Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 10 - પવિત્ર બાઇબલ C.L.


આહાબના વંશજોનો સંહાર

1 સમરૂન નગરમાં આહાબ રાજાના સિત્તેર વંશજો રહેતા હતા. યેહૂએ પત્ર લખીને તેની નકલો યિઝએલ નગરના અધિકારીઓ, અગ્રણી નાગરિકો અને આહાબના વંશજોના વાલીઓ પર મોકલી. પત્રમાં લખ્યું હતું:

2 “રાજાના વંશજો તમારા હસ્તક છે અને તમારી પાસે રથો, ઘોડા, શસ્ત્રસરંજામ અને કિલ્લેબંધીવાળાં નગરો છે. તેથી આ પત્ર મળ્યેથી

3 રાજાના વંશજોમાંથી સૌથી ઉચ્ચ લાયક્ત ધરાવનારને પસંદ કરી તેને રાજા બનાવો અને તેનું રક્ષણ કરવા લડો.”

4 સમરૂનના અધિકારીઓએ ગભરાઈ જઈને કહ્યું, “યોરામ રાજા કે અહાઝયા યેહૂનો સામનો ન કરી શક્યા, તો આપણે કેવી રીતે તેનો સામનો કરી શકવાના છીએ?”

5 તેથી રાજમહેલના અધિકારીઓ અને નગરના સંરક્ષકોએ, અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓએ મંત્રણા કરીને યેહૂ પર આ સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ અને તમે કહો તે કરવા તૈયાર છીએ. અમે તો કોઈને રાજા બનાવવાના નથી; તમને યોગ્ય લાગે તેમ કરો.”

6 યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા.

7 યેહૂનો પત્ર મળ્યો એટલે સમરૂનના આગેવાનોએ આહાબના સિત્તેરેય વંશજોને મારી નાખ્યા અને તેમનાં માથાં ટોપલીઓમાં મૂકી તેમને યેહૂ પાસે યિઝએલ મોકલ્યાં.

8 આહાબના વંશજોનાં માથાં લાવવામાં આવ્યાં છે એવી ખબર મળતાં યેહૂએ નગરના દરવાજે તેમના બે ઢગલા ગોઠવી બીજી સવાર સુધી રાખી મૂકવા હુકમ આપ્યો.

9 સવારમાં યેહૂ નગરને દરવાજે ગયો અને ત્યાં લોકોને કહ્યું, “યોરામ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખનાર હું છું; એ માટે તમે જવાબદાર નથી. પણ આમને કોણે મારી નાખ્યા?

10 આથી સાબિત થાય છે કે આહાબના વંશજો વિષે પ્રભુએ જે કહ્યું છે તે બધું તે નક્કી સાચું પાડશે. કારણ, પ્રભુ પોતાના સંદેશવાહક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”

11 પછી યેહૂએ યિઝએલમાં રહેતા આહાબના બધા સંબંધીઓ, તેના સર્વ અમલદારો, તેના નિકટના મિત્રો અને યજ્ઞકારોને મારી નાખ્યા; એમનામાંથી કોઈને ય જીવતો રહેવા દીધો નહિ.


અહાઝયાના સંબંધીઓનો સંહાર

12 યેહૂ યિઝએલથી સમરૂન ગયો. રસ્તે જતાં ભરવાડોના પડાવ બેથ-એકેદમાં

13 તેને યહૂદિયાના રાજા અહાઝયાના કેટલાક સંબંધીઓ મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાના સગાસંબંધીઓ છીએ અને ઇઝબેલ રાણીનાં સંતાનો અને બાકીના રાજકુટુંબને શુભેચ્છા પાઠવવા યિઝએલ જઈએ છીએ.”

14 યેહૂએ તેના માણસોને હુકમ કર્યો, “તેમને જીવતા જ પકડો!” તેમણે તેમને પકડયા અને ત્યાં બેથ-એકેદમાં એક ટાંકા પાસે તેમને મારી નાખ્યા. તેઓ સઘળા મળીને બેંતાળીસ હતા, અને તેમાંનું એકેય જીવતું રહ્યું નહિ.

15 યેહૂ ફરીથી ઉપડયો અને રસ્તે તેને રેખાબનો પુત્ર યહોનાદાબ મળ્યો. યેહૂએ તેને સલામ પાઠવીને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે નિખાલસ છે તેમ તારું હૃદય મારા પ્રત્યે નિખાલસ છે?” યહોનાદાબે જવાબ આપ્યો, “હા, છે.”

16 યેહૂએ જવાબ આપ્યો, “તો પછી, તારો હાથ મારા તરફ લંબાવ. તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા. યેહૂએ તેને રથમાં બેસાડી લીધો.

17 તેણે કહ્યું, “આવીને જો કે હું પ્રભુ પ્રત્યે કેવો નિષ્ઠાવાન છું.” એટલે તેઓ બન્‍ને સવારી કરીને સમરૂનમાં ગયા. ત્યાં પહોંચ્યા એટલે યેહૂએ આહાબના બાકીના બધા સંબંધીઓને મારી નાખ્યા અને કોઈને જવા દીધો નહિ. પ્રભુએ એલિયા દ્વારા જે કહ્યું હતું તે તેમ પૂરું થયું.


બઆલના ઉપાસકોનો સંહાર

18 યેહૂએ સમરૂનના લોકોને એકઠા કરી તેમને કહ્યું, “આહાબ રાજા તો બઆલની થોડી સેવા કરતો હતો. પણ હું તો તેની ઘણી સેવા કરીશ.

19 બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.)

20 પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો,

21 વળી, યેહૂએ આખા ઇઝરાયલ દેશમાં સંદેશો મોકલ્યો. બઆલના બધા ઉપાસકો આવ્યા, અને કોઈ આવ્યા વિના બાકી રહ્યો નહિ. તેઓ સૌ બઆલના મંદિરમાં ગયા અને તેથી મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ખીચોખીચ ભરાઈ ગયું.

22 પછી યેહૂએ પવિત્ર ઝભ્ભાઓનો હવાલો સંભાળનાર યજ્ઞકારને ઝભ્ભા બહાર લાવી ઉપાસકોને આપવા કહ્યું.

23 તેથી યેહૂ પોતે રેખાબના પુત્ર યહોનાદાબ સાથે મંદિરમાં ગયો અને ત્યાંના લોકોને કહ્યું, “ચોક્સાઈ કરો કે અહીં માત્ર બઆલના જ ઉપાસકો હાજર છે, અને પ્રભુનો કોઈ ઉપાસક અંદર આવ્યો નથી.”

24 પછી તે તથા યહોનાદાબ બઆલને અર્પણો અને દહનબલિ ચઢાવવા મંદિરમાં ગયા. મંદિર બહાર તેણે એંસી માણસો ઊભા રાખ્યા હતા. તેણે તેમને સૂચના આપી હતી.” “તમારે આ બધા લોકોને મારી નાખવાના છે; જે કોઈ એમાંના કોઈને પણ છટકી દેવા જશે તો તે માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડશે.”

25 યેહૂએ જેવું અર્પણ ચઢાવ્યું કે તેણે સંરક્ષકો અને અધિકારીઓને કહ્યું, “જાઓ અંદર જઈને બધાંને મારી નાખો; કોઈ છટકીને નાસી જાય નહિ.” તેમણે તાણેલી તલવારો સાથે અંદર જઈને સૌને મારી નાખ્યા અને તેમનાં શરીર બહાર ખેંચી કાઢયાં. પછી તેઓ મંદિરના ગર્ભગૃહમાં ગયા.

26 અને ત્યાં જે પવિત્ર સ્તંભ હતો તેને બહાર લાવી બાળી નાખ્યો.

27 એમ તેમણે પવિત્ર સ્તંભ અને મંદિરનો નાશ કર્યો અને તેને સંડાસ બનાવી દીધું; જે આજ સુધી એમ જ છે.

28 એ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલની ઉપાસના ભૂંસી નાખી.

29 છતાં તે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના પાપાચારને અનુસર્યો; યરોબામે બેથેલ અને દાનમાં સ્થાપેલા સોનાના વાછરડાની પૂજા તેણે ચાલુ રહેવા દીધી.

30 પ્રભુએ યેહૂને કહ્યું, “મારી દૃષ્ટિએ યોગ્ય છે તેનો અમલ કરીને તેં મારા મનની ઇચ્છા પ્રમાણે આહાબના રાજકુટુંબનો ઉચ્છેદ કર્યો હોઈ તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલમાં રાજા બનશે.”

31 પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


યેહૂનું મરણ

32 એ વખતે પ્રભુએ ઇઝરાયલના પ્રદેશનો વિસ્તાર ઘટાડવા માંડયો. અરામના રાજા હઝાએલે યર્દનની પૂર્વગમનો ઇઝરાયલનો બધો પ્રદેશ

33 એટલે દક્ષિણ તરફ આર્નોન નદી પરના છેક અરોએર નગર સુધીનો પ્રદેશ જીતી લીધો. એમાં જ્યાં ગાદ, રેઉબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળો રહેતાં હતાં એ ગિલ્યાદ અને બાશાનના પ્રદેશોનો સમાવેશ થતો હતો.

34 યેહૂનાં બાકીનાં કાર્યો તથા તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.

35 તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ રાજા બન્યો.

36 યેહૂએ ઇઝરાયલના રાજા તરીકે સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan