Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 3 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલ અને મોઆબ વચ્ચે લડાઈ

1 યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના અઢારમા વર્ષમાં આહાબનો પુત્ર યોરામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બાર વર્ષ રાજ કર્યું.

2 તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. છતાં તે તેના પિતા આહાબ કે તેની માતા ઇઝબેલ જેટલો દુષ્ટ નહોતો; કારણ, બઆલની પૂજા માટે તેના પિતાએ બનાવેલી પ્રતિમા તેણે તોડી પાડી.

3 તો પણ તેની અગાઉ થઈ ગયેલ નબાટનો પુત્ર રાજા યરોબામ જેણે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોર્યા, તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ.

4 મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.

5 પણ ઇઝરાયલનો રાજા આહાબ મરણ પામ્યો એટલે મેશાએ ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.

6 યોરામે તરત જ ઇઝરાયલના સૈન્યને સાબદું કર્યું અને સમરૂનમાંથી કૂચ કરી ઉપડયો.

7 તેણે યહૂદિયાના રાજા યહોશાફાટ પર સંદેશો મોકલ્યો: “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે; તેની સામે લડાઈ કરવામાં તમે મારી સાથે જોડાશો?” યહોશાફાટ રાજાએ જવાબ આપ્યો, “હું જોડાઈશ. હું તમારા પક્ષમાં છું અને એ જ પ્રમાણે મારા માણસો અને મારા ઘોડા પણ તમારા પક્ષમાં જ છે. આપણે કયે માર્ગે હુમલો કરીશું?”

8 યોરામે જવાબ વાળ્યો, “આપણે અદોમના રણપ્રદેશમાં થઈને જઈશું.”

9 એમ રાજા યોરામ તેમજ યહૂદિયા અને અદોમના રાજાઓ ઉપડયા. ચકરાવો ખાઈને લાંબે રસ્તે સાત દિવસ કૂચ કર્યા પછી પાણી ખૂટી પડયું અને સૈન્ય કે ભારવાહક પ્રાણીઓ માટે બિલકુલ પાણી રહ્યું નહિ.

10 યોરામ બોલી ઊઠયો, “આપણું આવી બન્યું. પ્રભુએ જ આપણ ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”

11 યહોશાફાટ રાજાએ પૂછયું, “જેની મારફતે પ્રભુને પૂછી શકીએ એવો કોઈ સંદેશવાહક અહીં છે?” યોરામ રાજાના એક લશ્કરી અધિકારીએ જવાબ આપ્યો, “શાફાટનો પુત્ર એલિશા અહીં છે. તે એલિયાની સેવામાં રહેતો હતો.”

12 યહોશાફાટ રાજાએ કહ્યું, “તેની પાસે સાચે જ પ્રભુનો સંદેશ હોય છે.” તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા અને અદોમનો રાજા એલિશા પાસે ગયા.

13 એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારી સાથે તમારે શી લેવાદેવા છે? તમારાં માતપિતા જેમને પૂછવા જતાં હતાં એ સંદેશવાહકોને જઈને પૂછો.” યોરામે જવાબ આપ્યો, “ના, ના, પ્રભુએ જ અમને ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”

14 એલિશાએ કહ્યું, “જેમની સેવા હું કરું છું તે સેનાધિપતિ પ્રભુના જીવના સમ, જો હું યહૂદિયાના રાજા યહોશાફાટનું માન રાખતો ન હોત તો હું તમારી સામું જોવા નજર સરખીય નાખત નહિ.

15 તો હવે મારી પાસે એક સંગીતકાર લઈ આવો.” સંગીતકારે પોતાનું વાજિંત્રવાદન શરૂ કર્યું કે એલિશા પર પ્રભુનું પરાક્રમ ઊતર્યું.

16 અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો.

17 તમને વરસાદ કે પવન દેખાશે નહિ; તો પણ આ ઝરણાનો પટ પાણીથી ભરાઈ જશે અને તમે, તમારાં ઢોરઢાંક અને ભારવાહક પ્રાણીઓને પીવા પુષ્કળ પાણી મળી રહેશે.”

18 વળી, એલિશાએ કહ્યું, “એમ કરવું એ તો પ્રભુને માટે સાવ નજીવી બાબત છે અને તે તમને મોઆબીઓ પર વિજય પણ અપાવશે.

19 તમે તેમનાં સર્વ સુંદર કિલ્લેબંધીવાળાં નગરો કબજે કરશો; તેમનાં ફળાઉ વૃક્ષો કાપી નાખશો; તેમના ઝરા બંધ કરી દેશો અને તેમનાં ફળદ્રુપ ખેતરોને પથ્થરોથી છાઈ દઈ તેમને નકામાં બનાવી દેશો.”

20 પછીની સવારે, સવારના નિત્યના અર્પણના સમયે, અદોમ તરફથી પાણી આવ્યાં અને એ સમગ્ર પ્રદેશમાં ફરી વળ્યાં.

21 મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ તેમના પર આક્રમણ લઈ આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે તેવી ઉંમરના બધા માણસો એકઠા થયા અને તેમણે સરહદ પર મોરચો માંડયો.

22 બીજી સવારે તેઓ ઊઠયા ત્યારે સૂર્ય પાણી પર પ્રકાશતો હતો અને તેથી તે રક્તવર્ણું દેખાયું.

23 તેઓ બોલી ઊઠયા, “એ તો રક્ત છે! ત્રણેય શત્રુઓએ અંદરોઅંદર લડીને એકબીજાને મારી નાખ્યા છે! ચાલો, જઈને તેમની છાવણી લૂંટીએ!”

24 તેઓ છાવણીમાં પહોંચ્યા એટલે ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કર્યો એટલે મોઆબીઓ તેમનાથી ભાગ્યા. ઇઝરાયલીઓએ છેક તેમના દેશ સુધી પીછો કરી તેમની ક્તલ ચલાવી અને તેમણે તેમનાં નગરોનો નાશ કર્યો.

25 ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.

26 મોઆબના રાજાને લાગ્યું કે લડાઈ હવે તેના હાથમાં રહી નથી, ત્યારે તેણે પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લઈને શત્રુની હરોળ છેદી અરામના રાજા પાસે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નહિ.

27 તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan