Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 12 - પવિત્ર બાઇબલ C.L.


પાઉલનાં સંદર્શનો

1 જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ.

2 ખ્રિસ્તમાં હું એક એવા માણસને ઓળખું છું કે જેને ચૌદ વર્ષ પહેલાં છેક ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો. (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.)

3 હું ફરી જણાવું છું કે, આ માણસને પારાદૈસમાં લઈ લેવામાં આવ્યો હતો, (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.)

4 અને ત્યાં તેણે માણસોથી બોલી શકાય નહિ એવી એવી વાતો સાંભળી.

5 આથી એ માણસ વિષે હું ગર્વ કરીશ - પણ હું મારાં પોતાનાં વખાણ કરીશ નહિ, ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિષે જ હું ગર્વ કરીશ.

6 જો હું ગર્વ કરવાનું વિચારું, તો હું મૂર્ખ નથી, કારણ, હું સત્ય જણાવું છું. તેમ છતાં હું ગર્વ નહિ કરું; કારણ, મને સાંભળનાર ને મારું કાર્ય જોનાર મારે વિષે જે મંતવ્ય ધરાવતો હોય તેથી તે વિશેષ ધરાવે એવું હું ઇચ્છતો નથી.

7 મેં ઘણી અદ્‍ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં, માટે શેતાનના સંદેશવાહક તરીકે કાર્ય કરતો એક દર્દજનક ક્ંટો મને મારા શરીરમાં આપવામાં આવ્યો હતો; જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે.

8 ત્રણવાર આ સંબધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી.

9 પણ તેમણે મને કહ્યું, “મારી કૃપા તારે માટે પૂરતી છે. કારણ, તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.” મારી કોઈપણ નિર્બળતામાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું; એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય.

10 ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


કોરીંથીઓ માટે પાઉલની કાળજી

11 હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી.

12 પૂરી ધીરજથી તમારી મયે કરેલું કાર્ય જ મારા પ્રેષિતપણાને પુરવાર કરે છે; તેમાં તો ચિહ્નો, અદ્‍ભુત કૃત્યો અને ચમત્કારોનો સમાવેશ થાય છે.

13 મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.

14 આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું, અને તમારી પાસેથી હું કંઈ મેળવવાની આશા રાખતો નથી. હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા ધરાવું છું. ખરી રીતે તો બાળકો તેમનાં માતાપિતાના ભરણપોષણની જોગવાઈ કરતાં નથી, પણ માતાપિતા તેમનાં બાળકો માટે જોગવાઈ કરે છે.

15 તમને મદદ કરવા માટે હું આનંદથી મારું સર્વસ્વ ખર્ચી નાખીશ. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ! તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું ત્યારે તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?

16 આમ, હું તમારે માટે બોજારૂપ નહોતો, એ વાત સાથે તમે સંમત થશો. પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરીને અને જૂઠું બોલીને તમને ફસાવ્યા.

17 પણ કેવી રીતે? તમારી પાસે સંદેશવાહકો મોકલીને મેં તમારો કોઈ લાભ ઉઠાવ્યો છે?

18 તિતસને મેં ત્યાં આવવાની વિનંતી કરી અને બીજા એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તમે એમ કહેશો કે તિતસે તમારો લાભ ઉઠાવ્યો? શું હું અને તે એક જ હેતુસર અને એક જ રીતે વર્ત્યા નથી?

19 કદાચ તમને લાગશે કે, અમે અમારો બચાવ કરવાનો યત્ન કરીએ છીએ. પણ ના, અમે તો ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તને અનુરૂપ વાત કરીએ છીએ. એ બધું તમારી ઉન્‍નતિને માટે જ છે.

20 મને ભય લાગે છે કે, જ્યારે હું તમારી મુલાકાત લઈશ, ત્યારે જેવા મારે તમને જોવા છે તેવા તમે નહિ હો; અને તમે મને જેવો જોવા માગો છો, તે કરતાં હું જુદો હોઈશ! મને ભય છે કે કદાચ મને ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા જોવા મળશે.

21 મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan