૨ કાળવૃત્તાંત 7 - પવિત્ર બાઇબલ C.L.મંદિરનું સમર્પણ ( ૧ રાજા. 8:62-66 ) 1 શલોમોને તેની પ્રાર્થના પૂરી કે આકાશમાંથી અગ્નિએ પડીને દહનબલિ તથા બલિદાનો ભસ્મ કરી દીધાં અને પ્રભુના ગૌરવની હાજરીથી મંદિર ભરાઈ ગયું. 2 મંદિર પ્રભુના ગૌરવથી ભરાઈ ગયું હોવાથી યજ્ઞકારો તેમાં પ્રવેશી શક્યા નહિ. 3 આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.” 4 શલોમોન અને લોકોએ પ્રભુને અર્પણો ચઢાવ્યાં. 5 તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર બળદો અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અર્પણ કર્યું. 6 યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા. 7 શલોમોને મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પણ પવિત્ર કર્યો, અને ત્યાં સંપૂર્ણ દહનબલિ, ધાન્યાર્પણ અને સંગતબલિની ચરબીનું અર્પણ કર્યું. આ બધાં અર્પણો તેણે બનાવેલી તાંબાની વેદી પર સમાઈ શકે તેમ ન હોઈ તેણે તેમ કર્યું. 8 શલોમોન અને સર્વ લોકે સાત દિવસ સુધી માંડવાપર્વ મનાવ્યું. ઉત્તરમાં છેક હમાથ ઘાટથી દક્ષિણમાં ઇજિપ્તના વહેળા સુધીના લોકોનો મોટો સમુદાય હતો. 9 તેમણે સાત દિવસ વેદીના સમર્પણમાં ગાળ્યા હતા અને પછી બીજા સાત દિવસ માંડવાપર્વ મનાવ્યું. છેલ્લે દિવસે પર્વની સમાપ્તિની સભા કરી. 10 તે પછીના દિવસે એટલે સાતમા માસને ત્રેવીસમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યા. પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકને, દાવિદને અને શલોમોનને આપેલા સર્વ આશીર્વાદોથી તેઓ સૌ હર્ષોલ્લાસી હતા. શલોમોનને પ્રભુનું પુન:દર્શન ( ૧ રાજા. 9:1-9 ) 11 શલોમોને પ્રભુના મંદિર અને રાજમહેલનાં બાંધકામ પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે સફળતાપૂર્વક પૂરાં કર્યાં. 12 ત્યારે પ્રભુએ તેને રાતે દર્શન આપ્યું. તેમણે તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને મને બલિદાન ચડાવવાના સ્થાન તરીકે મેં આ મંદિરને સ્વીકાર્યું છે. 13 જ્યારે હું આકાશમાં વરસાદ અટકાવું અથવા પાક ખાઈ જવા તીડો મોકલું અથવા મારા લોકમાં રોગચાળો લાવું, 14 ત્યારે જો મારા નામથી ઓળખાતા મારા લોક મારે શરણે આવે, મને પ્રાર્થના કરે, મારી ઝંખના સેવે અને તેમનાં દુષ્કર્મોથી પાછા ફરે, તો હું આકાશમાં તેમનું સાંભળીશ, તેમનાં પાપ ક્ષમા કરીશ, અને તેમના દેશને ફરી સમૃદ્ધ કરીશ. 15 આ મંદિર પર હું સતત મારી દૃષ્ટિ રાખીશ અને અહીં થતી સર્વ પ્રાર્થનાઓ સાંભળવા મારા કાન માંડી રાખીશ. 16 કારણ, મેં તેને પસંદ કર્યું છે. મારા નામના હંમેશના ભક્તિસ્થાન તરીકે મેં તેને પવિત્ર કર્યું છે. મારી દૃષ્ટિ અને મારું ચિત્ત સતત અહીં ચોંટેલાં રહેશે. 17 જો તું તારા પિતા દાવિદની જેમ મને નિષ્ઠાથી અનુસરીશ, મારા કહેવા પ્રમાણે કરીશ અને મારા નિયમો અને ફરમાનો પાળીશ, 18 તો તારા પિતા દાવિદ સાથે કરેલા કરાર પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમને માટે સ્થાપીશ. તારા પિતા દાવિદને તો મેં એવું વચન આપ્યું હતું કે તારો વંશજ ઇઝરાયલ પર સદા રાજ કરશે. 19 “પણ તું કે તારા લોક મેં તમને આપેલા મારા નિયમો કે આજ્ઞાઓની અવજ્ઞા કરશો અને અન્ય દેવોની ભક્તિ કરશો, તો મેં આપેલા આ દેશમાંથી હું તમારું નિકંદન કાઢી નાખીશ અને મેં મારા નામની આરાધના માટે પવિત્ર કરેલ 20 આ મંદિરનો હું ત્યાગ કરીશ. સર્વ જગાના લોકોમાં એ મશ્કરી અને તિરસ્કારનો વિષય થઇ પડશે. 21 “અત્યારે તો આ ભવ્ય મંદિરની પ્રશંસા થાય છે, પણ ત્યારે તેની પાસે થઈને પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ આશ્ર્વર્યચકિત થઈ પૂછશે, ‘પ્રભુએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા કેમ કરી છે?’ 22 ત્યારે લોકો કહેશે, ‘આવું એટલા માટે બન્યું કે લોકોએ તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુનો ત્યાગ કર્યો છે. અન્ય દેવોનો અંગીકાર કરીને તેમની સેવા ભક્તિ કરી છે, તેથી પ્રભુ તેમના પર આ બધી આફત લાવ્યા છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide