Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 16 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા આહાઝ
( ૨ કાળ. 28:1-27 )

1 રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના સત્તરમા વર્ષમાં યોથામનો પુત્ર આહાઝ યહૂદિયાનો રાજા બન્યો;

2 તે વખતે તે વીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેણે પોતાના પૂર્વજ દાવિદ રાજાની જેમ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું નહિ,

3 એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું.

4 પૂજાનાં ઉચ્ચસ્થાનોએ, પ્રત્યેક ટેકરી પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે આહાઝ બલિદાનો ચઢાવતો અને ધૂપ બાળતો.

5 અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા પેક્હે યરુશાલેમ પર હુમલો કર્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ તેઓ આહાઝને હરાવી શક્યા નહિ.

6 (એ જ વખતે અદોમના રાજાએ એલાથ નગર પર ફરીથી કબજો જમાવી ત્યાં રહેતા યહૂદિયાના લોકોને હાંકી કાઢયા. અદોમીઓ એલાથમાં વસ્યા અને હજુ ત્યાં રહે છે.)

7 આહાઝે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેર પાસે આવો સંદેશ લઈ માણસો મોકલ્યા: “હું તમારો વફાદાર સેવક અને પુત્રતુલ્ય છું. મારા પર હુમલો લઈ આવેલ અરામ અને ઇઝરાયલના રાજાઓથી મને બચાવો.”

8 આહાઝે પ્રભુના મંદિરમાંથી અને મહેલની તિજોરીમાંથી સોનુંચાંદી લઈને તે આશ્શૂરના સમ્રાટને ભેટમાં મોકલી આપ્યું.

9 તિગ્લાથ પિલેસેરે આહાઝની દાદના પ્રત્યુત્તરમાં પોતાનું સૈન્ય લઈ દમાસ્ક્સ પર ચડાઈ કરીને તેને જીતી લીધું. રાજા રસીનને મારી નાખ્યો અને લોકોને કેદીઓ બનાવી કીર લઈ ગયો.

10 આહાઝ રાજા સમ્રાટ તિગ્લાથ પિલેસેરને મળવા દમાસ્ક્સ ગયો ત્યારે તેણે ત્યાં એક વેદી જોઈ અને તેણે વેદીની ઝીણાંમાં ઝીણી વિગતોવાળી આબેહૂબ પ્રતિકૃતિ યજ્ઞકાર ઉરિયાને મોકલી આપી.

11 આહાઝે દમાસ્ક્સથી મોકલેલી પ્રતિકૃતિ જેવી જ વેદી ઉરિયાએ બનાવી અને આહાઝ આવ્યો તે પહેલાં તેનું કામ પૂરું કર્યું!

12 આહાઝ દમાસ્ક્સથી પાછો ફર્યો ત્યારે વેદી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હતી.

13 તેથી તેણે તેના પર પ્રાણીનાં દહનબલિ અને ધાન્યાર્પણ ચડાવ્યાં અને તે પર દ્રાક્ષાસવનું પેયાર્પણ અને સંગતબલિનું રક્ત રેડયું.

14 પ્રભુને અર્પિત થયેલ તામ્રવેદી પેલી નવી વેદી અને પ્રભુના મંદિરની વચ્ચે હતી. તેથી આહાઝે તામ્રવેદીને પોતાની નવી વેદીની ઉત્તર બાજુએ મૂકી.

15 પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ.

16 ઉરિયાએ રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું.

17 આહાઝ રાજાએ પ્રભુના મંદિરમાં વપરાતી તાંબાની જળગાડીઓ એકબાજુ હટાવી દીધી અને તેમના પરથી જળકુંડીઓ ઉઠાવી લીધી. તાંબાના બાર બળદોની પીઠ પરથી તાંબાનો જળકુંડ પણ લઈ લીધો, અને તેને પથ્થરના ઓટલા પર મૂક્યો.

18 વળી, આશ્શૂરના સમ્રાટને ખુશ કરવા આહાઝે પ્રભુના મંદિરમાંથી સાબ્બાથદિન માટે રાજ્યાસનનો તખ્તો પણ ઉઠાવી લીધો અને રાજાને માટે મંદિરમાં જવાનો ગુપ્ત રસ્તો પણ બંધ કરી દીધો.

19 આહાઝ રાજાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

20 આહાઝ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan