૨ કાળવૃત્તાંત 6 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનનું સંબોધન ( ૧ રાજા. 8:12-21 ) 1 પછી શલોમોન રાજાએ પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તમે વાદળો અને અંધકારમાં રહેવાનું પસંદ કરો છો. 2 પણ હવે મેં તમારે માટે ભવ્ય મંદિર બાંધ્યું છે, જ્યાં તમે સદા રહી શકો.” 3 રાજાએ ત્યાં ઊભા રહેલા ઇઝરાયલના સર્વ લોક તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી. 4 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે. 5 તેમણે કહ્યું હતું, ‘મારા લોકને હું ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારથી આજ સુધી મારા નામની ભક્તિ કરવા માટે મંદિર બાંધવા ઇઝરાયલ દેશના કોઈ શહેરને પસંદ કર્યું નથી અને મારા ઇઝરાયલી લોકનો આગેવાન થવા કોઈને પસંદ કર્યો નથી. 6 પણ હવે મારા નામની ભક્તિ કરવાના સ્થળ તરીકે મેં યરુશાલેમને પસંદ કર્યું છે અને હે દાવિદ, તને મેં મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.” 7 વળી, શલોમોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આરાધના કરવા માટે મારા પિતા દાવિદે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું, 8 પણ પ્રભુએ તેમને કહ્યું, ‘મારે માટે મંદિર બાંધવાનો તારો વિચાર તો સારો છે, પણ તું તે બાંધી શકીશ નહિ. 9 તારો, હા, તારો પોતાનો પુત્ર મારું મંદિર બાંધશે.’ 10 “હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે: મારા પિતા દાવિદની જગાએ હું ઇઝરાયલનો રાજા બન્યો છું, અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવાભક્તિ કરવા મેં મંદિર બાંધ્યું છે. 11 મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.” શલોમોનની પ્રાર્થના ( ૧ રાજા. 8:22-53 ) 12 પછી લોકોની હાજરીમાં શલોમોન વેદી સમક્ષ જઈને ઊભો રહ્યો અને હાથ પ્રસારી પ્રાર્થના કરી. 13 (શલોમોને 2.2 ચોરસમીટરની 1.3 મીટર ઊંચી તાંબાની બાજઠ બનાવડાવી હતી. તેને ચોકની મધ્યમાં મૂકી હતી. એ બાજઠ ઉપર ચઢીને સૌ જોઈ શકે તેમ તેણે ધૂંટણિયે પડીને હાથ પ્રસારી પ્રાર્થના કરી.) 14 તેણે કહ્યું, “હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, સમસ્ત આકાશ અને પૃથ્વી પર તમારા જેવા ઈશ્વર છે જ નહિ. પોતાના દયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરનાર તમારા લોક સાથેનો કરાર તમે પાળો છો અને તેમના પર તમારો પ્રેમ દર્શાવો છો. 15 તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે. 16 તો હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, મારા પિતા દાવિદને આપેલું બીજું વચન પણ પાળો. તમે તેમને કહ્યું હતું કે જો તારા વંશજો તારી જેમ મારા નિયમનું કાળજીપૂર્વક પાલન કરશે તો ઇઝરાયલના રાજા તરીકે તારો વંશજ જ રાજ કરશે. 17 તેથી, હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક દાવિદને આપેલું પ્રત્યેક વચન પૂર્ણ કરો. 18 “પણ હે ઈશ્વર, શું તમે માણસો મધ્યે વાસ કરશો? આકાશોનાં આકાશ તમારો સમાવેશ કરી શકે નહિ, તો મેં બંધાવેલા મંદિરમાં તમે શી રીતે વાસ કરી શકો? 19 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના પ્રત્યે લક્ષ આપો અને મારી વિનંતીઓ સાંભળો. 20 આ મંદિર પર રાતદિવસ તમારી દૃષ્ટિ રાખજો; કારણ, તમે વચન આપ્યું છે કે આ સ્થળે તમારા નામની ભક્તિ થશે, તો તમારા મંદિર તરફ મુખ રાખી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો. 21 મારી પ્રાર્થનાઓ અને તમારા ઇઝરાયલી લોકની આ સ્થળ તરફ મુખ રાખીને કરેલી પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી સાંભળીને અમને ક્ષમા કરજો. 22 “જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું ભૂંડું કર્યાનો આક્ષેપ હોય અને પોતે નિર્દોષ છે એવા સમ ખાવાને તેને આ મંદિરમાં વેદી સમક્ષ લાવવામાં આવે, 23 ત્યારે હે પ્રભુ, તમે આકાશમાંથી સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો. દોષિતને ઘટતી શિક્ષા કરજો અને નિર્દોષને ન્યાયી ઠરાવજો. 24 “તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલ લોક તેમના શત્રુઓ આગળ હાર પામે, અને ત્યારે તેઓ તમારી તરફ ફરે અને ક્ષમાયાચના કરતાં આ મંદિરમાં આવે, 25 તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકને તેમનાં પાપની ક્ષમા કરજો અને તેમને અને તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો. 26 “તમારી વિરુદ્ધ તમારા લોકે પાપ કર્યાને લીધે તમે વરસાદ અટકાવો અને તે વખતે જો તેઓ પાપથી પાછા ફરીને આ મંદિર તરફ મુખ રાખીને તમને નમ્રતાથી પ્રાર્થના કરે, 27 તો ઓ પ્રભુ, તમે આકાશમાંથી તેમનું સાંભળજો અને તમારા સેવકો એટલે, ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, અને તેમને સન્માર્ગે ચાલતાં શીખવજો. ત્યારે હે પ્રભુ, તમારા લોકને તમે કાયમી વસવાટ માટે આપેલ તમારા દેશમાં વરસાદ વરસાવજો. 28 “દેશમાં દુકાળ પડે, કે રોગચાળો ફાટી નીકળે, અથવા લૂથી, તીડથી કે કાતરાથી પાકનો વિનાશ થાય, અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરે, અથવા તેમનામાં રોગ કે માંદગી આવે, તો તમે તેમની પ્રાર્થના સાંભળજો. 29 તમારા ઇઝરાયલી લોકમાંથી કોઈપણ વ્યક્તિ દુ:ખિત દયે આ મંદિર તરફ હાથ પ્રસારી જે કંઈ આજીજી કે પ્રાર્થના કરે, 30 તો તેની પ્રાર્થના સાંભળજો અને તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેને ક્ષમા કરજો. તમે એકલા જ માનવી દયના વિચારો જાણો છો. પ્રત્યેક વ્યક્તિ સાથે તમે ઘટતો વ્યવહાર કરજો, 31 જેથી તમારા લોક તમારો ડર રાખે અને અમારા પૂર્વજોને તમે આપેલ દેશમાં રહેતાં તેઓ તમને સદા આધીન રહીને અનુસરે. 32 “દૂર દેશમાં રહેતા કોઈ પરદેશીને ખબર પડે કે તમે કેવા મહાન અને શક્તિશાળી છો અને સહાય કરવા તત્પર છો, અને તે આ મંદિરમાં આવીને તમને પ્રાર્થના કરે તો તમે તેની પ્રાર્થના સાંભળજો. 33 તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેનું સાંભળજો અને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના સર્વ લોક તમને ઓળખે, અને તમારા લોક ઇઝરાયલની જેમ તમને આધીન થાય. ત્યારે તો તેઓ જાણશે કે મેં બંધાવેલું મંદિર તમારું છે અને તમારા નામના સન્માનાર્થે છે. 34 “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે જ્યાં જ્યાં લડવા જવાની આજ્ઞા કરો, અને તેઓ જ્યાં હોય ત્યાંથી આ નગર કે જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર કે જેને મેં તમારા નામના સન્માન માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, 35 તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો. 36 “તમારા લોક તમારી વિરુધ પાપ કરે, અને પાપ ન કરે એવું કોઈ છે જ નહિ. અને તમારા કોપમાં તમે તેમને તેમના શત્રુઓ આગળ હાર પમાડો અને તેમને કોઈ દૂરના કે નજીકના બીજા દેશમાં કેદીઓ તરીકે લઈ જવા દો, અને તે દેશ બહુ દૂર હોય, 37 ત્યારે જ્યાં તેમને કેદ કરી લઈ જવામાં આવ્યા છે એ દેશમાં તેમને તેમની ગુલામીની દશામાં ભાન થાય કે તેઓ પોતે કેવા દુષ્ટ અને પાપી છે અને એવી કબૂલાત સાથે પાપથી પાછા ફરીને તમને એ દેશમાંથી પ્રાર્થના કરે, 38 અને એ દેશમાં તેઓ સાચી રીતે અને નિખાલસપણે તમારી તરફ ફરે અને આ દેશ જે તમે અમારા પૂર્વજોને આપ્યો છે, આ નગર જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર જેને મેં તમારા નામની ભક્તિ માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, 39 તો તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળીને તમારા લોકનાં સર્વ પાપ ક્ષમા કરજો. 40 “હવે, ઓ પ્રભુ, અમારા તરફ જુઓ અને આ સ્થાનમાં કરાયેલી પ્રાર્થનાઓ સાંભળો.” 41 તો હે પ્રભુ, હવે ઊઠો; અને તમારા સામર્થ્યના પ્રતીક સમી કરારપેટી સાથે મંદિરમાં પ્રવેશો અને અહીં સદા રહો. તમારા યજ્ઞકારોને વિજયનાં વસ્ત્ર પહેરાવો અને તમારા સંતો તમારી ભલાઈ માણે. 42 હે પ્રભુ પરમેશ્વર, તમારા પસંદ કરેલા અભિષિક્ત રાજાનો તમે ત્યાગ ન કરશો. તમારા સેવક દાવિદ પ્રત્યેનો તમારો પ્રેમ સંભારો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide