Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 23 - પવિત્ર બાઇબલ C.L.


યોશિયા વિધર્મી દેવપૂજા દૂર કરે છે
( ૨ કાળ. 34:3-7 , 29-33 )

1 યોશિયા રાજાએ યહૂદિયા અને યરુશાલેમના બધા આગેવાનોને એકત્ર કર્યા.

2 યહૂદિયાના બધા લોકો, યરુશાલેમના રહેવાસીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો અને નાનામોટા સૌની સાથે તે પ્રભુના મંદિરમાં ગયો. રાજાએ મંદિરમાંથી મળી આવેલ કરારનું આખું પુસ્તક તેમની આગળ વાંચી સંભળાવ્યું.

3 રાજસ્તંભ પાસે ઊભા રહીને તેણે પ્રભુને આધીન થવા, પોતાના પૂરા મનથી અને જીવથી તેમના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવા અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણીઓ વ્યવહારમાં મૂકવા પ્રભુની સાથે કરાર કર્યો. સર્વ લોકોએ એ કરારનું પાલન કરવા વચન આપ્યું.

4 પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી.

5 યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમ નજીકનાં સ્થાનોમાં વિધર્મી વેદીઓ પર બલિદાન કરનારા સર્વ યજ્ઞકારો જેમને યહૂદિયાના અગાઉના રાજાઓએ નીમ્યા હતા અને જેઓ બઆલને, તેમ જ સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોને અને નક્ષત્રમંડળને બલિદાન ચઢાવતા હતા તે બધાને યોશિયાએ દૂર કર્યા.

6 તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.

7 તેણે પ્રભુના મંદિરમાં પુરુષ અને સ્ત્રી વેશ્યાઓના નિવાસખંડ તોડી નાખ્યા. (ત્યાં જ સ્ત્રીઓ અશેરાની પૂજામાં વપરાતા ઝભ્ભા વણતી હતી.)

8 યહૂદિયાનાં નગરોમાં વસતા યજ્ઞકારોને તે યરુશાલેમ લઈ આવ્યો, અને ગેબાથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં તેમણે જ્યાં જ્યાં અર્પણો ચઢાવ્યાં હતાં તે બધી વેદીઓને તેણે તોડી પાડીને તેમને ભ્રષ્ટ કરી. નગરના રાજ્યપાલ યહોશુઆએ બાંધેલા દરવાજા પાસેની વેદી પણ તેણે તોડી પાડી. શહેરમાં પ્રવેશતાં મુખ્ય દરવાજાની ડાબી તરફ એ દરવાજો હતો.

9 એ વેદીના યજ્ઞકારોને મંદિરની સેવામાં દાખલ કરવામાં આવ્યા નહિ, પણ તેઓ તેમના સાથી યજ્ઞકારોને મળતી યરુશાલેમમાં મંદિરમાંની પ્રભુની વેદીને લગતી ખમીર વિનાની રોટલીમાંથી ખાઈ શક્તા.

10 યોશિયા રાજાએ હિન્‍નોમ ખીણમાં આવેલા વિધર્મી પૂજાસ્થાન તોફેથને પણ ભ્રષ્ટ કર્યું; જેથી કોઈ પોતાના પુત્રનું કે પુત્રીનું મોલેખ દેવતાને અગ્નિમાં બલિ ન ચઢાવે.

11 સૂર્યપૂજા માટે યહૂદિયાના રાજાઓએ અર્પણ કરેલા ઘોડા તેણે દૂર કર્યા અને એ પૂજામાં વપરાતા રથ બાળી નાખ્યા. (એ બધા દરવાજા પાસે મંદિરના ચોકમાં અને નાથાન મેલેખ નામના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાનની નજીક રાખવામાં આવતા હતા.)

12 આહાઝ રાજાના ખંડની અગાશીમાં યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓ યોશિયા રાજાએ તોડી નાખી. સાથોસાથ મંદિરના બે ચોકમાં મનાશ્શા રાજાએ ઊભી કરેલી બે વેદીઓ પણ તોડી પાડી. તેણે વેદીઓના ચૂરેચૂરા કરી નાખીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી.

13 યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી.

14 યોશિયા રાજાએ શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખ્યા અને અશેરા દેવીની પ્રતિમાનું ખંડન કર્યું, અને એનાં સ્થાન માણસોનાં હાડકાંથી ભરી દીધાં.

15 ઇઝરાયલને મૂર્તિપૂજાના દુરાચારમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામ રાજાએ બેથેલમાં બાંધેલી વેદી અને પૂજા માટે બંધાવેલનું તેનું ઉચ્ચસ્થાન યોશિયાએ તોડી પાડયાં. યોશિયાએ તેની વેદીનું ખંડન કર્યું, પૂજાના ઉચ્ચસ્થાનના પથ્થરોના ટુકડેટુકડા કરી નાખ્યા અને તેમને ધૂળમાં ભેળવી દીધા. તેણે અશેરાની મૂર્તિને પણ બાળી નાખી.

16 પછી યોશિયાએ પર્વત પર કેટલીક કબરો જોઈ; તેણે તેમાંથી હાડકાં કઢાવી મંગાવીને વેદી પર બાળ્યાં. એ રીતે તેણે વેદીને અશુદ્ધ કરી અને એમ તેણે ઘણા સમય પહેલાં ઉત્સવ દરમ્યાન યરોબામ રાજા વેદી પાસે ઊભો હતો ત્યારે ઈશ્વરભક્તે ઉચ્ચારેલી ભવિષ્યવાણી પ્રમાણે કર્યું.

17 યોશિયા રાજાએ આમતેમ નજર ફેરવતાં તેણે એ ભવિષ્યવાણી કરનાર સંદેશવાહકની કબર જોઈ. તેણે પૂછયું, “પેલું સ્મારક શાનું છે?” બેથેલના લોકોએ તેને કહ્યું, “એ તો તેં આ વેદીને જે કર્યું તે અંગેની ભવિષ્યવાણી ભાખનાર ઈશ્વરભક્તની કબર છે.”

18 યોશિયાએ હુકમ કર્યો, “તેને યથાવત્ રહેવા દો. એનાં હાડકાં ત્યાંથી હટાવવાનાં નથી.” તેથી તે સંદેશવાહકનાં કે સમરૂનમાંથી આવેલા સંદેશવાહકનાં હાડકાં ત્યાંથી હટાવવામાં આવ્યાં નહિ.

19 ઈઝરાયલના રાજાઓએ સમરૂનના પ્રત્યેક નગરમાં પૂજાનાં ઉચ્ચસ્થાન બંધાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા. યોશિયા રાજાએ એ બધાં તોડી પાડયાં. તેણે એ વેદીઓના સંબંધમાં પણ બેથેલની વેદી જેવું જ કર્યું.

20 તેણે વિધર્મી યજ્ઞકારોને તેમના પૂજાનાં ઉચ્ચસ્થાન ઉપર જ મારી નાખ્યા અને પ્રત્યેક વેદી પર માણસનાં હાડકાં બાળ્યાં. પછી તે યરુશાલેમ પાછો આવ્યો.


પાસ્ખાપર્વની ઉજવણી
( ૨ કાળ. 35:1-19 )

21 યોશિયા રાજાએ કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે લોકોને તેમના ઈશ્વર પ્રભુના માનમાં પાસ્ખાપર્વ ઉજવવાનો આદેશ આપ્યો.

22 દેશ પર ન્યાયાધીશો અમલ ચલાવતા હતા તે સમયથી માંડીને ઇઝરાયલના કે યહૂદિયાના કોઈ રાજાએ એવા પાસ્ખાપર્વની ઉજવણી ક્યારેય કરી નહોતી.

23 હવે, છેવટે યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યરુશાલેમમાં પ્રભુના માનાર્થે પાસ્ખાપર્વની ઉજવણી થઈ.


યોશિયાના અન્ય સુધારા

24 પ્રમુખ યજ્ઞકાર હિલકિયાને મંદિરમાંથી જડી આવેલ પુસ્તકમાં લખેલા નિયમો અમલમાં આવે તે માટે યોશિયા રાજાએ યરુશાલેમ અને યહૂદિયાના બાકીના બધા ભાગમાંથી પ્રેતાત્માનો સંપર્ક સાધનારા અને જોશીઓને તેમ જ સર્વ ઘરદેવતાઓને, મૂર્તિઓને અને વિધર્મી પૂજાની સર્વ સાધનસામગ્રી દૂર કર્યાં.

25 મોશેના સમગ્ર નિયમનું પાલન કરીને પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રભુની સેવા કરી હોય એવો તેના જેવો રાજા તેની પહેલાં કે તેના પછી થયો નથી.

26 પણ મનાશ્શા રાજાનાં કાર્યોથી યહૂદિયા પર સળગી ઊઠેલો પ્રભુનો ભારે કોપ હજી શમી ગયો નહોતો.

27 પ્રભુએ કહ્યું, “મેં જેવું ઇઝરાયલને કર્યું તેવું જ હું યહૂદિયાને કરીશ; હું મારી નજર આગળથી યહૂદિયાના લોકોને કાઢી મૂકીશ, અને મેં પસંદ કરેલ યરુશાલેમ શહેરનો અને મારા નામનું ભજન કરવા માટે મેં જેને પસંદ કર્યું હતું તે મંદિરનો હું ત્યાગ કરીશ.”


યોશિયાના અમલનો અંત
( ૨ કાળ. 35:20—36:1 )

28 યોશિયા રાજાનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

29 યોશિયા રાજા હતો ત્યારે આશ્શૂરના રાજાને મદદ કરવા માટે ઇજિપ્તનો રાજા નેખો મોટું સૈન્ય લઈને યુફ્રેટિસ નદી પર ગયો. યોશિયા રાજાએ ઇજિપ્તના સૈન્યનો મગિદ્દો આગળ સામનો કર્યો. પણ તે લડાઈમાં માર્યો ગયો.

30 તેના અમલદારો તેના શબને રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને ત્યાં તેને પોતાની કબરમાં દફનાવવામાં આવ્યો. યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆઝનો તેની જગ્યાએ રાજ્યાભિષેક કર્યો.


યહૂદિયાનો રાજા યહોઆઝ
( ૨ કાળ. 36:2-4 )

31 યહોઆઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. લિબ્નાના યર્મિયાની પુત્રી હમૂટાલ તેની માતા હતી.

32 તેણે પોતાના પૂર્વજોનું અનુકરણ કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

33 ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી.

34 ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો.


યહૂદિયાનો રાજા યહોયાકીમ
( ૨ કાળ. 36:5-8 )

35 યહોયાકીમે ઇજિપ્તના રાજાએ નાખેલી ખંડણી પેટે સોનુંચાંદી આપ્યાં. પણ તે માટે તેણે લોકો પર વેરો નાખ્યો અને પ્રત્યેક વ્યક્તિની સંપત્તિની આકારણી પ્રમાણે વેરો ઉઘરાવ્યો.

36 યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. રૂમા નગરના પેદીદાની પુત્રી ઝબિદા તેની માતા હતી.

37 પોતાના પૂર્વજોનું અનુકરણ કરીને યહોયાકીમે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan