૨ રાજા 25 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનું પતન ( ૨ કાળ. 36:13-21 ; યર્મિ. 52:3-11 ) 1 સિદકિયાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો. તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું પૂરું લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું. તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારેબાજુ મોરચા ઊભા કર્યા. 2 સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો ચાલુ રહ્યો. 3 એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો. 4 તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું, અને ખાલદીઓનું લશ્કર નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. 5 પણ ખાલદીઓના સૈન્યે સિદકિયા રાજાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો. તેના સઘળા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા. 6 નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્બા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સાર રાજાએ ત્યાં તેને સજા ફટકારી. 7 સિદકિયાના દેખતાં તેના પુત્રોને મારી નાખવામાં આવ્યા; પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળે બાંધીને બેબિલોન લઈ ગયો. મંદિરનો નાશ ( યર્મિ. 52:12-33 ) 8 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા માસને સાતમે દિવસે, બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો. 9 તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં. 10 વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના 11 લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો. 12 પણ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા. 13 ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાના સ્તંભો, જળગાડીઓ અને જળકુંડ ભાંગી નાખ્યાં અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા. 14 વળી, તેઓ ભસ્મપાત્રો, પાવડા, ચીપિયા, રક્તપાત્રો અને તાંબાના અન્ય તમામ વાસણો પણ લઈ ગયા. 15 અંગરક્ષકદળનો વડો સોનારૂપાનાં મૂલ્યવાન પાત્રો એટલે અંગારપાત્રો અને રક્તપાત્રો લઈ ગયો. 16 શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલ બે સ્તંભો, જળકુંડ અને જળગાડીઓમાં વપરાયેલ તાંબુ તોળી ન શકાય એટલું બધું હતું. 17 બન્ને તામ્રસ્તંભ એક્સરખા હતા. પ્રત્યેક સ્તંભ આશરે આઠ મીટર ઊંચો હતો અને તેની ટોચે તાંબાનો કળશ હતો. કળશની ઊંચાઈ 1.3 મીટરની હતી અને તેના પર દાડમોનું નકશીકામ કોતરેલું હતું. 1.3 મીટર ઊંચાઈનો કળશ હતો. કળશની ચારે તરફ પિત્તળનાં દાડમનું કોતરકામ હતું. યહૂદિયાના લોકો બેબિલોન લઈ જવાયા ( યર્મિ. 52:24-27 ) 18 વળી, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને તેના પછીના દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ મહત્ત્વના દ્વારપાળ યજ્ઞકારોને લઈ ગયો. 19 તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના પાંચ અંગત સલાહકારોને, લશ્કરી ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પણ પકડી લીધા. 20 નબૂઝારઅદાન તેમને હમાથના પ્રદેશના રિબ્બા નગરમાં બેબિલોનના રાજા પાસે લઈ ગયો. 21 ત્યાં બેબિલાનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. એમ યહૂદિયાના લોકોનો દેશનિકાલ થયો. યહૂદિયાનો રાજ્યપાલ ગદાલ્યા ( યર્મિ. 40:7-9 ; 41:1-3 ) 22 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો અને જેમને બેબિલોન લઈ જવામાં ન આવ્યા તે બધાને તેની દેખરેખ હેઠળ મૂક્યા. 23 યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા. 24 ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “હું તમને ખાતરીપૂર્વક જણાવું છું કે ખાલદીઓના અમલદારોથી તમારે ડરવાની કંઈ જરૂર નથી. આ દેશમાં જ વસો, બેબિલોનના રાજાની સેવા કરો એટલે, તમારું હિત થશે.” 25 પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા. 26 પછી ગરીબતવંગર સર્વ ઇઝરાયલીઓ અને સૈન્યના અમલદારો ત્યાંથી ઇજિપ્ત જતા રહ્યા, કારણ, તેઓ ખાલદીઓથી ગભરાતા હતા. યહોયાખીનનો કેદમાંથી છુટકારો ( યર્મિ. 52:31-34 ) 27 યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો. 28 એવીલ-મેરાદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ થયેલા જે અન્ય રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું. 29 યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો. 30 તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide