૨ રાજા 12 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા યોઆશ ( ૨ કાળ. 24:1-16 ) 1 ઇઝરાયલના રાજા યેહૂના અમલના સાતમા વર્ષમાં, યોઆશ યહૂદિયાનો રાજા બન્યો, અને તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા ઝિબિયા બેરશેબા નગરની હતી. 2 યહોયાદા યજ્ઞકારની દોરવણી હોવાથી તેણે પોતાના આખાયે જીવન દરમ્યાન પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું 3 છતાં પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું. 4 યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી. 5 પ્રત્યેક યજ્ઞકારે તેમની સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એ રકમ લેવી અને પ્રભુના મંદિરમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં મરામત માટે એ રકમ વાપરવી.” 6 પણ યોઆશના અમલના ત્રેવીસમા વર્ષ સુધી યજ્ઞકારોએ પ્રભુના મંદિરનું કંઈ સમારકામ કર્યું નહોતું 7 તેથી યોઆશે યહોયાદા અને બીજા યજ્ઞકારોને બોલાવીને તેમને પૂછયું, “તમે પ્રભુના મંદિરનું સમારકામ કેમ નથી કરાવતા? હવે આજથી તમારે તમને સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી જે રકમ મળે છે તે તમારે રાખવાની નથી, પણ મરામત પેટે આપી દેવાની છે.” 8 યજ્ઞકારો લોકો પાસેથી પૈસા ન ઉઘરાવવા તેમ જ પ્રભુના મંદિરના સમારકામની જવાબદારી પોતાને હસ્તક ન રાખવા સંમત થયા. 9 પછી યહોયાદાએ એક પેટી લીધી અને તેના ઢાંકણામાં છેદ પાડીને તેને પ્રભુના મંદિરમાં પ્રવેશતાં જમણી તરફ વેદી પાસે મૂકી. પ્રવેશદ્વારે સંરક્ષણ સેવા બજાવતા યજ્ઞકારો ભજનિકોએ આપેલાં બધાં નાણાં એ પેટીમાં નાખતા. 10 પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા. 11 અને એ પ્રમાણે તેની પોટલીઓ બાંધીને પ્રભુના મંદિરના મરામતના કામ માટે જવાબદાર માણસોને આપી દેતા. 12 અને તેઓ તેમાંથી પ્રભુના મંદિરની મરામત કરનાર સુથારોને, બાંધકામના કારીગરોને, કડિયાઓને તથા સલાટોને ચૂકવણું કરતા. વળી, સમારકામ માટે જોઈતાં ઈમારતી લાકડાં અને પથ્થરોની ખરીદી અને બીજા ખર્ચ પેટે બધા પૈસા ચૂકવતા. 13 એમાંથી એકપણ પૈસો ચાંદીના પ્યાલા, કટોરા, રણશિંગડાં, દીવા સમારવાનાં સાધનો અથવા સોનાચાંદીનાં કોઈ પાત્ર પાછળ વાપરતા નહિ. 14 માત્ર કારીગરોને વેતન ચૂકવવામાં અને સમારકામ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં જ એનો ઉપયોગ થતો. 15 સમારકામ માટે જવાબદાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા; જેથી તેમની પાસેથી હિસાબ પણ માગતા નહિ. 16 દોષ નિવારણબલિ અને પ્રાયશ્ર્વિતબલિ માટે આવતા પૈસા પેટીમાં નાખવામાં આવતા નહિ; એ યજ્ઞકારો માટે હતા. 17 એ વખતે અરામના રાજા હઝાએલે ગાથ નગર પર હુમલો કરી તેને જીતી લીધું અને યરુશાલેમ પર પણ હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો. 18 યહૂદિયાના રાજા યોઆશે તેના પુરોગામી રાજાઓ યહોશાફાટ, યહોરામ, અને અહાઝયાએ પ્રભુને સમર્પિત કરેલાં સર્વ અર્પણો, વળી, તેણે પોતે આપેલાં સર્વ અર્પણો અને પ્રભુના મંદિરના તથા મહેલના ખજાનામાંથી સઘળું સોનું લઈને અરામના રાજા હઝાએલ પર ભેટ મોકલી. તેથી તે યરુશાલેમ પરથી પોતાનું સૈન્ય લઈ જતો રહ્યો. 19 યોઆશનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. 20-21 યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide