૨ કાળવૃત્તાંત 5 - પવિત્ર બાઇબલ C.L.1 શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ પૂરું કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં સોનાચાંદીનાં પાત્રો અને અન્ય સામગ્રી લાવીને મંદિરના ભંડારોમાં મૂક્યાં. મંદિરમાં લવાયેલ કરારકોશ ( ૧ રાજા. 8:1-9 ) 2 પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. 3 તેઓ સૌ માંડવાપર્વના સમયે એકઠા થયા. 4-5 સર્વ આગેવાનો એકઠા થયા એટલે લેવીઓ કરારકોશ ઊંચકીને તેને મંદિરમાં લઈ આવ્યા. યજ્ઞકારો અને લેવીઓ મુલાકાતમંડપને તેની સઘળી સાધનસામગ્રી સહિત મંદિરમાં લઈ આવ્યા. 6 શલોમોન રાજાએ અને એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકોએ કરારપેટી આગળ અસંખ્ય ઘેટાં અને આખલાનાં બલિદાન ચડાવ્યાં. 7 પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી. 8 કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા તેમની પ્રસારેલી પાંખોથી આચ્છાદિત હતાં. 9 દાંડાના છેડા બીજી કોઈ જગ્યાએથી નહિ, પણ માત્ર પરમ પવિત્રસ્થાન સમક્ષ ઊભો રહેવાથી જ જોઈ શક્તા હતા. (આજે પણ તે ત્યાં છે.) 10 ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલો કરાર એટલે સિનાઈ પર્વત આગળ મોશેએ જે બે પથ્થરની તક્તીઓ મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું. પ્રભુનું ગૌરવ 11-14 પોતે કયા વારામાં કે જૂથના છે એનો ભેદ રાખ્યા વિના હાજર રહેલા સર્વ યજ્ઞકારોએ પોતાને સમર્પિત કર્યા. આસાફ, હેમાન અને યદુથૂન તથા તેના ગોત્રના સર્વ લેવીઓએ અળસીરેસાનાં વસ્ત્ર પહેર્યાં હતાં. લેવીઓ ઝાંઝ અને વીણા સાથે વેદીની પૂર્વગમ ઊભા હતા અને તેમની સાથે એક્સો વીસ યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હતા. રણશિંગડાં વગાડનારાઓએ અને ગાયકોએ એક સાથે તાલબદ્ધ રીતે પ્રભુની આભારસ્તુતિ કરવાની હતી. તેથી રણશિંગડાં વગાડતાંની સાથે જ તેમણે ઊંચે સાદે ગીત ગાયું: “પ્રભુની સ્તુતિ હો, કેમ કે તે ભલા છે અને તેમનો પ્રેમ સનાતન છે.” ત્યારે પ્રભુનું મંદિર એકાએક વાદળથી ભરાઈ ગયું. પ્રભુનું ગૌરવ મંદિરમાં વ્યાપી ગયું હોઈ યજ્ઞકારો ત્યાં આરાધના કરવા ઊભા રહી શક્યા નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide