૨ રાજા 1 - પવિત્ર બાઇબલ C.L.એલિયા અને અહાઝયા રાજા 1 ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો. 2 ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા. 3 પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? 4 રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું; 5 અને સંદેશકો રાજા પાસે પાછા ગયા. તેણે પૂછયું, “તમે કેમ પાછા આવ્યા?” 6 તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” 7 રાજાએ પૂછયું, “તમને મળેલા એ માણસનો દેખાવ કેવો હતો?” 8 તેમણે જવાબ આપ્યો, “તેણે પ્રાણીના ચામડાંનો ઝભ્ભો પહેરેલો હતો અને તે પર ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજા બોલી ઊઠયો, “એ તો તિશ્બેનો એલિયા છે!” 9 પછી તેણે એલિયાને પકડી લાવવા એક અધિકારીને તેના પચાસ માણસો લઈને મોકલ્યો. અધિકારીને એલિયા એક ટેકરીની ટોચ પર બેઠેલો મળી આવ્યો એટલે તેણે કહ્યું, “ઈશ્વરભક્ત, તમે નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.” 10 એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા. 11 રાજાએ બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તેણે એલિયા પાસે ઉપર જઈને કહ્યું, “ઈશ્વરભક્ત, તમે તરત જ નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.” 12 એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા. 13 રાજાએ ફરીથી બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તે ટેકરી પર ગયો અને એલિયા આગળ ધૂંટણિયે પડીને તેને વિનવણી કરી, “ઈશ્વરભક્ત, મારા પર અને મારા પચાસ માણસો પર દયા કરો અને અમને જીવતદાન આપો. 14 બીજા બે અધિકારીઓ અને તેમના માણસોને આકાશમાંથી અગ્નિએ પડીને મારી નાખ્યા છે; પણ મારા પર કૃપા કરો.” 15 પ્રભુના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે જા; ગભરાઈશ નહિ.” તેથી એલિયા તે અધિકારી સાથે રાજા પાસે ગયો, 16 અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.” 17 પ્રભુએ એલિયા મારફતે સંદેશ પાઠવ્યો હતો તેમ અહાઝયા મૃત્યુ પામ્યો. અહાઝયાને પુત્ર નહોતો, તેથી તેના પછી તેનો ભાઇ યોરામ, યહોશાફાટના પુત્ર અને યહૂદિયાના રાજા યહોરામના અમલના બીજા વર્ષમાં રાજા બન્યો. 18 અહાઝયાનાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતમાં નોંધેલાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide