૨ કાળવૃત્તાંત 4 - પવિત્ર બાઇબલ C.L.મંદિરની સાધનસામગ્રી ( ૧ રાજા. 7:23-51 ) 1 શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી. 2 તેણે તાંબાનો જળકુંડ બનાવ્યો; તે 2.2 મીટર ઊંડો હતો; તેનો વ્યાસ 4.4. મીટર અને પરિઘ 13.2 મીટર હતો. 3 જળકુંડની કિનારને ફરતે બહારની બાજુએ શણગારની એક ઉપર બીજી એમ બે હારો હતી. શણગારમાં જળકુંડની સાથે જ આખલાની ઢાળેલી આકૃતિઓ હતી. 4 પ્રત્યેક દિશામાં ત્રણ એમ બહારની તરફ મોં રાખેલા તાંબાના બાર આખલાની પીઠ પર જળકુંડ મૂકેલો હતો. 5 જળકુંડની બાજુની જાડાઈ 75 મીલિમીટર હતી. તેની કિનાર પ્યાલાની કિનાર જેવી ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ વળેલી હતી. જળકુંડમાં લગભગ સાઠ હજાર લિટર પાણી સમાતું હતું. 6 મંદિરની દક્ષિણ તરફ મૂકવા પાંચ અને ઉત્તર તરફ મૂકવા પાંચ એમ કુલ દસ કૂંડાં પણ તેણે બનાવ્યાં. દહનબલિ તરીકે ચઢાવાતાં પશુઓના ભાગ ધોવા માટે એ કૂંડા હતાં. મોટા જળકુંડમાંનું પાણી યજ્ઞકારોના હાથપગ ધોવા માટે હતું. 7-8 તેણે નિયત નમૂના પ્રમાણે સોનાની દસ દીવીઓ અને દસ મેજ બનાવી અને મંદિરના મુખ્ય ખંડમાં બંને બાજુએ પાંચ દીવી અને પાંચ મેજ મૂકાવી. તેણે સો સુવર્ણપ્યાલા પણ બનાવ્યા. 9 તેણે યજ્ઞકારો માટે અંદરનો ચોક અને બહાર પણ એક ચોક બનાવ્યા. ચોકની વચ્ચેના દરવાજાનાં કમાડ તાંબાથી મઢેલાં હતાં. 10 જળકુંડ મંદિરના અગ્નિખૂણા નજીક મૂક્યો હતો. 11-16 હુરામે તાંબાનાં ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યા. એ રીતે તેણે ઈશ્વરના મંદિરને માટે જે જે ચીજવસ્તુઓ બનાવવાનું રાજા શલોમોનનું કામ સ્વીકાર્યું હતું તે તેણે પૂરું કર્યું: બે સ્તંભ સ્તંભની ટોચ પરના પ્યાલા આકારના બે કળશ દરેક કળશ પર એકબીજીને વીંટાળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમો દસ જળ લારીઓ દસ જળકુંડીઓ જળકુંડ જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, ત્રિશૂળો. શલોમોન રાજાએ આજ્ઞા આપી હતી તેમ કુશળ કારીગર હુરામે પ્રભુના મંદિરમાં ઉપયોગ માટે એ બધી ચીજવસ્તુઓ ઓપેલા તાંબાની બનાવી. 17 રાજાએ બધી વસ્તુઓ યર્દનની ખીણમાં સુક્કોથ અને સરેદાની વચ્ચે ધાતુ ગાળવાની જગામાં બનાવી. 18 એટલી બધી વસ્તુઓ બનાવાઈ હતી કે એમાં વપરાયેલા તાંબાનું એકંદર વજન અણતોલ હતું. 19 શલોમોન રાજાએ મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવડાવી. વેદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજો; 20 નમૂના મુજબ પરમ પવિત્ર સ્થાનની આગળ સળગાવવાના દીવાઓ અને તેમની દીવીઓ; 21-22 તેમાં ફૂલોની કોતરણી, દીવા અને ચીપિયા; દિવેટ સમારવા કાતરો, પ્યાલા, ધૂપદાનીઓ, અને અંગારપાત્રો. આ બધી વસ્તુઓ ચોખ્ખા સોનાની બનાવેલી હતી. મંદિરનાં બહારનાં બારણાં અને પરમ પવિત્રસ્થાનનાં બારણાં સોનાથી મઢયાં હતાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide