2 કરિંથીઓ 10 - પવિત્ર બાઇબલ C.L.આક્ષેપોનો સામનો 1 હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું: 2 હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ, તેમના પ્રત્યે હું કડક વલણ દાખવીશ. 3 અલબત્ત, અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુન્યવી હેતુઓ માટે લડાઈ કરતા નથી. 4 જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ. 5 ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. 6 તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવો તે પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું. 7 તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિશે ભરોસો હોય તો તેણે પોતા વિષે ફરીથી વિચાર કરવો. કારણ, તેની જેમ અમે પણ ખ્રિસ્તના જ છીએ. 8 પ્રભુએ અમને આપેલા અધિકારનો મેં બહુ ગર્વ કર્યો હોવા છતાં હું શરમાતો નથી. આ અધિકાર તમને નીચે પાડવા માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે છે. 9 મારા પત્રો દ્વારા હું તમને ડરાવવા માગું છું એવું નથી. 10 કોઈ કહેશે, “પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે, ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.” 11 એવી વ્યક્તિએ સમજવું જોઈએ કે અમે દૂર હોઈએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે હોઈએ ત્યારે જે કરીએ છીએ, એ બેમાં કંઈ જ તફાવત નથી. 12 બહુ મહાન માનનારાઓની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત કરતા નથી. તેઓ કેવા મૂર્ખ છે! તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે, અને પોતાનાં ધોરણોથી જ પોતાનો ન્યાય કરે છે! 13 અમારી બડાઈ તો અમુક હદની બહાર જશે નહિ. ઈશ્વરે અમારે માટે નક્કી કરેલું કાર્ય, જેમાં તમારી મયેના ક્મનો પણ સમાવેશ થાય છે, તેની હદની બહાર એ બડાઈ જશે નહિ. 14 અને તમે પણ હદની અંદર છો તેથી જ્યારે અમે સૌ પ્રથમ તમારી પાસે ખ્રિસ્તનો શુભસંદેશ લઈને આવ્યા ત્યારે તમે હદની બહાર ગયા નહિ. 15 આમ, ઈશ્વરે ઠરાવેલી હદની બહાર બીજાએ કરેલા કાર્યની અમે બડાઈ મારતા નથી; પણ તમારો વિશ્વાસ વૃદ્ધિ પામે અને ઈશ્વરે ઠરાવી આપેલી હદ મુજબ તમારી મયે વધુ સારું કાર્ય કરવાની અમે આશા રાખીએ છીએ. 16 તે પછી તમારાથી દૂરના બીજા પ્રદેશોમાં અમે શુભસંદેશ પ્રગટ કરી શકીશું; જેથી બીજાના કાર્યક્ષેત્રમાં થયેલ કાર્યની બડાઈ અમે મારીએ નહિ. શાસ્ત્રમાં લખેલું છે: 17 “જો કોઈ ગર્વ કરે, તો તેણે પ્રભુના કાર્ય વિષે ગર્વ કરવો.” 18 કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide