૨ રાજા 2 - પવિત્ર બાઇબલ C.L.એલિયાનું આકાશગમન 1 એલિયાને વંટોળિયા મારફત આકાશમાં ઊંચકી લેવાનો પ્રભુનો સમય આવી પહોંચ્યો. એલિયા અને એલિશા ગિલ્ગાલથી ઉપડયા. 2 અને રસ્તે જતાં એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને બેથેલ જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ બેથેલ ગયા. 3 ત્યાં બેથેલમાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.” 4 પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યરીખો જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી. ” તેથી તેઓ યરીખો ગયા. 5 ત્યાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.” 6 પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યર્દન નદીએ જવા કહ્યું છે.” પણ એલિશાએ કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ આગળ ચાલ્યા. 7 પચાસ સંદેશવાહકો પણ તેમની પાછળ પાછળ યર્દન ગયા. એલિયા અને એલિશા નદીએ થોભ્યા અને પચાસ સંદેશવાહકો થોડે દૂર ઊભા રહ્યા. 8 પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા. 9 ત્યાં એલિયાએ એલિશાને કહ્યું, “હું તારી પાસેથી ઊંચકાઈ જાઉં તે પહેલાં મારી પાસે તારી શી માગણી છે?” એલિશાએ જવાબ આપ્યો, “મને તમારો પ્રથમજનિત પુત્ર ગણીને તમારા આત્માના પરાક્રમનો બમણો હિસ્સો આપો.” 10 એલિયાએ કહ્યું, “આ માગણી અત્યંત અઘરી છે. પણ જો તું મને ઊંચકાઈ જતો જોશે તો તું તે જરૂર પામીશ; પણ જો તું મને જતો નહિ જુએ તો નહિ મળે.” 11 ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો. 12 એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા. 13 પછી તેણે એલિયાની પાસેથી પડેલો તેનો ઝભ્ભો ઉપાડી લઈ પાછો યર્દનને કાંઠે જઇ ઊભો રહ્યો. 14 તેણે એલિયાનો ઝભ્ભો ફરીથી પાણી પર અફાળીને કહ્યું, “એલિયાના ઈશ્વર પ્રભુ ક્યાં છે?” તેણે તે પાણી પર અફાળ્યો કે પાણીના બે ભાગ થઈ ગયા અને તે ચાલીને સામે તટે ગયો. 15 યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં. 16 તેમણે કહ્યું, “અમે અહીં પચાસ બળવાન પુરુષો છીએ. અમે જઈને તમારા ગુરુની શોધ કરીએ. કદાચ પ્રભુના આત્માએ તેમને ઊંચકી જઈને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં મૂકી દીધા હશે.” એલિશાએ જવાબ આપ્યો, “ના, તમારે જવાની જરૂર નથી.” 17 પણ તેણે છેવટે કંટાળીને હા પાડી ત્યાં સુધી તેમણે જવા માટે આગ્રહ કર્યો. પછી પચાસ માણસોએ જઈને ત્રણ દિવસ સુધી ઊંચા નીચાં બધાં સ્થળે શોધખોળ ચલાવી; પણ તે તેમને મળ્યો નહિ. 18 પછી તેઓ યરીખોમાં પાછા આવ્યા અને ત્યાં રોકાઈ ગયેલા એલિશાને મળ્યા. તેણે તેમને કહ્યું, “મેં તમને જવાનું ના નહોતું કહ્યું?” એલિશાના ચમત્કાર 19 યરીખોના કેટલાક માણસોએ એલિશા પાસે જઇને કહ્યું, “ગુરુજી, તમે જાણો છો કે આ નગર તો સુંદર છે, પણ તેનું પાણી દૂષિત છે અને એનાથી દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.” 20 તેણે આજ્ઞા કરી, “મને એક નવા કોડિયામાં મીઠું લાવી આપો.” તેઓ તે લઈ આવ્યા, 21 એટલે તે ઝરણાએ ગયો અને પાણીમાં મીઠું નાખી બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘મેં આ પાણી શુદ્ધ કર્યાં છે. એનાથી હવે મૃત્યુ કે કસુવાવડ થશે નહિ.” 22 અને એલિશાએ કહ્યું હતું તેમ ત્યારથી એ પાણી શુદ્ધ છે. 23 એલિશા યરીખોથી બેથેલ ઉપડયો, તો રસ્તે જતાં નગરમાંથી છોકરાઓએ નીકળી આવી તેની મજાક ઉડાવી. તેમણે બૂમો પાડી, “ઓ ટાલિયા, ચાલ્યો જા! ઓ ટાલિયા, ચાલ્યો જા.” 24 એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં. 25 એલિશા ર્કામેલ પર્વત સુધી ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide