2 કરિંથીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.નવા કરારના સેવકો 1 શું અમે ફરીથી અમારાં વખાણ કરીએ છીએ? અથવા કેટલાક લોકોની જેમ શું અમને પણ તમારા પર લખેલા અથવા તમારી પાસેથી મેળવેલા ભલામણપત્રોની જરૂર છે? 2 અમારો ભલાણપત્ર તો તમે જ છો, જે અમારા હૃદય પર લખાયેલો છે, અને સૌ તેને વાંચે છે, અને જાણે છે. 3 આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે. 4 ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં અમને એવો ભરોસો છે માટે અમે આ વાત જણાવીએ છીએ. 5 આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે. 6 ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે. 7 શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ. 8 તો પછી પવિત્ર આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાન હોય? 9 જે સેવા માણસોને દોષિત ઠરાવનાર હતી, તે ગૌરવવાન હતી; તો પછી જે સેવાથી માણસોને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે, તે કેટલી વધારે ગૌરવવાન હોય! 10 આપણે કહી શકીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે. 11 ક્ષણિક ટકનાર ગૌરવ કરતાં સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વધારે મહાન હોય? 12 અમારી પાસે આવી આશા હોવાથી અમે હિંમતવાન છીએ. 13 એ ઝાંખા થતા જતા ક્ષણિક ગૌરવને ઇઝરાયલીઓ ન જુએ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી. 14 તેમનાં મન બંધ હતાં, અને આજે પણ જ્યારે તેઓ જૂના કરારનાં પુસ્તકોનું વાંચન કરે છે, ત્યારે તેમનાં મન તે જ પડદાથી ઢંક્યેલાં રહે છે. ફક્ત ખ્રિસ્ત દ્વારા જ તે પડદો દૂર કરવામાં આવે છે. 15 આજે પણ જ્યારે તેઓ મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે, ત્યારે એ પડદો તેમનાં મનને ઢાંકી રાખે છે. 16 પણ એ પડદો હટાવી શકાય છે. શાસ્ત્રમાં મોશે વિષે એવું જ લખ્યું છે: “તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો.” 17 હવે પ્રભુ તો આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. 18 આપણે સર્વ ખુલ્લા ચહેરે, પ્રભુના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ, અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide