૨ રાજા 13 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલનો રાજા યહોઆહાઝ 1 યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના અમલના ત્રેવીસમા વર્ષમાં યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું. 2 તેણે પ્રભુની નજરમાં ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર તેના પુરોગામી રાજા, એટલે નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું અને એ પાપનો ત્યાગ કર્યો નહિ. 3 તેથી પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થયા અને અરામના રાજા હઝાએલ અને તેના પુત્ર બેનહદાદ આગળ ઇઝરાયલને અવારનવાર હાર ખવડાવી. 4 પછી યહોઆહાઝે પ્રભુને પ્રાર્થના કરી, અને અરામનો રાજા ઇઝરાયલીઓ પર કેવો ક્રૂર જુલમ કરતો હતો તે જોઈને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી. 5 પ્રભુએ ઇઝરાયલમાં એક આગેવાન ઊભો કર્યો જેણે તેમને અરામીઓના હાથમાંથી છોડાવ્યા, અને એમ ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાના તંબૂમાં શાંતિથી રહેવા લાગ્યા. 6 તેમ છતાં ઇઝરાયલીઓએ યરોબામના રાજકુટુંબે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો ત્યાગ નહિ કરતાં તે ચાલુ રાખ્યાં અને સમરૂનમાં અશેરા દેવીની પ્રતિમા પણ મોજૂદ હતી. 7 યહોઆહાઝના સૈન્યમાં માત્ર પચાસ ઘોડેસ્વાર, દસ રથો, અને દસ હજાર પાયદળ બાકી રહ્યાં હતાં; કારણ, અરામના રાજાએ બાકીનાં દળોને ખળાની ધૂળની જેમ રગદોળી નાખી તેમનો કચ્ચરઘાણ વાળ્યો હતો. 8 યહોઆહાઝનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ અને પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં છે. 9 તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆશ રાજા બન્યો. ઇઝરાયલનો રાજા યહોઆશ 10 યહૂદિયાના રાજા યોઆશના અમલના સાડત્રીસમા વર્ષમાં યહોઆહાઝનો પુત્ર યહોઆશ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સોળ વર્ષ રાજ કર્યું. 11 તેણે પણ પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું અને ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર યરોબામ રાજાના સર્વ દુરાચારનું અનુકરણ કર્યું. 12 યહોઆશનાં બાકીનાં કામ અને યહૂદિયાના રાજા અમાસ્યા વિરુદ્ધની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઈઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. 13 યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો. એલિશાનું મૃત્યુ 14 સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!” 15 એલિશાએ તેને આજ્ઞા કરી. “એક ધનુષ્ય અને થોડાંક બાણ લે.” યોઆશે તે હાથમાં લીધાં. 16 પછી એલિશાએ તેને કહ્યું “પણછ પર બાણ ચઢાવ.” રાજાએ એમ કર્યું, અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા. 17 પછી સંદેશવાહકે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી રાજાએ અરામ તરફની બારી ઉઘાડી. એલિશાએ કહ્યું, “બાણ માર” રાજાએ બાણ માર્યું કે સંદેશવાહક બોલી ઊઠયો, “એ તો જે વડે તું અરામ પર વિજય મેળવશે તે પ્રભુનું બાણ છે. તું અરામીઓ સાથે એફેકમાં લડીને તેમને હરાવશે.” 18 પછી એલિશાએ રાજાને બીજાં બાણો લઈ તેમને જમીન પર મારવા કહ્યું. રાજા જમીન પર ત્રણ વાર બાણ મારી અટકી ગયો. 19 તેથી ઈશ્વરભક્ત એલિશા ગુસ્સે થઈ ગયો અને તેણે રાજાને કહ્યું, “તારે પાંચથી છ વખત બાણો મારવાં જોઈતાં હતાં. કારણ, ત્યારે તો તેં અરામીઓ પર પૂરો વિજય મેળવ્યો હોત; પણ તું હવે તેમને માત્ર ત્રણ વાર હરાવી શકીશ.” 20 એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં. 21 એક વાર દફન વખતે એવું એક ધાડું દેખાયું. તેથી લોકો શબને એલિશાની કબરમાં નાખી દઈ નાઠા. શબ એલિશાના હાડકાંને અડકયું કે પેલો માણસ સજીવન થઈ બેઠો થયો. ઇઝરાયલ અને અરામ વચ્ચે લડાઈ 22 અરામનો રાજા હઝાએલ યહોઆહાઝના સઘળા અમલ દરમ્યાન ઇઝરાયલીઓ પર જુલમ કરતો હતો, 23 પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ. 24 અરામના રાજા હઝાએલના મરણ પછી તેનો પુત્ર બેનહદાદ રાજા બન્યો. 25 પછી ઇઝરાયલના રાજા યહોઆશે બેનહદાદને ત્રણ વાર હરાવ્યો અને યહોઆશના પિતા યહોઆહાઝના સમયમાં બેનહદાદે લઈ લીધેલાં નગરો પાછાં કબજે કર્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide