૨ રાજા 21 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા મનાશ્શા ( ૨ કાળ. 33:1-20 ) 1 મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને પંચાવન વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હેફસીબાહ હતું. 2 ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 3 તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી. 4 પ્રભુએ જ્યાં તેમના નામનું ભજન કરવા ફરમાવ્યું હતું તે યરુશાલેમના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બંધાવી. 5 મંદિરના બે ચોકમાં તેણે નક્ષત્રમંડળોની પૂજા માટે વેદીઓ બનાવી. તેણે પોતાના પુત્રનું દહનબલિ તરીકે અર્પણ ચડાવ્યું. 6 તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો. 7 તેણે મંદિરમાં અશેરા દેવીની મૂર્તિ મૂકી! મંદિર વિષે તો પ્રભુએ દાવિદ અને તેના પુત્ર શલોમોનને આવી સૂચના આપી હતી: “ઇઝરાયલના બાર કુળપ્રદેશોમાંથી અહીં યરુશાલેમમાં, આ મંદિરને મારા નામની ભક્તિના સ્થાન તરીકે પસંદ કર્યું છે. 8 જો મારા ઇઝરાયલી લોકો મારી સર્વ આજ્ઞાઓ પાળશે અને મારા સેવક મોશેએ આપેલા સમગ્ર નિયમનું પાલન કરશે, તો તેમના પૂર્વજોને મેં આપેલા દેશમાંથી હું તેમને હાંકી કાઢીશ નહિ.” 9 પણ યહૂદિયાના લોકોએ પ્રભુનું માન્યું નહિ. એને બદલે, પોતાના લોકને દેશમાં વસાવવા પ્રભુએ હાંકી કાઢેલી પ્રજાઓના કરતાંયે તેમણે મનાશ્શાની દોરવણીથી વિશેષ ભયંકર દુરાચરણ કર્યાં. 10 પ્રભુએ પોતાના સેવકો એટલે સંદેશવાહકો મારફતે કહેવડાવ્યું, 11 “મનાશ્શાએ કનાનીઓ કરતાં પણ વધારે ઘૃણાસ્પદ કામો કર્યાં છે, અને પોતે સ્થાપેલી મૂર્તિઓની પૂજા કરવાના પાપમાં યહૂદિયાના લોકોને દોર્યા છે. 12 તેથી હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ, યરુશાલેમ અને યહૂદિયા પર એવી ભારે આફત લાવવાનો છું કે એ વિષે સાંભળનાર સૌ કોઈ સ્તબ્ધ થઈ જશે. 13 મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ. 14 બચી ગયેલા લોકોનોય હું ત્યાગ કરીશ, અને તેમને તેમના દેશને જીતી લઈને તેને ખૂંદી નાખનાર તેમના શત્રુઓના હવાલે કરી દઈશ. 15 હું મારા લોકની એવી દશા કરીશ; કારણ, તેમના પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી આજ દિન સુધી ભયંકર દુરાચારથી તેમણે મને કોપાયમાન કર્યો છે.” 16 યહૂદિયાના લોકોને મૂર્તિપૂજા તરફ પ્રેરીને તેમને પ્રભુ વિરુદ્ધ દુરાચરણમાં દોરી જવા ઉપરાંત મનાશ્શાએ કેટલાય નિર્દોષ માણસોનો સંહાર કર્યો, જેને લીધે યરુશાલેમની શેરીઓ લોહીથી તરબોળ થઈ ગઈ. 17 મનાશ્શાનાં અન્ય કાર્યો અને તેનાં પાપ યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 18 મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો. યહૂદિયાનો રાજા આમોન ( ૨ કાળ. 33:21-25 ) 19 આમોન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને બે વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું. તે યોટબા નગરના હારુસની પુત્રી હતી. 20 તેના પિતા મનાશ્શાની જેમ આમોને પણ પ્રભુની નજરમાં ઘૃણાજનક દુરાચરણ કર્યું. 21 તેણે તેના પિતાનું અનુકરણ કર્યું અને તેનો પિતા જે મૂર્તિઓને પૂજતો હતો તેની તેણે પણ પૂજા કરી. 22 તેના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો તેણે નકાર કર્યો અને પ્રભુની ઇચ્છાને આધીન થયો નહિ. 23 આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડી કાઢયું અને તેના પર મહેલમાં જ હુમલો કરીને તેને મારી નાખ્યો. 24 આમોનનાં ખૂનીઓને યહૂદિયાના લોકોએ મારી નાખ્યા અને આમોનના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. 25 આમોનનાં બીજાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 26 આમોનને ઉઝ્ઝાની વાટિકામાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યોશિયા રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide