૨ રાજા 24 - પવિત્ર બાઇબલ C.L.1 યહોયાકીમ રાજા હતો ત્યારે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર આક્રમણ કર્યું અને ત્રણ વર્ષ સુધી યહોયાકીમે તેને આધીન રહેવું પડયું. પણ પછી તેણે બળવો કર્યો. 2 પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી. 3 મનાશ્શા રાજાએ જે સઘળાં પાપકર્મો કર્યાં હતાં તેને લીધે પ્રભુની નજર આગળથી યહૂદિયાના લોકોને દૂર હાંકી કાઢવા માટે પ્રભુની આજ્ઞાથી એ બન્યું. 4 ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા. 5 યહોયાકીમનાં સર્વ કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 6 યહોયાકીમ મરણ પામ્યો અને તેની જગ્યાએ તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો. 7 ઇજિપ્તનો રાજા અને તેનું સૈન્ય તે પછી ક્યારેય ઇજિપ્તમાંથી કૂચ કરી બહાર આવ્યું નહિ. કારણ, યુફ્રેટિસ નદીથી ઇજિપ્તની ઉત્તર સરહદ સુધીનો ઇજિપ્તનો સઘળો પ્રદેશ હવે બેબિલોનના રાજાની હકૂમત હેઠળ હતો. યહૂદિયાનો રાજા યહોયાખીન ( ૨ કાળ. 36:9-10 ) 8 યહોયાખીન રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. યરુશાલેમના એલનાથાનની પુત્રી નેહુશ્તા તેની માતા હતી. 9 પોતાના પિતાનું અનુકરણ કરીને યહોયાખીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 10 એના અમલ દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજાના લશ્કરી અમલદારોની આગેવાની હેઠળ બેબિલોનના સૈન્યે યરુશાલેમ પર આક્રમણ કરીને તેને ઘેરો ઘાલ્યો. 11 ઘેરા દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજા પોતે યરુશાલેમ આવ્યો. 12 યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો. 13 અને તે પ્રભુના મંદિર તથા રાજમહેલનો સઘળો ખજાનો બેબિલોન લઈ ગયો. પ્રભુએ અગાઉથી જણાવ્યું હતું તેમ શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલાં સોનાનાં સઘળાં પાત્રો ભાંગી નાખ્યાં. 14 નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા. 15 નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો. 16 નબૂખાદનેસ્સાર લગભગ સાતેક હજાર જેટલા અગત્યના સઘળા માણસોને બેબિલોન લઈ ગયો. વળી, લુહારો સહિત એક હજાર કુશળ કારીગરોને લઈ ગયો; તેઓ સૌ યુદ્ધમાં જવાની લાયક્ત ધરાવતા સશક્ત માણસો હતા. 17 નબૂખાદનેસ્સારે યહોયાખીનના કાકા માત્તાન્યાને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેણે તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું. યહૂદીયાનો રાજા સિદકિયા ( ૨ કાળ. 36:11-12 ; યર્મિ. 52:1-3 ) 18 સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી. 19 યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 20 યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide