૨ રાજા 19 - પવિત્ર બાઇબલ C.L.રાજા યશાયાની સલાહ મેળવે છે ( યશા. 37:1-7 ) 1 તેમનો અહેવાલ સાંભળતાં જ હિઝકિયા રાજાએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, કંતાનનાં વસ્ત્ર પહેર્યાં અને પ્રભુના મંદિરમાં ગયો. 2 તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં. 3 તેણે તેમને યશાયા પાસે જઈને આ સંદેશો કહેવા જણાવ્યું: “આજે તો સંકટનો દિવસ છે; આપણને ધમકી અપાય છે અને આપણું અપમાન થાય છે. જેને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ પ્રસવ માટે ખૂબ જ નિર્બળ હોય એવી સ્ત્રી જેવા આપણે છીએ. 4 આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.” 5 યશાયાએ રાજાના સેવકો પાસેથી હિઝકિયા રાજાનો એ સંદેશો સાંભળ્યો, એટલે તેણે આ પ્રત્યુત્તર મોકલ્યો: 6 “તમારા માલિકને જઈને કહો કે, પ્રભુ આમ જણાવે છે: ‘આશ્શૂરના રાજાના સેવકોએ મારી જે નિંદા કરી છે તેના શબ્દોથી ગભરાઈ જશો નહિ. 7 હું તેને એવી પ્રેરણા કરીશ કે તે માત્ર અફવા સાંભળીને તેના દેશમાં પાછો ચાલ્યો જશે અને ત્યાં તેના દેશમાં જ તે તલવારથી માર્યો જાય એવું હું કરીશ.” આશ્શૂરીઓની બીજી ધમકી ( યશા. 37:8-20 ) 8 આશ્શૂરના મુખ્ય અમલદારને ખબર મળી કે આશ્શૂરનો સમ્રાટ લાખીશ છોડીને નજીકના લિબ્ના નગર સામે લડી રહ્યો છે. તેથી તે તેને ત્યાં મળવા ગયો. 9 આશ્શૂરીઓને ખબર મળી કે કૂશના રાજા તિર્હાકાની સરદારી હેઠળ ઇજિપ્તીઓનું સૈન્ય તેમના પર ચઢી આવે છે. એ સાંભળીને આશ્શૂરના સમ્રાટે યહૂદિયાના રાજા હિઝકિયા પર એક પત્ર મોકલ્યો. 10 તેમાં તેણે આ પ્રમાણે જણાવ્યું, “જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તેણે તને એવું કહ્યું છે કે યરુશાલેમ મારા હાથમાં પડશે નહિ, તો પણ એથી ભરમાઈશ નહિ. 11 આશ્શૂરનો સમ્રાટ જે દેશનો વિનાશ કરવાનો નિર્ણય કરે છે તેની તે કેવી દશા કરે છે તે તેં સાંભળ્યું હશે. તો પછી તું બચી જશે એવું ધારે છે? 12 મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ. 13 વળી, હમાથ, આર્પાદ, સફાર્વાઈમ, હેના અને ઈવ્વા નગરોના રાજાઓ ક્યાં છે?” 14 હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ એ પત્ર મૂક્યો. 15 તેણે પ્રાર્થના કરી, “હે ઈઝરાયલના ઈશ્વર પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પરના પોતાના રાજ્યાસન પર બિરાજમાન, તમે એકલા જ ઈશ્વર છો અને દુનિયામાં બધાં રાજ્યો પર તમારું શાસન છે. તમે આકાશ અને પૃથ્વીના સર્જક છો. 16 તો હવે પ્રભુ અમારી આ અવદશા જુઓ. તમારી એટલે જીવતા ઈશ્વરની સાન્હેરિબ કેવી નિંદા કરે છે તે લક્ષમાં લો. 17 પ્રભુ અમે સૌ જાણીએ છીએ કે આશ્શૂરના સમ્રાટોએ ઘણી પ્રજાઓનો નાશ કર્યો છે અને તેમના દેશોને ઉજ્જડ કરી નાખ્યા છે. 18 તેમણે તેમના દેવોને બાળી નાખ્યા; જો કે એ તો દેવો હતા જ નહિ, પણ માત્ર માનવ હાથે બનાવેલી લાકડાની અને પથ્થરની પ્રતિમાઓ જ હતી. 19 હવે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, આશ્શૂરીઓના હાથમાંથી અમને બચાવો, જેથી દુનિયાની સઘળી પ્રજાઓ જાણે કે તમે યાહવે જ એકમાત્ર ઈશ્વર છો.” યશાયાએ રાજાને મોકલેલો સંદેશો ( યશા. 37:21-38 ) 20 પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં 21 પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે. 22 તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. 23 તારા સઘળા રથોની મદદથી તેં લબાનોનના સર્વોચ્ચ પર્વતો સર કર્યા છે એવી મારી આગળ બડાશ મારવા તેં તારા સંદેશકો મોકલ્યા. તેં એવી બડાશ મારી કે તેં ઊંચામાં ઊંચા ગંધતરુ અને સુંદરત્તમ દેવદારનાં વૃક્ષો કાપી નાખ્યાં અને તું અતિ ગાઢ જંગલમાં પહોંચી ગયો. 24 તેં એવી પણ બડાશ મારી કે તેં પરદેશીઓના દેશમાં કૂવા ખોદીને પાણી પીધાં અને તારા સૈનિકોએ નાઈલનાં બધાં ઝરણાં ખૂંદીને સૂકવી નાખ્યાં.” 25 “એ બધું મેં અગાઉથી નિર્માણ કર્યું છે એ તે સાંભળ્યું નથી? હવે મેં તેમ થવા પણ દીધું છે. કિલ્લેબંધી નગરોને પથ્થરોના ઢગલામાં ફેરવી દેવા મેં તને શક્તિ આપી. 26 તેના રહેવાસીઓ નિર્બળ અને નિરાશ થઈ હાવરાબાવરા બની ગયા છે. તેઓ તે પૂર્વના ગરમ પવનથી કરમાઈ ગયેલા ખેતરમાંના ઘાસ કે ધાબા પરના ઘાસ જેવા હતા.” 27 “પણ તારી બધી હિલચાલ, એટલે, તું ક્યાં જાય છે અને શું કરે છે તે બધું હું જાણું છું. મારા પ્રત્યેનો તારો રોષ હું જાણું છું. 28 મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.” 29 પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “હવે જે થવાનું છે તેની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે માત્ર આપમેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષમાં તમે તમારું અનાજ વાવશો અને કાપણી કરશો; દ્રાક્ષવેલા રોપશો અને દ્રાક્ષ ખાશો.” 30 યહૂદિયામાં બચી ગયેલા લોકો જમીનમાં ઊંડે સુધી મૂળ પ્રસારશે અને ઉપર ડાળી ફેલાવીને ફળવંત થશે. 31 યરુશાલેમમાંથી અને પવિત્ર પર્વત સિયોનમાંથી બચી ગયેલા લોકોનું વૃંદ બહાર નીકળી આવશે. પ્રભુની તમન્નાથી એવું થશે.” 32 “આશ્શૂરના સમ્રાટ માટે તો પ્રભુએ આમ કહ્યું છે: ‘તે ન તો આ શહેરમાં પ્રવેશશે કે ન તો તેના પર એક બાણ મારશે. શહેરની પાસે કોઈ ઢાલધારી સૈનિકો આવશે નહિ અથવા તેની આસપાસ ઘેરો ઘાલી આક્રમણ કરવાના મોરચા ઊભા કરશે નહિ. 33 શહેરમાં દાખલ થયા વિના જ તે જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું. 34 મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.” 35 તે રાત્રે પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોની ક્તલ કરી. બીજે દિવસે સવારે તો તેઓ સૌ ત્યાં મરેલા પડયા હતા. 36 ત્યારે આશ્શૂરનો સમ્રાટ સાન્હેરિબ પાછો નીનવે જતો રહ્યો. 37 એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખ અને શારસેરે તેનો તલવારથી સંહાર કર્યો અને ત્યાંથી અરારાટ દેશમાં નાસી ગયા. તેના પછી તેનો પુત્ર એસાર્હેદોજન સમ્રાટ બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide