૨ કાળવૃત્તાંત 35 - પવિત્ર બાઇબલ C.L.યોશિયા પાસ્ખાપર્વ ઊજવે છે ( ૨ રાજા. 23:21-23 ) 1 યોશિયા રાજાએ પ્રભુના સન્માનાર્થે યરુશાલેમમાં પાસ્ખાપર્વ ઊજવ્યું. પ્રથમ માસને ચૌદમે દિવસે પાસ્ખાનાં પશુ કાપવામાં આવ્યાં. 2 તેણે યજ્ઞકારોને પ્રભુના મંદિરમાં તેમને બજાવવાની ફરજોની સોંપણી કરી અને તેમને પોતાની ફરજો સારી રીતે બજાવવા પ્રોત્સાહન આપ્યું. 3 તેણે ઇઝરાયલને શિક્ષણ આપનાર અને પ્રભુને સમર્પિત થયેલા લેવીઓને આવી સૂચનાઓ આપી: “દાવિદના પુત્ર શલોમોન રાજાએ બંધાવેલ મંદિરમાં પવિત્ર કરારપેટી મૂકો. તમારે એને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા ઊંચકવાની નથી, પણ તમારે તમારા ઈશ્વર પ્રભુ અને તેમના લોકની સેવા કરવાની છે. 4 દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોન રાજાએ તમને જૂથવાર સોંપેલી જવાબદારી પ્રમાણે મંદિરમાં તમારું સ્થાન સંભાળો. 5 અને ઇઝરાયલના પ્રત્યેક કુટુંબની મદદ થઈ શકે એ રીતે તમારામાંના કેટલાક ગોઠવાઇ જાઓ. 6 તમારે પાસ્ખાયજ્ઞનાં હલવાન અને બકરાં કાપવાનાં છે. હવે વિધિગત રીતે શુદ્ધ થઈને તમારા સાથી-ઇઝરાયલીઓ પ્રભુએ મોશે દ્વારા આપેલી સૂચનાઓ પાળી શકે તે માટે અર્પણ તૈયાર કરો.” 7 પાસ્ખાપર્વમાં લોકો માટે યોશિયા રાજાએ પોતાના અંગત પશુધનમાંથી ત્રીસ હજાર ઘેટાં, હલવાન અને લવારાં અને ત્રીસ હજાર આખલા આપ્યા. 8 તેના અમલદારોએ પણ લોકો, યજ્ઞકારો અને લેવીઓ માટે સ્વેચ્છાપૂર્વક અર્પણ આપ્યાં. વળી, ઈશ્વરના મંદિરના વહીવટદારો એટલે પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, ઝખાર્યા અને યેહિયેલે યજ્ઞકારોને બે હજાર છસો હલવાન અને લવારાં અને ત્રણસો આખલા પાસ્ખાના બલિદાન માટે આપ્યાં. 9 લેવીઓના આગેવાનો કોનાન્યા, શમાયા અને તેનો ભાઈ નાથાનએલ, હસાબ્યા, યેઈએલ અને યોઝાબાદે બલિદાન માટે લેવીઓને પાંચ હજાર હલવાન અને લવારાં અને પાંચસો આખલા આપ્યા. 10 પાસ્ખાપર્વ માટે સઘળી વ્યવસ્થા થઈ ગઈ એટલે રાજાની આજ્ઞા પ્રમાણે યજ્ઞકારો પોતપોતાને સ્થાને અને લેવીઓ જૂથ પ્રમાણે ઊભા રહ્યા. 11 હલવાન અને લવારાં કપાયા પછી લેવીઓએ તેમનાં ચામડાં ઉતાર્યાં અને યજ્ઞકારોએ લેવીઓ પાસેથી રક્ત લઈને વેદી પર તેનો છંટકાવ કર્યો. 12 પછી તેમણે લોકો વચ્ચે એ પ્રાણીઓ અને આખલાને કુટુંબવાર વહેંચી નાખ્યાં, જેથી મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ તેમને ચડાવી શકે. 13 લેવીઓએ નિયમ મુજબ પાસ્ખાયજ્ઞના બલિ અગ્નિ પર શેક્યા અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઈઓ અને તાવડાઓમાં બાફી નાખી લોકોને ઝટપટ પીરસી દીધાં. 14 એ કર્યા પછી લેવીઓએ પોતાને માટે તેમજ યજ્ઞકારો માટે માંસ રાખી લીધું; કારણ, આરોનવંશી યજ્ઞકારો છેક રાત સુધી પૂર્ણ દહનબલિ અને ધાન્યબલિની ચરબીનું દહન કરવામાં વ્યસ્ત રહ્યા. 15 આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા. 16 આમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખાપર્વની ઉજવણી માટે તથા પ્રભુની વેદી પર અર્પવાના દહનબલિ માટે પ્રભુની સેવાભક્તિ અંગેની બધી તૈયારી એ જ દિવસે થઈ ગઈ. 17 હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ અને ખમીરરહિત રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું. 18-19 શમૂએલ સંદેશવાહકના દિવસો પછી ઇઝરાયલમાં ક્યારેય આવી રીતે પાસ્ખાપર્વ પળાયું નહોતું. યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યોશિયા રાજા, યજ્ઞકારો, લેવીઓ તેમજ યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમના લોકોએ જેવું પાસ્ખાપર્વ ઊજવ્યું તેવું અગાઉના કોઈ રાજાઓએ ઊજવ્યું નહોતું. યોશિયાના અમલનો અંત ( ૨ રાજા. 23:28-30 ) 20 યોશિયા રાજાએ પ્રભુના મંદિર માટે એ બધું કર્યું. તે પછી ઇજિપ્તનો રાજા નખો સૈન્ય લઈને યુફ્રેટિસ નદીના તટે આવેલા ર્ક્કમીશ પર લડવા આવ્યો. યોશિયાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, 21 પણ નખોએ રાજદૂતો દ્વારા યોશિયાને આ સંદેશો પાઠવ્યો: “હે યહૂદિયાના રાજા, મારી આ લડાઈ તારી સાથે નથી. હું તારી સાથે નહિ, પણ મારા શત્રુઓ સાથે લડવા આવ્યો છું અને ઈશ્વરે મને ઉતાવળ કરવા કહ્યું છે. ઈશ્વર મારે પક્ષે છે તેથી તું તેમની ઇચ્છા વિરુદ્ધ આડખીલી ઊભી કરીશ નહિ, નહિ તો તે તારો વિનાશ કરશે.” 22 પણ યોશિયા લડાઈ લડી લેવા મક્કમ હતો. ઈશ્વર નખો રાજા દ્વારા જે કહેતા હતા તે સાંભળવાનો તેણે નકાર કર્યો અને તે છુપાવેશે મગિદ્દોના મેદાનમાં લડવા ગયો. 23 લડાઈમાં યોશિયા રાજા ઇજિપ્તના ધનુર્ધારીઓના તીરથી ઘવાયો. તેણે પોતાના સેવકોને કહ્યું, “મને અહીંથી લઈ જાઓ; મને કારી ઘા લાગ્યો છે.” 24 તેઓ તેને રથમાંથી ઊંચકીને ત્યાં ઊભેલા બીજા એક રથમાં બેસાડીને યરુશાલેમ લાવ્યા. ત્યાં તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબ્રસ્તાનમાં દફનાવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ તેના મરણને લીધે શોક પાળ્યો. 25 યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે. 26 યોશિયાના અમલના બીજા બનાવો, ઈશ્વર પ્રત્યેની તેની નિષ્ઠા અને પ્રભુના નિયમશાસ્ત્ર પ્રત્યેની આધીનતા 27 તથા આરંભથી અંત સુધીનાં તેનાં બીજા બધાં કાર્યો ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide