૨ કાળવૃત્તાંત 33 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા મનાશ્શા ( ૨ રાજા. 21:1-9 ) 1 મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષની વયનો હતો, અને તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. 2 પોતાના લોક દેશનો કબજો મેળવતા આગળ વયા તેમ તેમ દેશમાંથી પ્રભુએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમની ધિક્કારપાત્ર રીતરસમો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. 3 પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી. 4 જ્યાં ઈશ્વર યાહવેને નામે તેમની સદા ભક્તિ કરવાની છે તે સ્થાનમાં, એટલે યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બાંધી. 5 તેણે પ્રભુના મંદિરના બન્ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી. 6 તેણે બેનહિન્નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો. 7 તેણે પ્રભુના મંદિરમાં પોતે બનાવડાવેલી મૂર્તિની સ્થાપના કરી. એ મંદિર વિષે તો ઈશ્વરે દાવિદને અને તેના પુત્ર શલોમોનને કહ્યું હતું કે, “ઇઝરાયલનાં બારેય કુળપ્રદેશોમાંથી મેં મારે નામે મારી આરાધના માટે યરુશાલેમમાંના આ મંદિરને પસંદ કર્યું છે. 8 જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોશે દ્વારા અપાયેલ સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહિ.” 9 પોતાના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ જે પ્રજાઓનો પ્રભુએ દેશમાંથી ઉચ્છેદ કર્યો હતો તેમના કરતાંય બદતર કૃત્યો મનાશ્શાએ યહૂદિયાના અને યરુશાલેમના લોકો પાસે કરાવ્યાં. મનાશ્શાનો પશ્ર્વાતાપ 10 પ્રભુએ મનાશ્શા અને તેના લોકોને ચેતવણી આપી, પણ તેમણે તે તરફ દુર્લક્ષ સેવ્યું. 11 તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા. 12 મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી. 13 ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને યરુશાલેમ જઈને ફરી રાજ કરી શકે તે માટે છોડાવ્યો. ત્યારે મનાશ્શાને ખાતરી થઈ કે પ્રભુ યાહવે જ ઈશ્વર છે. 14 તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા. 15 તેણે પ્રભુના મંદિરમાં પોતે મૂકેલાં વિધર્મી દેવો અને મૂર્તિઓને તથા મંદિરના પર્વત પરની અને યરુશાલેમમાં અન્ય સ્થળોમાં બાંધેલી વિધર્મી વેદીઓને દૂર કર્યાં. તેણે એ બધું નગર બહાર ફેંકી દીધું. 16 તેણે પ્રભુની આરાધના માટેની વેદી પણ સમારી, અને તે પર સંગતબલિ અને આભારબલિનાં અર્પણ ચડાવ્યાં અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા યહૂદિયાના બધા લોકોને આજ્ઞા કરી. 17 જો કે લોકોએ ભક્તિનાં અન્ય ઉચ્ચસ્થાનોએ બલિદાનો ચડાવવાનું ચાલુ રાખ્યું, પણ એ બલિદાનો તેઓ માત્ર પ્રભુને જ ચડાવતા હતા. મનાશ્શાના અમલનો અંત ( ૨ રાજા. 21:17-18 ) 18 મનાશ્શાના અમલના બીજા બનાવો, તેનાં કૃત્યો, ઈશ્વરને કરેલી તેની પ્રાર્થના, અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામમાં તેને સંદેશો આપનાર સંદેશવાહકોના સંદેશા ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલા છે. 19 રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે. 20 મનાશ્શા મૃત્યુ પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન રાજા બન્યો. યહૂદિયાનો રાજા આમોન ( ૨ રાજા. 21:19-26 ) 21 આમોન બાવીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બે વર્ષ રાજ કર્યું. 22 તેના પિતા મનાશ્શાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને જે મૂર્તિઓની પૂજા તેના પિતાએ કરી હતી તેની પૂજા તેણે પણ કરી. 23 તે તેના પિતાની જેમ દીન બનીને પ્રભુ તરફ ફર્યો નહિ; પરંતુ ઉત્તરોઉત્તર અધિક પાપ કરતો ગયો. 24 આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને તેના મહેલમાં જ મારી નાખ્યો. 25 પણ યહૂદિયાના લોકોએ રાજાના ખૂનીઓને મારી નાખ્યા અને તેના પછી તેના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide