2 કરિંથીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.માટીનાં પાત્રોમાં આત્મિક ખજાનો 1 ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી. 2 અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. 3 કારણ, જે શુભસંદેશ અમે પ્રગટ કરીએ છીએ, તે જો છુપાયેલો હોય, તો તે માત્ર નાશમાં જઈ રહેલાઓ માટે જ છુપાયેલો છે. 4 આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે. 5 કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ. 6 “અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. 7 અમે તો માટીનાં પાત્રો જેવાં છીએ અને અમારી પાસે પણ આ આત્મિક ખજાનો છે; જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે તેમ જાહેર થાય છે. 8 અમને જુદી જુદી રીતે પરેશાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીકવાર મૂંઝવણમાં મૂક્યા છતાં અમે કદીએ નિરાશ થયા નથી. 9 દુશ્મનો ઘણા છે, પણ અમે કદીએ મિત્રવિહોણા થયા નથી. ઘણીવાર ખૂબ ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી. 10 અમે અમારાં મર્ત્ય શરીરોમાં ઈસુના મરણને સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી અમારાં શરીરોની મારફતે ઈસુનું જીવન પણ પ્રગટ થાય. 11 ખ્રિસ્તને લીધે અમારા સમગ્ર જીવન દરમિયાન અમે મૃત્યુને દરરોજ સોંપાઈએ છીએ; જેથી અમારાં આ મર્ત્ય શરીરોની મારફતે તેમનું જીવન પ્રગટ થાય. 12 આમ, અમારામાં મરણ કાર્ય કરે છે, પણ તમારામાં જીવન કાર્ય કરે છે. 13 શાસ્ત્રમાં લખેલું છે: “મને વિશ્વાસ હોવાથી હું બોલ્યો.” વિશ્વાસના એ જ આત્મા પ્રમાણે અમે પણ વિશ્વાસ કર્યો હોવાથી અમે બોલીએ છીએ. 14 અમે જાણીએ છીએ કે, પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર, ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે અમને પણ લઈ જશે. 15 આ બધું તમારા લાભ માટે જ છે, અને જેમ જેમ વધુ ને વધુ લોકોને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, તેમ તેમ ઈશ્વરના મહિમાર્થે તેઓ વિશેષ આભારસ્તુતિ કરશે. વિશ્વાસનું જીવન 16 આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે. 17 અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે. 18 કારણ, અમે અમારું લક્ષ દશ્ય બાબતો પર નહિ, પણ અદશ્ય બાબતો પર રાખીએ છીએ. જે દશ્ય છે, તે ક્ષણિક છે; પણ જે અદશ્ય છે, તે સાર્વકાલિક છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide