૨ રાજા 20 - પવિત્ર બાઇબલ C.L.હિઝકિયાની માંદગી અને સાજાપણું ( યશા. 38:1-8 , 21-22 ; ૨ કાળ. 32:24-26 ) 1 એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.” 2 હિઝકિયાએ દીવાલ તરફ મોં રાખીને પ્રાર્થના કરી: 3 “હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો. 4 યશાયા રાજા પાસેથી ગયો, પણ તે રાજમહેલનો મયખંડ પસાર કરે તે પહેલાં પ્રભુએ તેને 5 પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે. 6 હું તારા આયુષ્યમાં બીજાં પંદર વર્ષ વધારીશ. આશ્શૂરના સમ્રાટના હાથમાંથી તને અને આ યરુશાલેમ શહેરને બચાવીશ. મારા પોતાના સન્માનને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનું રક્ષણ કરીશ.” 7 પછી યશાયાએ રાજાના સેવકોને કહ્યું કે, “અંજીરની લાહી બનાવી તેના ગૂમડાં પર લગાવો એટલે તે સાજો થઈ જશે.” 8 હિઝકિયા રાજાએ પૂછયું, “હું સાજો થઈ જઈશ અને ત્રણ દિવસ પછી પ્રભુના મંદિરમાં જઈ શકીશ એની કોઈ નિશાની ખરી?” 9 યશાયાએ કહ્યું, “પ્રભુ પોતાનું વચન પાળશે એની સાબિતીરૂપે તે તને નિશાની આપશે. હવે તું પોતે પસંદ કર: સમયદર્શક સીડી પર છાંયડો દશ પગથિયાં આગળ જાય કે દશ પગથિયાં પાછળ જાય?” 10 હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દશ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે. એને દશ પગથિયાં પાછળ જવા દો.” 11 યશાયાએ પ્રભુને પ્રાર્થના કરી, એટલે આહાઝ રાજાએ ઊભી કરેલી સમયદર્શક સીડીમાં છાંયડો દશ પગથિયાં પાછળ ગયો. બેબિલોનમાંથી આવેલા રાજદૂતો ( યશા. 39:1-8 ) 12 એ જ અરસામાં બેબિલોનના રાજા એટલે બાલાદાનના પુત્ર બરોદાખ- બાલાદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા બીમાર છે. તેથી તેણે તેના પર પત્ર લખ્યો અને ભેટ મોકલી આપી. 13 હિઝકિયાએ રાજદૂતોનું સ્વાગત કર્યું અને તેમને પોતાની સઘળી સંપત્તિ એટલે રૂપું, સોનું, તેજાના, અત્તરો અને તેનો સર્વ લશ્કરી શસ્ત્રસંરજામ એ બધું બતાવ્યાં. તેમને પોતાના મહેલમાં કે આખા રાજ્યમાં જે જે ભંડારો હતા તેમાંથી કશું બતાવવાનું બાકી રાખ્યું નહિ. 14 પછી સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજા પાસે જઈને તેને પૂછયું, “આ માણસો ક્યાંથી આવ્યા છે, અને તેમણે તને શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી એટલે બેબિલોનથી આવ્યા છે.” 15 યશાયાએ પૂછયું, “તેમણે રાજમહેલમાં શું શું જોયું.” રાજાએ કહ્યું, “તેમણે સઘળું જોયું છે. તેમને ભંડારમાંથી બતાવવાનું કશું બાકી રાખ્યું નથી.” 16 યશાયાએ તેને કહ્યું, “તો હવે સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો: 17 ‘એવો દિવસ આવી રહ્યો છે જ્યારે તારા રાજમહેલની સર્વ સંપત્તિ, એટલે આજ દિન સુધી તારા પૂર્વજોની સંઘરી રાખેલી સર્વ સંપત્તિ લૂંટીને બેબિલોન લઈ જવાશે; કશું બાકી રખાશે નહિ. 18 તારા પોતાના કેટલાક નજીકના વંશજોને અહીંથી લઈ જઈને તેમને બેબિલોનના રાજાના રાજમહેલમાં વ્યંડળ નોકરો બનાવવામાં આવશે.” 19 હિઝકિયા રાજાએ એ સંદેશનો એવો અર્થ ઘટાવ્યો કે તેના પોતાના જીવનકાળ દરમ્યાન તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે પ્રત્યુત્તર પાઠવ્યો, “પ્રભુ તરફથી તેં મોકલાવેલો સંદેશ સારો છે.” હિઝકિયાના રાજ્યકાળનો અંત ( ૨ કાળ. 32:32-33 ) 20 હિઝકિયા રાજાનાં અન્ય કાર્યો, તેનાં પરાક્રમી કામો, અને તેણે બાંધેલ જળાશય તથા શહેરમાં પાણી પહોંચાડવા ખડકમાં ખોદાવેલ ભૂગર્ભ જળમાર્ગ વિષેનું વર્ણન યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 21 હિઝકિયા મરણ પામ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide