Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 34 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા યોશિયા
( ૨ રાજા. 22:1-2 )

1 યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું.

2 તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. ઈશ્વરના સઘળા નિયમો પાળીને તે તેના પૂર્વજ દાવિદને પગલે ચાલ્યો અને એના માર્ગને દૃઢતાપૂર્વક વળગી રહ્યો.


વિધર્મી પૂજા પર યોશિયાનો મારો

3 યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો.

4 તેના માણસોએ બઆલની ભક્તિ કરવાની વેદીઓને અને તેની પાસેની ધૂપવેદીઓને ભાંગી નાખી. તેમણે અશેરાની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી બધી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો એમને બલિદાન ચડાવનાર લોકોની કબરો પર વેરી દીધો.

5 તેણે વિધર્મી યજ્ઞકારોનાં અસ્થિ તેમણે જ્યાં ભક્તિ કરી હતી એ વેદીઓ પર બાળી નાખ્યાં. આ પ્રમાણે તેણે યહૂદિયા અને યરુશાલેમનું વિધિગત શુદ્ધિકરણ કર્યું.

6 મનાશ્શા, એફ્રાઈમ અને શિમયોનનાં નગરોમાં અને ઉત્તરમાં છેક નાફતાલી સુધીના ખંડિયેર વિસ્તારોમાં પણ તેણે એ જ પ્રમાણે કર્યું.

7 ઉત્તરના ઇઝરાયલી રાજ્યના સમસ્ત વિસ્તારમાં તેણે વેદીઓ તોડી પાડી, અશેરાની પ્રતિમાઓ કાપી નાખી અને મૂર્તિઓને તથા સઘળી ધૂપવેદીઓને તોડી પાડી ભૂક્કો બોલાવ્યો. પછી તે યરુશાલેમ પાછો ફર્યો.


નિયમશાસ્ત્રનું પુસ્તક જડયું
( ૨ રાજા. 22:3-20 )

8 વિધર્મી ભક્તિનો અંત લાવી દેશ અને પ્રભુના મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી પોતાના અમલને અઢારમે વર્ષે યોશિયા રાજાએ, અઝાલ્યાનો પુત્ર શાફાન, યરુશાલેમનો સૂબો માસેયા અને ઇતિહાસકાર યોહાઝનો પુત્ર યોઆ એ ત્રણ માણસોને પોતાના ઈશ્વર પ્રભુના મંદિરનું સમારકામ કરવા મોકલ્યા.

9 લેવી સંરક્ષકોએ એફ્રાઈમ, મનાશ્શા અને ઉત્તરના રાજ્યના બાકીના લોકો પાસેથી તેમ જ યહૂદિયા, બિન્યામીન અને યરુશાલેમના લોકો પાસેથી જે રકમ પ્રભુના મંદિરમાં એકત્ર કરી હતી તે તેમણે મુખ્ય યજ્ઞકાર હિલકિયાને સોંપી.

10 એ રકમ પછી પ્રભુના મંદિરના સમારકામ માટે જવાબદાર માણસોને સોંપવામાં આવી.

11 તેમણે તે રકમ યહૂદિયાના રાજાઓએ જર્જરિત થઈ જવા દીધેલ મકાનોની મરામત માટે પથ્થરો અને ઈમારતી લાકડું ખરીદવા કડિયા અને સુથારોને આપી.

12 કામ કરનાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા. મરારીના ગોત્રના યાહાથ અને ઓબાદ્યા અને કહાથના ગોત્રના ઝખાર્યા અને મશુલ્લામ એ લેવીઓ તેમના કામ પર દેખરેખ રાખતા હતા. (બધા લેવીઓ નિપુણ સંગીતકારો હતા).

13 બીજા લેવીઓ માલસામાનની હેરફેર પર અને જુદા જુદા કામના કારીગરો પર દેખરેખ રાખનાર હતા. તો કેટલાક લેવીઓ લહિયા, નોંધણીકારો કે મંદિરના સંરક્ષકો હતા.

14 પ્રભુના મંદિરના ભંડારમાંથી નાણાં બહાર કાઢવામાં આવતાં હતાં ત્યારે મોશે દ્વારા ફરમાવવામાં આવેલ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક હિલકિયાને મળી આવ્યું.

15 તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “મને પ્રભુના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” તેણે તે પુસ્તક શાફાનને આપ્યું.

16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો. તેણે કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધું કામ કર્યું છે.

17 પ્રભુના મંદિર માટે એકત્ર કરેલાં નાણાં કારીગરો અને દેખરેખ રાખનારાઓને આપ્યાં છે.

18 વળી, હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા આગળ ઊંચે અવાજે વાંચી સંભળાવ્યું.

19 રાજાએ પુસ્તકનું વાંચન સાંભળીને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.

20 તેણે હિલકિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાયાના પુત્ર આબ્દોનને, રાજમંત્રી શાફાનને અને રાજાના અનુચર અસાયાને આવો આદેશ આપ્યો:

21 “જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.”

22 રાજાનો હુકમ થવાથી હિલકિયા અને બીજા માણસો હુલ્દા નામે એક સ્ત્રીને મળવા ગયા. તે સંદેશવાહિકા હતી અને યરુશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ એટલે, હાસ્રાનો પૌત્ર અને તિકવાનો પુત્ર સાલ્લુમ મંદિરમાં ઝભ્ભાઓની જવાબદારી સંભાળતો હતો. તેમણે હુલ્દાને બધી વાત કરી.

23 તેણે તેમને રાજા પાસે જવા,

24 અને ઈશ્વર પ્રભુ તરફથી આ પ્રમાણેનો સંદેશો આપવા કહ્યું: “રાજા આગળ વાંચેલા પુસ્તકમાં લખેલા શાપથી હું યરુશાલેમ અને તેના સર્વ લોકોને શિક્ષા કરીશ.

25 તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ.

26 પણ તમને પ્રભુ પાસે પૂછવા મોકલનાર રાજા માટે તો આ સંદેશ છે: ‘પુસ્તકનું લખાણ તેં સાંભળ્યું છે,

27 અને યરુશાલેમ તથા તેના લોકને શિક્ષા કરવાની મારી ધમકી સાંભળીને તેં પશ્ર્વાતાપ કર્યો છે અને પસ્તાવામાં તારાં વસ્ત્ર ફાડયાં છે અને મારી આગળ રુદન કરીને તું દીન થઈ ગયો છે, તેથી મેં તારી પ્રાર્થના સાંભળી છે,

28 અને યરુશાલેમ પર હું જે શિક્ષા લાવનાર છું તે તારા મરણ પછી જ આવશે, અને તે તારે જોવી પડશે નહિ. તું પોતે તો શાંતિપૂર્વક મૃત્યુ પામીશ.” પેલા માણસો એ સંદેશ લઈને યોશિયા રાજા પાસે પાછા ફર્યા.


પ્રભુને આધીન થવા કરેલો કરાર
( ૨ રાજા. 23:1-20 )

29 યોશિયા રાજાએ યહૂદિયાના અને યરુશાલેમના સઘળા આગેવાનોને બોલાવડાવ્યા,

30 અને યજ્ઞકારો, લેવીઓ તથા બાકીના ગરીબ તવંગર બધા લોકો સાથે તેઓ પ્રભુના મંદિરે ગયા. રાજાએ સૌની આગળ પ્રભુના મંદિરમાંથી જડી આવેલ કરારનું સમગ્ર પુસ્તક મોટેથી વાંચ્યું.

31 રાજા પોતે તો સ્તંભ પાસે ઊભો હતો. તેણે પ્રભુને આધીન થઈને પોતાના પૂરા દયથી અને પૂરા જીવથી તેમને અનુસરવા, તેમના નિયમો, આદેશો અને આજ્ઞાઓ પાળવા, અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણી વ્યવહારમાં મૂકવા પ્રભુ સાથે કરાર કર્યો.

32 બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં હાજર સૌ કોઈને કરાર પાળવાનું વચન લેવડાવ્યું. એમ તેઓ યરુશાલેમના તેમના પૂર્વજોના ઈશ્વર સાથે કરેલા કરારની માગણીઓને આધીન થયા.

33 યોશિયા રાજાએ ઇઝરાયલી લોકોના પ્રદેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓનો નાશ કર્યો અને તેમને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ તરફ દોર્યા અને તે જીવ્યો ત્યાંસુધી લોકો તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અનુસરતા રહ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan