૨ કાળવૃત્તાંત 31 - પવિત્ર બાઇબલ C.L.હિઝકિયાની ધર્મસુધારણા 1 પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા. 2 હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો. 3 હિઝકિયા રાજા દરરોજ સવારે અને સાંજે ચડાવવાના દહનબલિ માટે અને સાબ્બાથદિને, ચાંદ્રમાસને પ્રથમ દિવસે તેમજ પ્રભુના નિયમશાસ્ત્રમાં ઠરાવેલ અન્ય પર્વોએ અર્પણ ચડાવવા માટે પોતાનાં ઢોરઢાંકમાંથી પશુઓ પૂરાં પાડતો. 4 વિશેષમાં રાજાએ યરુશાલેમના લોકોને યજ્ઞકારો અને લેવીઓ માટે ઠરાવેલ અર્પણો લાવવા જણાવ્યું; જેથી તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સેવાની સર્વ કામગીરી માટે સમય આપી શકે. 5 એ આદેશ બહાર પડતાં જ ઇઝરાયલી લોકો અનાજ, દ્રાક્ષાસવ, ઓલિવ-તેલ, મધ અને અન્ય ખેતપેદાશોની ભેટ લાવ્યા. તેઓ પ્રત્યેક વસ્તુનો દશાંશ પણ લાવ્યા. 6 યહૂદિયાના રાજ્યનાં સર્વ નગરના રહેવાસીઓ તેમનાં ઢોરઢાંક અને ઘેટાંનો દશાંશ લાવ્યા. પ્રભુ તેમના ઈશ્વરને તેમણે સમર્પિત કરેલી ભેટો પણ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. 7 ત્રીજા માસમાં ભેટો આવવાની શરૂ થઈ અને સાતમા માસના અંત સુધી ખડક્તી રહી. 8 લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી. 9 રાજાએ યજ્ઞકારો અને લેવીઓ સાથે એ ભેટો સંબંધી મંત્રણા કરી. 10 સાદોકના વંશજ પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાએ તેને કહ્યું, “લોકોએ પ્રભુના મંદિરમાં ભેટો લાવવાની શરૂઆત કરી ત્યારથી અમારે ખાવાને માટે અમને પૂરતો ખોરાક મળ્યો છે અને વળી આટલું બધું વયું છે. પ્રભુએ પોતાના લોકોને આશીર્વાદ આપ્યો હોઈ આ બધું એકત્ર થયેલું છે.” 11 રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા. 12 તેમાં તેમણે નિયત અર્પણો, દશાંશો અને સમર્પિત ભેટો રાખ્યાં. તેમણે કોનાન્યા નામના લેવીને તેની દેખરેખની જવાબદારી સોંપી અને તેના ભાઈ શિમઈને તેનો સહાયકારી રાખ્યો. 13 તેમના હાથ નીચે કામ કરવા યહિયેલ, અઝાઝયા, નાહાથ, આસાહેલ, યરીમોથ, યોઝાબાદ, એલિયેલ, ઈશ્માલ્યા, માહાથ અને બનાયા એ દસ લેવીઓને રાખ્યા. હિઝકિયા રાજા અને પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાની સત્તાની રુએ એ નિમણૂંકો કરવામાં આવી. 14 પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી. 15 યજ્ઞકારોની વસાહતનાં નગરોમાં કોરેને તેના એ કાર્યમાં મદદ કરનાર લેવીઓમાં એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શકન્યા હતા. તેઓ નાના કે મોટા સર્વ સાથી લેવીઓને તેમની સેવાના જૂથ પ્રમાણે ખોરાક વહેંચી આપતા. 16 એ વહેંચણી તેમની વંશાવળી પ્રમાણે નહોતી. પ્રભુના મંદિરમાં સેવાના જૂથ પ્રમાણે દૈનિક જવાબદારી ઉઠાવનાર ત્રીસ વર્ષ કે તેની વધુ ઉંમરના બધા લેવી પુરુષોને તેમનો હિસ્સો મળતો. 17 યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી. 18 તેઓ સૌની તેમનાં પત્ની, બાળકો અને અન્ય આશ્રિતો સહિત નોંધણી કરવામાં આવી હતી, કારણ, તેમને ગમે તે સમયે પવિત્ર સેવાકાર્ય બજાવવા તૈયાર રહેવું પડતું. 19 આરોનના વંશજોને અપાયેલાં નગરો કે એ નગરોના ગૌચરોમાં વસતા યજ્ઞકારોમાં પણ યજ્ઞકાર કુટુંબના સર્વ પુરુષોને અને લેવીના ગોત્રોની વંશાવળીમાં નોંધાયેલ પ્રત્યેકને ખોરાક વહેંચી આપનાર માણસો હતા. 20 હિઝકિયા રાજાએ સમગ્ર યહૂદિયામાં તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને તેમને પસંદ પડતું હતું તે જ કર્યું. 21 તેણે પોતાના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવીને નિયમ અને આજ્ઞાઓ અનુસાર ઈશ્વરના મંદિરમાંની સેવાને લગતું જે કામ ઉપાડયું તે તેણે સફળતાપૂર્વક પાર પાડયું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide