Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 5 - પવિત્ર બાઇબલ C.L.

1 આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.

2 હવે એ સ્વર્ગીય ઘરમાં રહેવાની તીવ્ર ઇચ્છા રાખતાં આ તંબૂમાં રહ્યા રહ્યા આપણે નિસાસા નાખીએ છીએ.

3 આપણે એ સ્વર્ગીય ઘરને વસ્ત્ર તરીકે ધારણ કરવા ઇચ્છીએ છીએ; જેથી આપણે નિ:વસ્ત્ર જેવા રહીએ નહિ.

4 આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!

5 આપણને આ ફેરફારને માટે તૈયાર કરનાર તો ઈશ્વર છે, અને એની ખાતરી તરીકે તેમણે આપણને પવિત્ર આત્મા આપેલો છે.

6 તેથી અમે હંમેશાં હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી અમે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય ઘરથી અને તેથી પ્રભુથી દૂર છીએ.

7 અમારા જીવનનો આધાર વિશ્વાસ છે; દૃષ્ટિ નહિ.

8 અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.

9 પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ, પણ અમે ઈશ્વરને પસંદ પડીએ એવી ઉમેદ રાખીએ છીએ.

10 કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે.

11 દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સાથે મિત્રતા

12 અમે ફરીવાર તમારી આગળ અમારી યોગ્યતાની જાહેરાત કરતા નથી પણ તમે અમારા વિષે ગર્વ લઈ શકો તે માટેનું કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ; જેથી માણસના ચારિય પ્રમાણે નહિ, પણ તેના દેખાવ ઉપરથી વખાણ કરનારાઓને તમે જવાબ આપી શકો.

13 શું અમે ખરેખર પાગલ બની ગયા છીએ? તો તે ઈશ્વરને લીધે છે. અથવા શું અમારું મગજ ઠેકાણે છે? તો તે તમારે માટે છે.

14 ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.

15 ઈસુ બધાં માણસોને માટે મરણ પામ્યા, તેથી હવે જેઓ જીવે છે તેઓ પોતાને માટે નહિ, પણ તેમને માટે મરણ પામીને સજીવન થનાર ઈસુને માટે જીવે.

16 આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું. પણ હવે તેવું કરતા નથી.

17 જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.

18 આ બધું ઈશ્વરનું જ કાર્ય છે. તેમણે ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવ્યા છે, અને બીજાઓને પણ તેમના મિત્રો બનાવવાનું સેવાકાર્ય સોંપ્યું છે.

19 ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે.

20 આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.

21 ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan