૨ રાજા 18 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા હિઝકિયા ( ૨ કાળ. 29:1-2 ; 31:1 ) 1 ઇઝરાયલનો રાજા એટલે એલાના પુત્ર હોશિયાના અમલના ત્રીજા વર્ષમાં આહાઝનો પુત્ર હિઝકિયા યહૂદિયાનો રાજા બન્યો. 2 તે પચ્ચીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ્ય કર્યું. ઝખાર્યાની પુત્રી અબિયા તેની માતા હતી. 3 પોતાના પૂર્વજ દાવિદનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. 4 તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા. 5 હિઝકિયાએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પર ભરોસો રાખ્યો. તેની પહેલાં કે પછી યહૂદિયામાં ક્યારેય તેના જેવો રાજા બીજો કોઈ નહોતો. 6 તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો. 7 તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો. 8 તેણે પલિસ્તીઓનો પરાજય કર્યો અને ગાઝા તથા તેની આસપાસના પ્રદેશોનાં માત્ર ચોકીદારનો બુરજ ધરાવતાં નાનાં નાનાં ગામોથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગરો સુધી તેમના સર્વ વસવાટો પર આક્રમણ કર્યું. 9 હિઝકિયા રાજાના અમલના ચોથા વર્ષમાં, એટલે કે, હોશિયા રાજાના ઇઝરાયલ પરના અમલના સાતમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે ઇઝરાયલ પર ચઢાઈ કરી અને સમરૂનને ઘેરો ઘાલ્યો. 10 ત્રીજા વર્ષની આખરમાં તેમણે સમરૂન સર કર્યું. એ તો હિઝકિયાના અમલનું છઠ્ઠું વર્ષ અને હોશિયાના અમલનું નવમું વર્ષ હતું. 11 આશ્શૂરનો સમ્રાટ ઇઝરાયલીઓને આશ્શૂરમાં કેદ કરી લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબોર નદી પાસેના ગોઝાન જિલ્લામાં અને કેટલાકને માદીઓનાં નગરોમાં વસાવ્યા. 12 સમરૂનનું પતન થયું; કારણ, ઇઝરાયલીઓ તેમના ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ, પણ તેમણે તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો અને પ્રભુના સેવક મોશેએ આપેલી સર્વ આજ્ઞાઓનો અનાદર કર્યો; એટલે, તેમણે તેમનું સાંભળ્યું નહિ અને આધીન પણ થયા નહિ. યરુશાલેમ વિરુદ્ધ આશ્શૂરીઓની ધમકી ( ૨ કાળ. 32:1-19 ; યશા. 36:1-22 ) 13 હિઝકિયા રાજાના અમલના ચૌદમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ સાન્હેરિબે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો પર ચઢાઈ કરી તેમને જીતી લીધાં. 14 યહૂદિયાના રાજા હિઝકિયાએ સાન્હેરિબને લાખીશમાં સંદેશો મોકલ્યો: “મેં ભૂલ કરી છે; તમારી ચઢાઈ પાછી હઠાવી લો અને તમે ખંડણી તરીકે જે માગો તે હું આપીશ.” સમ્રાટે હિઝકિયાને દસ ટન રૂપું અને એક ટન સોનું મોકલવા જણાવ્યું. 15 હિઝકિયાએ તેને મંદિરમાંનું અને રાજમહેલના ખજાનાનું સર્વ રૂપું મોકલી આપ્યું. 16 તેણે મંદિરના કમાડો પરનું સોનું અને જે બારસાખો સોનાથી મઢાવી હતી તેનું બધું સોનું ઊતરડી લીધું અને સાન્હેરિબને મોકલાવ્યું. 17 આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો. 18 પછી તેમણે હિઝકિયા રાજા પર સંદેશો મોકલ્યો, એટલે તેના ત્રણ અધિકારીઓ તેમને મળવા બહાર આવ્યા. તેમાં રાજમહેલનો મુખ્ય અધિકારી એટલે, હિલ્કિયાનો પુત્ર એલિયાકીમ, રાજમંત્રી શેબના અને ગૃહમંત્રી એટલે, આસાફનો પુત્ર યોઆહ હતા. 19 મુખ્ય અમલદારે તેમને કહ્યું, “આશ્શૂરના મહાન સમ્રાટ તરફથી હિઝકિયાને આવો સંદેશો છે: તું કોના પર મદાર બાંધીને ભરોસો રાખે છે? 20 તું એમ માને છે કે માત્ર મોઢાના શબ્દો લશ્કરી વ્યૂહરચના કે તાક્તનું સ્થાન લઈ શકે? તું કોના પર મદાર બાંધીને મારી સામે વિદ્રોહ કરે છે? 21 કદાચ ઇજિપ્ત મદદ કરશે એવી તારી અપેક્ષા હશે. પણ ઇજિપ્ત તો બરુની ભાંગી ગયેલી લાકડી જેવું છે. જે કોઈ તેનો ટેકો લે તેનો હાથ જ ચીરાઈ જાય. ઇજિપ્તનો રાજા તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.” 22 મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી? 23 હું તારી સાથે સમ્રાટ એટલે મારા માલિકને નામે વાટાઘાટ કરીશ. જો તને બે હજાર ઘોડેસ્વારો મળી આવે તો હું તને તેટલા ઘોડા આપીશ. 24 આશ્શૂરના સૌથી નીચલા દરજ્જાના અધિકારી સાથે પણ તું બરાબરી કરી શકે નહિ. છતાં ઇજિપ્તીઓ તને રથો અને ઘોડેસ્વારો મોકલે એવી આશા તું રાખે છે? 25 શું તું એમ માને છે કે પ્રભુની સહાય વિના મેં તારા દેશ પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો છે? પ્રભુએ પોતે મને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કરવા જણાવ્યું છે.” 26 પછી હિલકિયાના પુત્ર એલિયાકીમ, શેબ્ના અને યોઆહે પેલા અમલદારને કહ્યું, “સાહેબ, અમારી સાથે અરામી ભાષામાં વાત કરો. અમે તે સમજીએ છીએ. હિબ્રૂ ભાષામાં બોલશો નહિ; કારણ, કોટ પર ઊભેલા બધા લોકો સાંભળે છે.” 27 તેણે જવાબ આપ્યો, “શું તમે એમ માનો છો કે સમ્રાટે મને માત્ર તમને કે રાજાને જ આ બધું કહેવા મોકલ્યો છે? ના, હું તો કોટ પર બેઠેલા લોકોને ઉદ્દેશીને બોલું છું અને તમારી જેમ તેમણે પણ પોતાના મળમૂત્ર ખાવાપીવાં પડશે.” 28 પછી મુખ્ય અમલદારે ઊભા થઈ હિબ્રૂમાં બૂમ પાડી, “આશ્શૂરના સમ્રાટ તરફથી તમારે માટેનો સંદેશો સાંભળો. 29 હિઝકિયા તમને ભુલાવે નહિ તે માટે સમ્રાટ તમને ચેતવે છે. કારણ, તે તમને તેમના હાથમાંથી છોડાવી શકશે નહિ. 30 પ્રભુ જરૂર આપણને બચાવશે અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાં પડવા દેશે નહિ એમ કહીને હિઝકિયા તમને ભરમાવે નહિ. 31 હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે. 32 ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે. 33 આશ્શૂરના સમ્રાટના હાથમાથી કોઈ પ્રજાના દેવોએ તેમના દેશને બચાવ્યા છે? 34 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઈવ્વાના દેવો ક્યાં છે? કોઈ દેવે સમરૂનનો બચાવ કર્યો? 35 આ બધા દેશોના કોઈપણ દેવે અમારા સમ્રાટના હાથમાંથી ક્યારેય કોઈ દેશને છોડાવ્યો છે? તો પછી પ્રભુ યરુશાલેમને બચાવશે એવું તમે કેમ માનો છો?” 36 હિઝકિયાના કહેવા પ્રમાણે લોકો ચૂપ રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. 37 પછી હિલકિયાના પુત્ર એલિયાકીમે, શેબ્નાએ તથા યોઆહે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને આશ્શૂરનો મુખ્ય અમલદાર જે બોલ્યો હતો તે જઈને રાજાને કહ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide