી એટલે તેણે તેને કહ્યું. “લે, તારો દીકરો.”

37 તે જમીન પર મસ્તક નમાવી એલિશાને પગે પડી. પછી તે પોતાના દીકરાને લઈ ગઈ.


બીજા બે ચમત્કારો

38 એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.

39 તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં.

40 માણસોને જમવા માટે સેરવો પીરસ્યો, પણ ચાખતાંની સાથે જ તેમણે એલિશાને કહ્યું, “ઈશ્વરભક્ત, એમાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શક્યા નહિ.

41 એલિશાએ થોડોક લોટ મંગાવીને તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે તેમને થોડો વધારે સેરવો પીરસો.” હવે તેમાં કંઈ નુક્સાનકારક રહ્યું નહોતું.

42 બીજી એકવાર બઆલશાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત એલિશા માટે તે વર્ષે નવી ફસલના પ્રથમ કાપેલા જવમાંથી બનાવેલી વીસ રોટલી અને તાજાં કાપેલાં અનાજનાં થોડાં ડૂંડાં લાવ્યો હતો. એલિશાએ તેના નોકરને એમાંથી સંદેશવાહકોના સંઘને જમાડવા કહ્યું.

43 પણ તેણે કહ્યું, “આ કંઈ સો માણસોને બસ થાય તેટલો ખોરાક નથી.” એલિશાએ જવાબ આપ્યો, “તેમને તેમાંથી પીરસવા માંડ; કારણ, પ્રભુ કહે છે કે તેઓ ખાશે તોય થોડું વધશે.”

44 તેથી નોકરે તેમને ખોરાક પીરસ્યો અને પ્રભુએ કહ્યું હતું તેમ તેઓ સૌએ ખાધું અને છતાંય થોડું વયું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan