૨ કાળવૃત્તાંત 8 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનની સિદ્ધિઓ ( ૧ રાજા. 9:10-28 ) 1 શલોમોનને પ્રભુનું મંદિર અને તેનો રાજમહેલ બાંધતાં વીસ વર્ષ લાગ્યાં. 2 હિરામ રાજાએ તેને આપેલાં નગરો તેણે ફરી બંધાવ્યાં અને તેમાં ઇઝરાયલીઓને વસાવ્યા. 3 તેણે હમાથ અને સોબાનો પ્રદેશ જીતી લીધો, 4 અને વેરાનપ્રદેશમાં તદમોર નગરને કિલ્લેબંધીવાળું બનાવ્યું. તેણે હમાથનાં ભંડારવાળાં નગરો પણ ફરીથી બાંધ્યાં. 5 શલોમોને ઉપલું બેથહારોન અને નીચલું બેથહારોન પણ બંધાવ્યાં અને તેમને કોટ, દરવાજા અને ભોગળોથી સુરક્ષિત કર્યાં. 6 વળી, તેણે બાલાથ નગર, તેનાં પૂરવઠા કેન્દ્રનાં સર્વ નગરો, અને તેના રથો અને ઘોડાઓ રાખવાનાં સર્વ નગરો પણ બાંધ્યાં. યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના તાબા હેઠળના સઘળા પ્રદેશમાં પોતાના મનની ઇચ્છા પ્રમાણે તેણે સઘળું બાંધકામ કર્યું. 7-8 ઇઝરાયલીઓએ દેશનો કબજો લીધો ત્યારે કનાનના જે લોકોનો તેમણે નાશ નહોતો કર્યો તેમના વંશજો પર શલોમોને વેઠ નાખી. એમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ હતા, જેમના વંશજો આજ સુધી ગુલામ રહ્યા છે. 9 પણ શલોમોને પોતાનાં કામ પર ઇઝરાયલીઓને વેઠિયા તરીકે રાખ્યા નહોતા. તેઓ તો સૈનિકો, અધિકારીઓ, રથદળના આગેવાનો, અને ઘોડેસ્વારો હતા. 10 જુદાં જુદાં બાંધકામો પર કામ કરતા વેઠિયા મજૂરો પર દેખરેખ માટે અઢીસો અધિકારીઓ હતા. 11 શલોમોને પોતાની પત્ની, ઇજિપ્તના રાજા ફેરોની દીકરીને દાવિદનગરમાંથી તેને માટે બાંધેલા નગરમાં રહેવા મોકલી. તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાવિદના રાજમહેલમાં તે રહી શકે નહિ, કારણ, જ્યાં પ્રભુનો કરારકોશ રખાયો છે તે જગ્યા પવિત્ર છે.” 12 શલોમોને પોતે મંદિરની આગળ બંધાવેલી વેદી પર બલિદાન ચઢાવ્યાં. 13 તેણે મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે પ્રત્યેક પવિત્ર દિવસે એટલે, સાબ્બાથદિને, ચાંદ્ર માસને પ્રથમ દિવસે અને ખમીરરહિત રોટલીનું પર્વ, કાપણીનું સાપ્તાહિક પર્વ અને માંડવાપર્વ એ ત્રણ વાર્ષિક ઉત્સવોએ દહનબલિ ચઢાવ્યા. 14 પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી. 15 દાવિદે મંદિરના ભંડારો અને અન્ય બાબતો અંગે યજ્ઞકારો અને લેવીઓને આપેલી સૂચનાઓ ચુસ્તપણે પાળવામાં આવી હતી. 16 આ સમય દરમ્યાન શલોમોનનાં બધાં બાંધકામો પૂરાં થઈ ગયાં હતાં. પ્રભુના મંદિરનો પાયો નાખવાથી માંડીને તેને પૂરું કરવા સુધીનું સઘળું કામ તેણે સફળતાપૂર્વક પાર પાડયું હતું. 17 પછી શલોમોન અકાબાના અખાતને કિનારે આવેલાં અદોમ પ્રદેશનાં બંદરો એસ્યોન ગેબેર અને એલાથમાં ગયો. 18 હિરામ રાજાએ પોતાના અધિકારીઓની રાહબરી હેઠળ કુશળ નાવિકો હસ્તક શલોમોનને માટે વહાણો મોકલી આપ્યાં. તેઓ શલોમોનના અધિકારી સાથે ઓફિરના પ્રદેશમાં ગયા અને ત્યાંથી તેને માટે પંદર હજાર કિલોગ્રામ સોનું લાવ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide