૨ રાજા 11 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાની રાણી અથાલ્યા ( ૨ કાળ. 22:10—23:15 ) 1 અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો. 2 માત્ર અહાઝયાનો પુત્ર યોઆશ જ બચી ગયો. બીજાઓ સાથે તે પણ માર્યો ગયો હોત, પણ યહોરામ રાજાની પુત્રી એટલે, અહાઝયાની બહેન યહોશેબાએ તેને બચાવી લીધો. તેણે તેને અને તેની ધાવને પ્રભુના મંદિરમાં લઈ જઈ ત્યાં એક શયનખંડમાં તેને અથાલ્યાથી સંતાડી દીધો, જેથી તે માર્યો ગયો નહિ. 3 છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી. 4 પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો. 5 અને તેમને આવો હુકમ આપ્યો, “તમે સાબ્બાથદિને ફરજ પર આવો, ત્યારે તમારામાંથી ત્રીજા ભાગનાએ રાજમહેલની ચોકી કરવી, 6 અન્ય ત્રીજા ભાગનાએ સૂર દરવાજે રક્ષણ માટે ઊભા રહેવું અને બાકીના ત્રીજા ભાગનાએ દરવાજે બીજા સંરક્ષકોની પાછળની હરોળમાં રહેવું. 7 સાબ્બાથના દિવસે ફરજ પરથી મુક્ત થતી બે ટુકડીઓએ રાજાનું રક્ષણ કરવા પ્રભુના મંદિરમાં ચોકી પહેરો ભરવાનો છે. 8 તમારે શસ્ત્રસજ્જ થઈને યોઆશ રાજાનું ખુલ્લી તલવારે રક્ષણ કરવાનું છે અને તે જ્યાં જાય ત્યાં તેની સાથે રહેવાનું છે. જે કોઈ તમારી સંરક્ષણ હરોળ તોડવા પાસે આવે, તેને તમારે મારી નાખવો.” 9 શતાધિપતિઓએ યહોયાદાની સૂચનાનું પૂરેપૂરું પાલન કર્યું. તેઓ સાબ્બાથ દિને ફરજ પરથી ઊતરતા અને ફરજ પર ચઢતા તેમના માણસોને લઈને યહોયાદા પાસે આવ્યા. 10 યહોયાદા યજ્ઞકારે એ શતાધિપતિઓને પ્રભુના મંદિરમાં રાખવામાં આવેલાં દાવિદ રાજાના ભાલા અને ઢાલો આપ્યાં. 11 તેણે એ સંરક્ષકોને મંદિરની દક્ષિણ બાજુથી ઉત્તર બાજુ સુધી યજ્ઞવેદીને અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. 12 પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!” 13 સંરક્ષકો અને લોકોનો કોલાહલ સાંભળી રાણી અથાલ્યા લોકો જ્યાં એકત્ર થયા હતા ત્યાં પ્રભુના મંદિરે પહોંચી ગઈ. 14 પ્રણાલિકા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વારે સ્તંભ પાસે તેણે નવા રાજાને ઊભેલો જોયો. અધિકારીઓ અને રણશિંગા ફૂંકનારા રાજાની ચારે બાજુ ઊભા હતા અને લોકો હર્ષના પોકાર કરતા હતા અને રણશિંગાં વગાડતા હતા. અથાલ્યાએ દુ:ખમાં પોતાનાં વસ્ત્ર ફાડી મોટે અવાજે બોલી ઊઠી, “દગો! દગો!” 15 યહોયાદા અથાલ્યાને પ્રભુના મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો, તેથી તેણે શતાધિપતિઓને હુકમ કર્યો, “તેને સંરક્ષકોની બે હારમાં થઈને બહાર લઈ જાઓ, અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે તેને મારી નાખો.” 16 આમ તેઓ તેને માટે રસ્તો કરીને તેને પકડીને રાજમહેલે લઈ ગયા અને ત્યાં અશ્વદરવાજે તેને મારી નાખી. યહોયાદાના સુધારા ( ૨ કાળ. 23:16-21 ) 17 યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા અને લોકોની પાસે પ્રભુની સાથે કરાર કરાવ્યો કે તેઓ પ્રભુના જ લોકો બની રહેશે; તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો. 18 પછી લોકોએ બઆલના મંદિરે જઈને તેને તોડી નાખ્યું; તેમણે વેદીઓ અને મૂર્તિઓના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિર પર સંરક્ષકોની ચોકી મૂકી, 19 પછી તે તથા અધિકારીઓ, રાજાના અંગરક્ષકો અને રાજમહેલના સંરક્ષકો રાજાને પ્રભુના મંદિરમાંથી મહેલમાં લઈ ગયા. સર્વ લોકો તેમની પાછળ પાછળ ગયા, યોઆશ સંરક્ષક દરવાજેથી પ્રવેશ્યો અને રાજ્યાસન પર બિરાજ્યો. 20 બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાજમહેલમાં અથાલ્યાને મારી નાખવામાં આવી હતી તેથી શહેરમાં શાંતિ પ્રવર્તતી હતી. 21 યોઆશ સાત વર્ષની ઉંમરે યહૂદિયાનો રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide