Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 36 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા યહોઆહાઝ
( ૨ રાજા. 23:30-35 )

1 યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને પસંદ કરીને યરુશાલેમમાં રાજા તરીકે તેનો અભિષેક કર્યો.

2 યહોઆહાઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષની ઉંમરનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું.

3 ઇજિપ્તના રાજા નખોએ તેને યરુશાલેમના રાજા તરીકે પદભ્રષ્ટ કર્યો. યહૂદિયા પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી અને ચોત્રીસ કિલો સોનાની ખંડણી લીધી.

4 નખોએ યહોઆહાઝના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો.


યહૂદિયાનો રાજા યહોયાકીમ
( ૨ રાજા. 23:36—24:7 )

5 યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

6 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર હુમલો કરી યહોયાકીમને પકડયો અને તેને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયો.

7 નબૂખાદનેસ્સાર પ્રભુના મંદિરના ખજાનામાંથી કેટલાંક પાત્રો લૂંટી ગયો અને તેને બેબિલોનમાં પોતાના રાજમહેલમાં રાખ્યાં.

8 યહોયાકીમનાં ધિક્કારપાત્ર કાર્યો અને તેની ભૂંડાઈ સહિત તેનાં સર્વ કામો ઇઝરાયલ અને યહૂદિયાના ઇતિહાસમાં લખેલાં છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.


યહૂદિયાનો રાજા યહોયાખીન
( ૨ રાજા. 24:8-17 )

9 યહોયાખીન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ અને દસ દિવસ રાજ કર્યું. તેણે પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

10 વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


યહૂદિયાનો રાજા સિદકિયા
( ૨ રાજા. 24:18-20 ; યર્મિ. 51:1-3 )

11 સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:

12 તેણે પ્રભુની દૃષ્ટિએ અઘોર એવું પાપ કર્યું અને પ્રભુનો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહક યર્મિયાનું તેણે નમ્રપણે સાંભળ્યું નહિ.


યરુશાલેમનું પતન
( ૨ રાજા. 25:1-21 ; યર્મિ. 52:3-11 )

13 સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી.

14 વળી, યહૂદિયાના આગેવાનો, યજ્ઞકારો અને લોકોએ મૂર્તિપૂજા કરીને તેમની આસપાસની પ્રજાઓનું અનુસરણ કર્યું. અને એમ પ્રભુએ પોતે યરુશાલેમના જે મંદિરને પવિત્ર કર્યુ હતું તેને અશુદ્ધ કર્યું.

15 તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ દયાળુ હોવાથી તે તેમને અને મંદિરને બચાવવા માગતા હતા તેથી પોતાના લોકોને ચેતવણી આપવા સંદેશવાહકોને વારંવાર મોકલતા રહ્યા.

16 પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.

17 તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા.

18 ખાલદીઓના રાજાએ ઈશ્વરના મંદિરની, સાધનસામગ્રીની અને રાજા તથા તેના અમલદારોના ધનની લૂંટ ચલાવી અને એ બધું બેબિલોન લઈ ગયો.

19 તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. વળી, તેણે નગરના રાજમહેલોને તેમાંની સર્વ સંપત્તિ સહિત બાળી નાખ્યા.

20 પછી યુદ્ધમાં બચી ગયેલા સૌને તે બેબિલોન લઈ ગયો, જ્યાં ઈરાની રાજ્યના ઉદય સુધી તેમણે તેની અને તેના વંશજોની તેમના ગુલામ તરીકે સેવા કરી.

21 અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


સ્વદેશમાં પાછા ફરવાની પરવાનગી
( એઝ. 1:1-4 )

22 ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો:

23 “ઈરાનના સમ્રાટ કોરેશનો આ હુકમ છે. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમસ્ત દુનિયા પર શાસક બનાવ્યો છે અને યહૂદિયામાં યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. તો હવે, ઈશ્વરના સૌ લોકો, તમે ત્યાં જાઓ, અને તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan