૨ કાળવૃત્તાંત 30 - પવિત્ર બાઇબલ C.L.પાસ્ખા ભોજનની તૈયારી 1 હિઝકિયા રાજાએ ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને સંદેશો પાઠવીને તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શાનાં કુળોને પત્રો પાઠવીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના સન્માન અર્થે પાસ્ખાપર્વ ઉજવવા યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવવા આમંત્રણ મોકલ્યું. 2 હિઝકિયા રાજાએ, તેના સૂબાઓએ અને યરુશાલેમના નગરજનોએ એ પર્વ બીજા માસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું. 3 તેઓ નિયત સમયે પ્રથમ માસમાં પાસ્ખાપર્વ ઊજવી શક્યા નહોતા; કારણ, યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા ન હોઈ, પૂરતી સંખ્યામાં યાજકો ઉપલબ્ધ નહોતા અને લોકો તો મોટી સંખ્યામાં યરુશાલેમમાં એકઠા થતા. 4 રાજાને અને લોકોને એ વ્યવસ્થા પસંદ પડી. 5 આથી તેમણે ઉત્તરમાં દાનથી દક્ષિણમાં બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમમાં એકઠા થવા આમંત્રણ પાઠવ્યું. 6 રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે. 7 તમે તમારા પૂર્વજો અને તમારા સાથી ઇઝરાયલીઓ જેવા બનશો નહિ; તેઓ તો આપણા ઈશ્વર પ્રભુને બેવફા નીવડયા હતા. તમે જુઓ છો કે તેમણે તેમને સખત શિક્ષા કરી છે. 8 તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય. 9 તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.” 10 સંદેશકો એફ્રાઈમ અને મનાશ્શાના પ્રદેશોનાં સઘળાં નગરોમાં અને ઉત્તરમાં છેક ઝબુલૂન કુળના પ્રાંત સુધી ગયા, પણ લોકોએ તેમને હસી કાઢયા અને તેમનો તિરસ્કાર કર્યો. 11 છતાં આશેર, મનાશ્શા અને ઝબુલૂનના કુળના કેટલાક લોકો યરુશાલેમ જવા તત્પર થયા. 12 પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા. પાસ્ખાપર્વની ઉજવણી 13 બીજા માસમાં ખમીરરહિત રોટલીનું પર્વ ઉજવવા યરુશાલેમમાં પુષ્કળ લોકો એકત્ર થયા. 14 તેમણે યરુશાલેમમાંની બધી વિધર્મી યજ્ઞવેદીઓ અને ધૂપવેદીઓ તોડી પાડીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી. 15 બીજા માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાયજ્ઞ માટે હલવાન કાપ્યાં. એ જોઈને વિધિગત રીતે શુદ્ધ નહિ થયેલ યજ્ઞકારો અને લેવીઓ એવા શરમાઈ ગયા કે તેમણે પ્રભુને પોતાનું સમર્પણ કર્યું, અને તેથી તેઓ હવે પ્રભુના મંદિરમાં દહનબલિ લાવ્યા. 16 ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ પોતાની ફરજ પર નિયત સ્થાને ઊભા રહ્યા. લેવીઓના હાથમાંથી બલિદાનનું રક્ત લઈને યજ્ઞકારોએ તેનો વેદી પર છંટકાવ કર્યો. 17 ઘણા લોકો વિધિગત રીતે શુદ્ધ નહિ હોવાથી તેઓ પાસ્ખાયજ્ઞનાં હલવાન કાપી શક્યા નહિ, તેથી લેવીઓએ તેમને માટે તે કાપ્યાં અને પ્રભુને હલવાનોનું સમર્પણ કર્યું 18 વળી, એફ્રાઈમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલૂનનાં કુળોમાંથી આવેલ કેટલાક વિધિગત રીતે શુદ્ધ નહિ હોવા છતાં પાસ્ખાપર્વ પાળતા હતા. હિઝકિયાએ તેમને માટે આવી પ્રાર્થના કરી. 19 “ઓ પ્રભુ, અમારા પૂર્વજોના ઈશ્વર, જેઓ પવિત્રસ્થાનના નિયમ પ્રમાણે વિધિગત રીતે શુદ્ધ થયા નથી. પણ દયની પૂરી નિષ્ઠાથી તમારું ભજન કરી રહ્યા છે તેમને તમારી ભલાઈ પ્રમાણે ક્ષમા કરો.” 20 પ્રભુએ હિઝકિયાની પ્રાર્થના સાંભળી ને તેમણે લોકોને ક્ષમા આપી અને તેમને કંઈ નુક્સાન કર્યું નહિ. 21 યરુશાલેમમાં એકત્ર થયેલા લોકોએ સાત દિવસ સુધી મોટા આનંદ સાથે ખમીરરહિત રોટલીનું પર્વ પાળ્યું અને લેવીઓ અને યજ્ઞકારો પૂરા ઉત્સાહથી રોજરોજ પ્રભુનાં સ્તુતિ ગીત ગાતા હતા. 22 પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી. પાસ્ખાપર્વની ઉજવણી લંબાવી 23 વળી, લોકોએ બીજા સાત દિવસ પર્વ ઉજવવાનો નિર્ણય કર્યો. તેમણે આનંદભેર એ ઉજવણી કરી. 24 યહૂદિયાના રાજા હિઝકિયાએ લોકોને ખાવા માટે હજાર આખલા અને સાત હજાર ઘેટાં આપ્યાં, અને અમલદારોએ બીજા એક હજાર આખલા અને દસ હજાર ઘેટાં આપ્યાં. ઘણા યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. 25 તેથી યહૂદિયાના લોકો, યજ્ઞકારો, લેવીઓ, ઉત્તરના ઇઝરાયલી રાજ્યમાંથી આવેલા લોકો અને ઇઝરાયલ તથા યહૂદિયામાં ઠરીઠામ થઈ વસેલા પરદેશીઓ સૌ કોઈ ખુશ ખુશ થઈ ગયા. 26 યરુશાલેમ નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો; કારણ, દાવિદના પુત્ર શલોમોન રાજાના સમય પછી એના જેવો ઉત્સવ ક્યારેય થયો નહોતો. 27 યજ્ઞકારો અને લેવીઓએ લોકો પર પ્રભુનો આશીર્વાદ માગ્યો. પ્રભુએ પોતાના નિવાસસ્થાન આકાશમાંથી તેમની પ્રાર્થનાઓ સાંભળીને સ્વીકારી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide