૨ કાળવૃત્તાંત 32 - પવિત્ર બાઇબલ C.L.આશ્શૂરનું આક્રમણ ( ૨ રાજા. 18:13-37 ; 19:14-19 , 35-37 ; યશા. 36:1-22 ; 37:8-38 ) 1 હિઝકિયા રાજાએ પ્રભુની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. એ પછી આશ્શૂરના સાનહેરિબે યહૂદિયા પર આક્રમણ કર્યું. તેણે કિલ્લેબંધીવાળાં નગરોને ઘેરો ઘાલ્યો અને તેનો ઈરાદો એ નગરોને જીતી લેવાનો હતો. 2 હિઝકિયાએ જોયું કે સાનહેરિબનો ઈરાદો યરુશાલેમ પર હુમલો કરવાનો છે, 3-4 તેથી આશ્શૂરીઓ યરુશાલેમ નજીક આવે, ત્યારે આશ્શૂરીઓને અટકાવવા તેણે અને તેના અમલદારોએ નગર બહારનો પાણીનો પુરવઠો કાપી નાખવા નિર્ણય કર્યો. અમલદારોએ લોકોને મોટી સંખ્યામાં બહાર લઈ જઈને બધા ઝરણાંઓ પૂરી દીધાં કે જેથી તેમાંથી પાણી હેતું બંધ થઈ જાય. 5 રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં. 6 તેણે શહેરના બધા પુરુષોને સૈન્યના અમલદારો હસ્તક મૂક્યા અને તેમને નગરના દરવાજે ખુલ્લા ચોકમાં એકઠા થવા હુકમ આપ્યો. તેણે તેમને કહ્યું, 7 “દૃઢ અને હિંમતવાન બનો અને આશ્શૂરના સમ્રાટથી કે તેના સૈન્યથી ગભરાશો નહિ કે નાસીપાસ થશો નહિ; તેના પક્ષ કરતાં આપણો પક્ષ વધુ મજબૂત છે. 8 તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું. 9 હજી તો સાનહેરિબ તેના વિશાળ સૈન્ય સાથે લાખીશમાં હતો ત્યારે કેટલાક સમય બાદ તેણે હિઝકિયા અને યરુશાલેમમાં વસતા યહૂદિયાના લોકો પર આવો સંદેશો મોકલ્યો: 10 “હું આશ્શૂરનો સમ્રાટ સાનહેરિબ તમને પૂછું છું કે તમે શાને ભરોસે ઘેરા હેઠળના યરુશાલેમમાં ભરાઈ બેઠા છો? 11 અમારાથી તમને તમારા ઈશ્વર પ્રભુ બચાવશે એમ કહીને હિઝકિયા તમને છેતરે છે અને તમને ભૂખે અને તરસે મરવા દેશે. 12 તેણે પ્રભુની ભક્તિનાં ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી નંખાવ્યાં છે અને યહૂદિયા તથા યરુશાલેમના લોકોને એક જ વેદી આગળ ભજન કરવાનું અને ધૂપ બાળવાનું કહ્યું છે. 13 મેં અને મારા પૂર્વજોએ અન્ય પ્રજાઓને શું કર્યું છે તે તમે નથી જાણતા? 14 આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા? 15 હિઝકિયા તમને છેતરી ન જાય કે ગેરમાર્ગે દોરી ન જાય. તેનું માનતા નહિ. આશ્શૂરના સમ્રાટથી કોઈ પ્રજા કે દેશનો દેવ તેની પ્રજાને બચાવી શક્યો નથી, તો તમારો ઈશ્વર તમને ક્યાંથી બચાવવાનો છે?” 16 આશ્શૂરના અમલદારોએ પ્રભુ પરમેશ્વર અને તેમના સેવક હિઝકિયા વિરુદ્ધ એથીય વિશેષ ભૂંડી વાતો કરી. 17 સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.” 18 નગરના કોટ પરના યરુશાલેમના લોકોને ડરાવવા અને તેમને હતાશ કરવા અમલદારોએ હિબ્રૂમાં મોટે અવાજે એ કહ્યું, કે જેથી શહેરનો કબજો મેળવવામાં સરળતા રહે. 19 યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા. 20 પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો. 21 પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો. 22 એ રીતે પ્રભુએ આશ્શૂરના સમ્રાટ સાનહેરિબથી અને તેમના અન્ય શત્રુઓથી પણ હિઝકિયા રાજા અને યરુશાલેમના લોકોને બચાવ્યા. તેમણે લોકોને તેમના પડોશી દેશો તરફથી શાંતિ આપી. 23 ઘણા લોકો પ્રભુને માટે અને હિઝકિયા માટે અર્પણો લઈ યરુશાલેમ આવતા. આમ, સર્વ પ્રજાઓમાં હિઝકિયાની કીર્તિ પ્રસરી ગઈ. હિઝકિયાની માંદગી અને તેનું અભિમાન ( ૨ રાજા. 20:1-3 , 12-19 ; યશા. 38:1-3 ; 39:1-8 ) 24 એ સમય દરમ્યાન હિઝકિયા મરણતોલ માંદો પડયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી અને તે સાજો થશે એ અંગે પ્રભુએ તેને નિશાની આપી. 25 પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો. 26 પણ હિઝકિયા અને યરુશાલેમના લોકો નમ્ર થઈ ગયા અને તેથી હિઝકિયા મરણ પામ્યો ત્યાં સુધી પ્રભુએ તેમને શિક્ષા કરી નહીં. હિઝકિયાનો ધનવૈભવ 27 હિઝકિયા ખૂબ જ સંપત્તિ અને સન્માન પામ્યો. પોતાના સોના, ચાંદી, કિંમતી પાષાણો, અત્તરો, ઢાલો અને અન્ય મૂલ્યવાન સાધનસામગ્રી માટે તેણે સંગ્રહખંડ બનાવ્યા. 28 વળી તેણે પોતાના અનાજ દ્રાક્ષાસવ, ઓલિવ તેલ માટે કોઠારો, ઢોરઢાંક માટે રહેઠાણ અને પોતાનાં ઘેટાં માટે વાડા બંધાવ્યા. 29 એ સર્વ ઉપરાંત ઈશ્વરે તેને ઘેટાં અને ઢોરઢાંક તથા બીજું ધન આપ્યું કે તેણે ઘણાં નગરો બંધાવ્યાં. 30 ગિહોનના ઝરણાંને બંધ કરી દઈ યરુશાલેમના કોટની અંદરના ભાગમાં પાણી વાળી લેવા ભૂગર્ભમાંથી સુરંગ કાઢનાર હિઝકિયા રાજા જ હતો. પોતે જે કંઈ કરતો તેમાં તે સફળ થતો. 31 બેબિલોનના રાજદૂતો દેશમાં બનેલા અનન્ય બનાવની તપાસ કરવા આવ્યા ત્યારે પણ તેના ચારિયની ક્સોટી કરવા ઈશ્વરે હિઝકિયાને તેની પોતાની રીતે વર્તવા દીધો. હિઝકિયાના અમલનો અંત ( ૨ રાજા. 20:20-21 ) 32 હિઝકિયા રાજાના અમલના બીજા બનાવો અને તેનાં સર્ત્ક્યોની વિગતો આમોસના પુત્ર યશાયા સંદેશવાહકનાં સંદર્શનોમાં અને યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. 33 હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide