૨ રાજા 22 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા યોશિયા ( ૨ કાળ. 34:1-2 ) 1 યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને એકત્રીસ વર્ષ રાજ કર્યું. બોસ્કાથ નગરના અદાયાની પુત્રી યદીદા તેની માતા હતી. 2 યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ. નિયમનું પુસ્તક મળ્યું 3 યોશિયા રાજાએ તેના અમલના અઢારમા વર્ષમાં મશૂલ્લામના પુત્ર અસાલિયાના પુત્ર શાફાન મંત્રીને આવા આદેશ સાથે મંદિરમાં મોકલ્યો: 4 “પ્રમુખ યજ્ઞકાર હિલકિયા પાસે જા અને મંદિરના પ્રવેશદ્વાર પર ફરજ બજાવતા યજ્ઞકારોએ લોકો પાસેથી એકત્ર કરેલા નાણાંનો અહેવાલ લઈ આવ. 5 એ પૈસા મંદિરની મરામત માટે જવાબદાર હોય એ માણસોને તે આપે એવું જણાવજે. 6 એમાંથી તેમણે સુથારો, સલાટો અને કડિયાઓને વેતન ચૂકવવું અને મરામત માટે લાકડું અને ખાણના પથ્થર ખરીદવાં. 7 બાંધકામમાં રોક્યેલા મુકાદમો પ્રામાણિક હોવાથી તેમની પાસેથી નાણાંનો હિસાબ લેવાની જરૂર નથી.” 8 રાજમંત્રી શાફાને મુખ્ય યજ્ઞકાર હિલકિયાને રાજાનો આદેશ જણાવ્યો. હિલકિયાએ તેને જણાવ્યું કે તેને મંદિરમાંથી નિયમનું પુસ્તક જડયું છે. હિલકિયાએ તેને એ પુસ્તક આપ્યું, એટલે શાફાને તે વાંચ્યું. 9 પછી તેણે રાજા પાસે જઈને ખબર આપી: “તમારા સેવકોએ મંદિરના પૈસા મરામત કરાવનારાઓને આપ્યા છે.” 10 વળી, તેણે કહ્યું, “હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા સમક્ષ મોટેથી વાંચી સંભળાવ્યું. 11 રાજાએ નિયમના પુસ્તકમાંનાં વચનો સાંભળીને પોતાનાં વસ્ત્ર ફાડયાં. 12 તેણે હિલકિયા યજ્ઞકારને, શાફાનના પુત્ર અહીકામને, મીખાયાના પુત્ર આખ્બોરને, મંત્રી શાફાનને અને રાજાના સેવક અસાયાને આવો આદેશ આપ્યો: 13 “આ પુસ્તકના શિક્ષણ સંબંધી મારે માટે અને યહૂદિયાના સર્વ લોકો માટે પ્રભુને પૂછો. આપણા પૂર્વજો આ પુસ્તકમાં જે લખ્યું છે તે પ્રમાણે વર્ત્યા નથી અને તેથી પ્રભુ આપણા પર કોપાયમાન થયા છે.” 14 હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી. 15 તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ આમ કહે છે: 16 ‘તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાને જઈને કહો કે તેં જે પુસ્તક વાંચ્યું છે તેમાં લખ્યા પ્રમાણે હું યરુશાલેમ અને તેના રહેવાસીઓ પર આફત ઉતારીશ.’ 17 કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ. 18-19 ‘પણ તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાનું હૃદય તો પસ્તાવિક છે અને તેણે પોતાને મારી સમક્ષ લીન કર્યો છે. યરુશાલેમ ઉજ્જડ બની જશે અને તેના રહેવાસીઓ શાપસૂચક બની જશે એવી મારી ધમકી સાંભળીને તે તો પોતાનાં વસ્ત્ર ફાડીને રડયો છે. મેં તેની પ્રાર્થના સાંભળી છે; તેથી હું તેને કહું છું કે, 20 તું મૃત્યુ પામશે અને લોકો તને સન્માનપૂર્વક તારા પૂર્વજો સાથે દફનાવશે અને આ નગર પર હું જે વિપત્તિ લાવનાર છું તે તારે જોવી પડશે નહિ.” એ સંદેશ સાથે પેલા માણસો યોશિયા રાજા પાસે પાછા ફર્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide