Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 15 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા ઉઝિયા
( ૨ કાળ. 26:1-23 )

1 ઇઝરાયલના રાજા યરોબામ બીજાના અમલના સત્તાવીસમા વર્ષમાં અમાસ્યાનો પુત્ર ઉઝિયા યહૂદિયાનો રાજા બન્યો;

2 ત્યારે તે સોળ વર્ષની વયનો હતો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની મા યકોલ્યા યરુશાલેમની હતી.

3 પોતાના પિતાના નમૂનાને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.

4 પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું હતું.

5 પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો.

6 ઉઝિયાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

7 ઉઝિયા મરણ પામ્યો, અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


ઇઝરાયલનો રાજા ઝખાર્યા

8 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના આડત્રીસમા વર્ષમાં યરોબામ બીજાનો પુત્ર ઝખાર્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં છ માસ રાજ કર્યું.

9 તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું.

10 યાબેશના પુત્ર શાલ્લૂમે કાવતરું ઘડી ઝખાર્યા રાજાને ઇબ્લીમમાં મારી નાખ્યો અને તેની રાજસત્તા પચાવી પાડી.

11 ઝખાર્યાનાં બાકીનાં કામો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

12 એમ યેહૂની ચોથી પેઢી સુધી તેના વંશજ ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે એવું પ્રભુએ તેને આપેલું વચન પૂર્ણ થયું.


ઇઝરાયલનો રાજા શાલ્લૂમ

13 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું.

14 ગાદીનો પુત્ર મનાહેમ તિર્સાથી સમરૂન ચઢી આવ્યો અને શાલ્લૂમનું ખૂન કરીને તેના પછી રાજા બન્યો.

15 શાલ્લૂમનાં બીજાં કાર્યો અને તેના કાવતરાની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે.

16 મનાહેમ તિર્સાથી આવી રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં આવતા તિફસા નગરમાં લૂંટ ચલાવી અને તેના રહેવાસીઓ તથા આસપાસના પ્રદેશના રહેવાસીઓનો સંહાર કર્યો, કારણ, તે નગરે તેની શરણાગતિ સ્વીકારી નહોતી. ત્યાં તેણે સગર્ભા સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં.


ઇઝરાયલનો રાજા મનાહેમ

17 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં ગાદીનો પુત્ર મનાહેમ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં દસ વર્ષ રાજ કર્યું.

18 તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ.

19 આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.

20 મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો.

21 મનાહેમનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

22 તે મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર પક્હ્યા રાજા બન્યો.


ઇઝરાયલનો રાજા પક્હ્યા

23 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના પચાસમા વર્ષમાં મનાહેમનો પુત્ર પક્હ્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું.

24 ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

25 પક્હ્યાના લશ્કરી અધિકારી એટલે રમાલ્યાના પુત્ર પેક્હે તેની સામે વિદ્રોહ કર્યો. તેણે ગિલ્યાદમાં પચાસ માણસોને પોતાની સાથે રાખીને સમરૂનના રાજમહેલમાં આર્ગોબ અને આર્યેહ સહિત પક્હ્યાને મારી નાખ્યો, અને તેના પછી રાજા બન્યો.

26 પક્હ્યાનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.


ઇઝરાયલનો રાજા પેક્હ

27 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના બાવનમા વર્ષમાં રમાલ્યાનો પુત્ર પેક્હ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં વીસ વર્ષ રાજ કર્યું.

28 ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

29 પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.

30 ઉઝિયાના પુત્ર એટલે યહૂદિયાના રાજા યોથામના અમલના વીસમા વર્ષમાં એલાના પુત્ર હોશિયાએ પેક્હ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો અને તેના પછી રાજા બન્યો.

31 પેક્હનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.


યહૂદિયાનો રાજા યોથામ

32 રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના બીજા વર્ષમાં, ઉઝિયાનો પુત્ર યોથામ યહૂદિયાનો રાજા બન્યો.

33 તે વખતે તે પચ્ચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની મા યરૂશા સાદોકની પુત્રી હતી.

34 પોતાના પિતાનો નમૂનો અનુસરીને યોથામે પ્રભુને પસંદ પડતાં કાર્યો કર્યાં.

35 પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું હતું. પ્રભુના મંદિરનો ઉત્તર દરવાજો યોથામે બંધાવ્યો હતો.

36 યોથામનાં અન્ય કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.

37 તેના રાજ્યકાળ દરમ્યાન પ્રભુ પ્રથમ અરામના રાજા રસીનને અને ઇઝરાયલના રાજા પેક્હને હુમલો કરવા લઈ આવ્યા.

38 યોથામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan