2 કરિંથીઓ 11 - પવિત્ર બાઇબલ C.L.પાઉલ અને જૂઠા પ્રેષિતો 1 મારામાં થોડી મૂર્ખતા હોય તોય તમે તે સહી લેશો એવી મને આશા છે. 2 ઈશ્વરની જેમ હું પણ તમારે માટે કાળજી રાખું છું. એક પતિ એટલે ખ્રિસ્ત સાથે લગ્ન માટે તમને પવિત્ર કુમારિકા તરીકે સોંપવા મેં વચન આપ્યું છે. 3 જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે. 4 જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો. 5 તમારા ખાસ ‘કહેવાતા પ્રેષિતો’ કરતાં હું પોતાને જરાપણ ઊતરતી કક્ષાનો માનતો નથી. 6 જો કે હું બોલવામાં કેળવાયેલો ન હોઉં તો પણ જ્ઞાનમાં અપૂર્ણ નથી. આ વાત સર્વ સમયે અને સર્વ પરિસ્થિતિમાં અમે તમને સ્પષ્ટ જણાવી છે. 7 મેં ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ વળતર લીધું નહોતું. તેથી તમને મહત્ત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી, એમાં મેં કંઈ ગુનો કર્યો? 8 તમારી મયે સેવા કરી ત્યારે મેં જાણે કે બીજી મંડળીઓને લૂંટીને નાણાકીય મદદ મેળવી હતી. 9 વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં. 10 મારામાં રહેલા ખ્રિસ્તના સત્યના જેવી જ સચોટતાથી હું કહું છું કે સમગ્ર આખાયામાં મારી આ બડાઈને કોઈ રોકી શકશે નહિ. 11 હું શા માટે આવું લખું છું? શું હું તમારા પર પ્રેમ કરતો નથી? પ્રભુ જાણે છે કે, હું તમારા પર પ્રેમ કરું છું. 12 જે કાર્ય અત્યારે હું કરું છું, તે હું કર્યા કરવાનો છું; જેથી અમે જે રીતે કાર્ય કરીએ છીએ તે જ રીતે એ બીજા “પ્રેષિતો” પણ કાર્ય કરે છે એવી બડાઈ કરવાનું તેમને કોઈ કારણ ન મળે. 13 તેઓ સાચા નહિ પણ બનાવટી પ્રેષિતો છે. તેઓ પોતાના કાર્ય વિષે જૂઠું બોલે છે અને ખ્રિસ્તના સાચા પ્રેષિતો હોવાનો દેખાવ કરે છે. 14 આમાં કંઈ નવાઈ નથી; કારણ, શેતાન પણ પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરે છે. 15 તેથી તેના સેવકો સાચા સેવકો બનવાનો દંભ કરે, તો તે કંઈ મોટી વાત નથી! જેવાં તેમનાં કાર્યો તેવો જ તેમનો અંત થશે. પ્રેષિત તરીકે પાઉલનાં દુ:ખો 16 હું ફરી જણાવું છું કે, મને કોઈએ મૂર્ખ ન ધારવો. જો તમે એમ ધારતા હો તો પછી મને મૂર્ખ તરીકે સ્વીકારો; જેથી હું પણ થોડી બડાઈ કરી શકું. 17 હવે હું જે લખું છું, તે લખવાનું મને પ્રભુ કહેતા નથી, પણ આ બડાઈની બાબતમાં હું મૂર્ખની માફક જ વાત કરું છું. 18 પણ દુન્યવી બાબતની બડાઈ મારનાર ઘણા છે તો હું પણ તેમ કરીશ. 19 તમે જાતે તો બહુ ડાહ્યા છો; તેથી તો તમે મૂર્ખોનું આનંદથી સહન કરો છો. 20 તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો. 21 અમે તો એમ કરવામાં બહુ ડરપોક હતા એવું જણાવતાં મને શરમ લાગે છે. પણ જો કોઈ કંઈ પણ વાતની બડાઈ કરે તો હું પણ કરીશ. આ તો જાણે કે હું મૂર્ખની જેમ વાત કરું છું. 22 શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહામના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું. 23 શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું. 24 યહૂદીઓએ પાંચ વાર મને ઓગણચાળીસ ફટકા માર્યા છે, 25 ત્રણ વાર મને રોમનોએ ફટકા માર્યા છે, એક વાર મને પથ્થરે મારવામાં આવ્યો હતો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું હતું, અને એક વાર મેં ચોવીસ કલાક પાણીમાં જ વિતાવ્યા હતા. 26 મારી ઘણી મુસાફરીઓમાં મને નદીઓનાં પૂરનું અને લૂંટારાઓનું જોખમ હતું, યહૂદી અને બિનયહૂદીઓનો ભય હતો; શહેરોનું, જંગલોનું, દરિયાનું અને જૂઠા મિત્રોનું જોખમ મેં વેઠયું છે. 27 મેં મહેનત મજૂરી કરી છે, ઘણીવાર ઉજાગરા વેઠયા છે, હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું, ઘણીવાર પૂરતો ખોરાક, આશરો કે કપડાં મળ્યાં નથી. 28 આવી બીજી બધી બાબતો ઉપરાંત દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે. 29 જો કોઈ નબળું હોય, તો હું પણ નબળાઈ અનુભવું છું. જો કોઈ કોઈને પાપમાં પાડે છે, તો મારો જીવ બળે છે. 30 જો મારે બડાઈ કરવાની જ હોય, તો હું મારી નિર્બળતા વિષે જ બડાઈ કરીશ. 31 ઈશ્વર અને પ્રભુ ઈસુના પિતા, જેમનું નામ સદા ધન્ય હો, તે જાણે છે કે હું જૂઠું બોલતો નથી. 32 જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો. 33 પણ કોટ પરની બારીમાંથી મને ટોપલાની મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યો, અને હું તેના હાથમાંથી છટકી ગયો હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide