૨ કાળવૃત્તાંત 9 - પવિત્ર બાઇબલ C.L.શેબાની રાણીની મુલાકાત ( ૧ રાજા. 10:1-13 ) 1 શલોમોનની કીર્તિ સાંભળીને શેબાની રાણી જટિલ પ્રશ્ર્નો પૂછી તેની પરીક્ષા કરવા યરુશાલેમ આવી. તે પોતાની સાથે ભારે રસાલો અને ઊંટો પર અત્તરો, જર ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. જ્યારે તે શલોમોનને મળી ત્યારે તેણે તેના મનમાં જેટલા પ્રશ્ર્ન હતા તે બધા પ્રશ્ર્ન પૂછયા. 2 શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે. 3 શેબાની રાણીએ શલોમોનની જ્ઞાનવાણી સાંભળી અને તેણે બાંધેલો રાજમહેલ જોયો. 4 તેણે તેના મેજ પર પીરસાતી વાનગીઓ, તેના અધિકારીઓના આવાસો, તેના રાજમહેલના કર્મચારીગણની વ્યવસ્થા, તેમનો ગણવેશ, મિજબાની વખતે તેની તહેનાતમાં ઊભા રહેતા સેવકોનાં વસ્ત્રો અને મંદિરમાં જે બલિદાનો તે ચડાવતો એ બધું જોયું, ત્યારે તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ. 5 તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારે વિષે અને તમારા જ્ઞાનવિવેક અંગે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે. 6 મેં અહીં આવીને એ બધું મારી નજરે જોયું ત્યાં સુધી મને જે કહેવામાં આવ્યું હતું તે મારા માન્યામાં આવતું નહોતું. પણ તમારા જ્ઞાનવિવેક વિષે તો મેં અડધું પણ સાંભળ્યું નહોતું. લોકો કહે છે તેના કરતાં યે તમે વધારે જ્ઞાની છો. 7 તમારી સેવાચાકરી કરનાર તમારા સેવકોને ધન્ય છે, કે તેઓ હંમેશા તમારી હજુરમાં રહે છે અને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો મોટો લહાવો મેળવે છે! 8 તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને પોતાના રાજ્યની ગાદી પર બેસાડયા છે. તે પોતાના ઇઝરાયલી લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમને કાયમને માટે સાચવી સંભાળી રાખવા તેમણે તમને રાજા બનાવ્યા છે; જેથી તમે ન્યાયનીતિ પ્રવર્તાવી શકો.” 9 તેણે શલોમોન રાજાને ચાર હજાર કિલોગ્રામ કરતાં વધુ સોનું, મોટા પ્રમાણમાં અત્તરો અને ઝવેરાતની ભેટો આપી. શેબાની રાણીએ શલોમોન રાજાને આપેલાં અત્તરો જેવાં ઉત્તમ અત્તરો કદી કોઈએ જોયાં જ નહોતાં. 10 વળી, ઓફિરમાંથી સોનું લાવનાર હિરામ રાજા અને શલોમોન રાજાના માણસો પોતાની સાથે સુખડનું લાકડું અને ઝવેરાત પણ લાવ્યા હતા. 11 શલોમોને એ સુખડનું લાકડું મંદિરના તેમજ પોતાના રાજમહેલના દાદર બનાવવા તથા સંગીતકારો માટે વીણા તથા સિતાર બનાવવા વાપર્યું હતું. યહૂદિયામાં અગાઉ એના જેવી વસ્તુઓ કદી કોઈએ જોઈ નહોતી. 12 શલોમોન રાજાએ શેબાની રાણીને તેણે જે જે માગ્યું તે બધું આપ્યું. એ તો રાણીએ તેને જે ભેટો આપી તેનાથી ક્યાંયે વિશેષ હતું. પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ફરી. શલોમોનનો ધનવૈભવ ( ૧ રાજા. 10:24 , 25 ) 13 શલોમોન રાજાને પ્રતિવર્ષે ત્રેવીસ હજાર કિલોગ્રામ સોનું મળતું. 14 એ તો સોદાગરો અને વેપારીઓ તરફથી જક્તમાં મળતા સોના ઉપરાંતનું હતું. વળી, અરબસ્તાનના રાજાઓ અને ઇઝરાયલના પ્રાંતિક રાજવીઓ પણ તેની પાસે સોનુંચાંદી લાવતા. 15 શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું. 16 તેણે સોનાની ત્રણસો નાની ઢાલ પણ બનાવડાવી હતી; એમાંની પ્રત્યેક ઢાલમાં ત્રણેક કિલો સોનું વપરાયું હતું. તેણે એ બધી ઢાલો લબાનોનના વનખંડમાં મૂકાવી હતી. 17 રાજાએ મોટું સિંહાસન પણ બનાવડાવ્યું હતું. એનો કેટલોક ભાગ હાથીદાંતથી મઢેલો હતો, જ્યારે બાકીનો ચોખ્ખા સોનાથી મઢેલો હતો. 18 સિંહાસન પર ચઢવા છ પગથિયાં હતાં અને તેની સાથે સોનાથી મઢેલું પાયાસન પણ હતું. સિંહાસનની બન્ને બાજુ હાથા હતા અને પ્રત્યેક બાજુ પર સિંહાકૃતિ હતી. 19 પગથિયે બન્ને સિંહની એકએક આકૃતિ એમ દરેક પગથિયે બન્ને તરફ સિંહની એક એક આકૃતિ એમ પગથિયાં પર બાર સિંહોની આકૃતિ હતી. બીજા કોઈ રાજ્યમાં એવું સિંહાસન નહોતું. 20 શલોમોન રાજાના બધા પ્યાલા અને લબાનોનના વનખંડમાંની બધી ચીજવસ્તુઓ ચોખ્ખા સોનાની હતી. શલોમોનના સમયમાં ચાંદી તો કંઈ વિસાતમાં જ નહોતી. 21 સમુદ્રની મુસાફરી માટે હિરામ રાજાના નૌકા કાફલા સાથે શલોમોનનો પણ નૌકા કાફલો હતો. દર ત્રણ વર્ષે આ નૌકા કાફલો તાર્શિશથી સોનું, ચાંદી, હાથદાંત, વાંદરા અને મોર લઈ પાછો ફરતો. 22 દુનિયાના કોઈપણ રાજવી કરતાં શલોમોન ધનવાન અને જ્ઞાની હતો. 23 તેઓ સૌ તેનું ઈશ્વરદત્ત જ્ઞાન સાંભળવા તેને મળવા આવતા. 24 પ્રત્યેક રાજા શલોમોન માટે સોનાચાંદીનાં પાત્રો, ઝભ્ભા, શસ્ત્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચર જેવી ભેટો લાવતો. વર્ષોવર્ષ એમ બનતું. 25 શલોમોન રાજા પાસે રથો અને ઘોડાઓ માટે ચાર હજાર તબેલા અને ઘોડેસ્વારો હતા. તેણે તેમાંના કેટલાક યરુશાલેમમાં અને બાકીના રથ-નગરોમાં રાખ્યા. 26 યુફ્રેટિસ નદીથી છેક પલિસ્તીઓના દેશ અને ઇજિપ્તની સરહદ સુધીના સર્વ પ્રદેશ પર તે સર્વોચ્ચ રાજા હતો. 27 તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુનું લાકડું નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડા બરાબર થઈ પડયું હતું. 28 શલોમોન મૂસરી અને બીજા બધા દેશોમાંથી ઘોડાની આયાત કરતો. શલોમોનનું મૃત્યુ ( ૧ રાજા. 11:41-43 ) 29 શલોમોનનો શરૂઆતથી અંત લગીનો બાકીનો ઇતિહાસ નાથાન સંદેશવાહકના ઇતિહાસમાં, શીલોના અહિયાના ભવિષ્યલેખમાં અને ઇઝરાયલના રાજા નબાટના પુત્ર યરોબઆમ અંગેના સંદેશવાહક ઈદ્દોના સંદર્શનલેખમાં આપેલો છે. 30 શલોમોને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાંથી ચાલીસ વર્ષ રાજ કર્યું. 31 તે મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide