૨ રાજા 14 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા અમાસ્યા ( ૨ કાળ. 25:1-24 ) 1 યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યહોઆશના અમલના બીજા વર્ષમાં યોઆશનો પુત્ર અમાસ્યા યહૂદિયાનો રાજા બન્યો, 2 ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી. 3 તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. છતાં તે પોતાના પૂર્વજ દાવિદ રાજા જેવો નહોતો; એને બદલે, તે તેના પિતા યોઆશની જેમ વર્ત્યો. 4 તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો તોડી પાડયાં નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું. 5 રાજ્ય પર પોતાની પકડ મજબૂત થતાં અમાસ્યાએ પોતાના પિતા રાજા યોઆશને મારી નાખનાર અમલદારોની ક્તલ કરી. 6 છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.” 7 અમાસ્યાએ મીઠાની ખીણમાં દસ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા; તેણે લડાઈમાં સેલા નગર જીતી લઈ તેનું નામ યોકથેલ પાડયું. આજે પણ તેનું એ જ નામ છે. 8 પછી અમાસ્યાએ યેહૂના પુત્ર યરોબામના પુત્ર એટલે ઇઝરાયલના રાજા યહોઆશને તેની સાથે લડવાનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. 9 પણ ઇઝરાયલના રાજા યહોઆશ રાજાએ આવો જવાબ વાળ્યો: “એકવાર લબાનોન પર્વત પરના એક ઝાંખરાએ ગંધતરુ પર સંદેશો મોકલ્યો: ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કરાવ.’ એવામાં ત્યાં થઈને જંગલી પ્રાણી પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને ચગદી નાખ્યું. 10 હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?” 11 પણ અમાસ્યાએ એ ગણકાર્યું નહિ, તેથી યહોઆશ રાજા પોતાનું સૈન્ય સાબદું કરીને ઉપડયો અને તેઓ યહૂદિયાના બેથશેમેશ આગળ સામસામે ટકરાયા. 12 અમાસ્યાનું સૈન્ય હારી ગયું અને તેના બધા સૈનિકો પોતાને ઘેર નાસી છૂટયા. 13 ઇઝરાયલના રાજા યહોઆશે યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના પુત્ર અમાસ્યાને કેદ પકડયો. યરુશાલેમ તરફ આગળ વધીને તેણે એફ્રાઇમના દરવાજાથી છેક ખૂણાના દરવાજા સુધી લગભગ બસો મીટર જેટલો નગરકોટ તોડી પાડયો. 14 તેને મળ્યું તેટલું બધું સોનુંચાંદી, પ્રભુના મંદિરની સર્વ સાધનસામગ્રી અને રાજમહેલનો સર્વ ખજાનો લૂંટી લીધો, અને કેટલાકને બાન પકડયા. પછી તે પાછો સમરૂન જતો રહ્યો. 15 યહોઆશનાં બાકીનાં કૃત્યો અને યહૂદિયાના રાજા અમાસ્યા સામેની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે. 16 યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો. યહૂદિયાના રાજા અમાસ્યાનું મરણ ( ૨ કાળ. 25:25-28 ) 17 ઇઝરાયલના રાજા યહોઆશ એટલે યહોઆહાઝનો પુત્રના મરણ પછી યહૂદિયાના રાજા અમાસ્યા એટલે યોઆશનો પુત્ર પંદર વર્ષ જીવ્યો. 18 અમાસ્યાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 19 યરુશાલેમમાં અમાસ્યાને મારી નાખવાનું કાવતરું રચાયું હતું, તેથી તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના દુશ્મનોએ તેની પાછળ પડી તેને ત્યાં મારી નાખ્યો. 20 તેનું શરીર ઘોડા પર યરુશાલેમ લવાયું અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. 21 પછી યહૂદિયાના લોકોએ અમાસ્યાના સોળ વર્ષના પુત્ર ઉઝિયાને રાજા બનાવ્યો. 22 ઉઝિયાએ તેના પિતાના મરણ પછી એલાથ પાછું જીતી લઈ તેને ફરી બાંધ્યું. ઇઝરાયલનો રાજા યરોબામ બીજો 23 યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાના અમલના પંદરમા વર્ષમાં યહોઆશનો પુત્ર યરોબામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું. 24 તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબામે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો તેણે ત્યાગ કર્યો નહિ. 25 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો. 26 પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો; 27 પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા. 28 યરોબામ બીજાનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ, તેની લડાઈઓ અને તેણે કેવી રીતે ઇઝરાયલ માટે દમાસ્ક્સ અને હમાથ જીતી લીધાં એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે. 29 યરોબામ મરણ પામ્યો અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide