Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 6 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.

2 શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, “તારા પર કૃપા દર્શાવવાને સમયે મેં તારી વિનંતી સાંભળી, અને તારો ઉદ્ધાર કરવાના દિવસે મેં તને મદદ કરી.” હમણાં જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે; આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે.

3 અમારા સેવાકાર્યમાં કોઈ દોષ ન કાઢે તે માટે અમે કોઈના માર્ગમાં કશી હરક્તો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી,

4 પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ.

5 અમને માર પડયો છે, જેલમાં પૂરવામાં આવ્યા છે, અને ટોળાના હુમલાનો ભોગ બનાવાયા છે. અમારી પાસે વૈતરું કરાવ્યું છે. અમે ઉજાગરા અને ભૂખ વેઠયાં છે.

6 અમારી શુદ્ધતા, જ્ઞાન, સહનશીલતા અને માયાળુપણાથી અમે પોતાને ઈશ્વરના સેવકો તરીકે જાહેર કર્યા છે; અમે એ કાર્ય પવિત્ર આત્માની સહાયથી,

7 સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે!

8 અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ.

9 અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;

10 અમને દુ:ખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદ કરીએ છીએ; અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ જ નથી, છતાં અમારી પાસે બધું જ છે.

11 કોરીંથના ભાઈઓ, અમે પ્રામાણિક્તાથી અને અમારાં દિલ ખોલીને વાત કરી છે.

12 અમે અમારાં દિલ તમારા પ્રત્યે બંધ કર્યાં નથી, પણ તમે તમારાં દિલ અમારા પ્રત્યે બંધ કર્યાં છે.

13 તમે મારાં બાળકો હો તે રીતે હવે હું વાત કરું છું. અમને તમારે માટે જે લાગણી છે તેવી જ લાગણી તમે અમારા પ્રત્યે પણ દર્શાવો. તમારાં દિલ અમારી આગળ ખુલ્લાં કરો.


અલગ થાઓ

14 વિશ્વાસના વિરોધીઓ સાથે સંબંધની વિષમ ઝૂંસરીએ જોડાઓ નહિ; કારણ, તેમ કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાનાં સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક્સાથે કેવી રીતે રહી શકે?

15 ખ્રિસ્ત અને શેતાન કેવી રીતે સંમત થાય? વિશ્વાસી અને અવિશ્વાસીને શું લાગેવળગે?

16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”

17 તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.

18 હું તમારો પિતા બનીશ, અને તમે મારાં પુત્રપુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan