Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 7 - પવિત્ર બાઇબલ C.L.

1 મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


પાઉલનો આનંદ

2 તમારા દિલમાં અમને સ્થાન આપો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી અથવા કોઈનું કંઈ બગાડયું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી.

3 તમને દોષિત ઠરાવવા હું આ લખતો નથી; કારણ, મેં તમને પહેલાં કહ્યું હતું તેમ, તમે અમને એટલા પ્રિય છો કે આપણે મરીએ કે જીવીએ પણ સાથે જ છીએ.

4 મને તમારા પર ભરોસો હોવાથી હું તમારે માટે આવો ગર્વ ધરાવું છું! અમારાં સર્વ સંકટોમાં મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને હું ખૂબ પ્રફુલ્લિત થયો છું!

5 મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નહિ. ચોતરફ મુશ્કેલીઓ હતી - બહાર સંઘર્ષ અને અમારાં હૃદયોમાં બીક હતાં.

6 પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું.

7 ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે.

8 જો કે મારા એ પત્રથી તમે દુ:ખી થયા, છતાં એ લખ્યાથી મને દુ:ખ થયું નથી. થોડા સમય માટે એ પત્રે તમને દુ:ખી કર્યા તેથી મને દુ:ખ થયું હોત;

9 પણ તમને દુ:ખી કર્યા તેથી નહિ, પણ દુ:ખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુ:ખનો ઈશ્વરે ઉપયોગ કર્યો; તેથી અમે તમને કંઈ નુક્સાન પહોંચાડયું નથી.

10 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતો ખેદ દયપરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી; પણ દુન્યવી ખેદ મરણ નિપજાવે છે.

11 ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.

12 જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો નહોતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને અમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે પ્રગટ કરવા માટે જ મેં તે લખ્યું હતું.

13 અમને તો તેથી સાંત્વન મળ્યું છે. વળી, અમને સાંત્વન મળ્યું તે ઉપરાંત તમે બધાએ જે રીતે તિતસને સહાય કરી તેને લીધે તિતસને થયેલા આનંદને કારણે અમને વિશેષ આનંદ થયો છે.

14 તેની સમક્ષ મેં તમારે વિષે ગર્વ કર્યો હતો, અને તમે મને નિરાશ કર્યો નથી, અને હંમેશાં અમે તમને જે કહ્યું તે સત્ય જ હતું. એ જ રીતે તિતસ સમક્ષ અમે જે ગર્વ કર્યો છે તે પણ સાચો ઠર્યો છે.

15 તમે સર્વ તેને આધીન થવાને કેટલા આતુર હતા અને ભય તથા કંપારી સહિત તમે તેનો અંગીકાર કર્યો, તે યાદ કરતાં તમારા પ્રત્યેનો તેનો પ્રેમ વૃદ્ધિ પામતો જાય છે.

16 તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan