Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 3 - પવિત્ર બાઇબલ C.L.


મંદિરનું બાંધકામ

1 એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું.

2 શલોમોને પોતાના રાજ્યકાળના ચોથા વર્ષના બીજા મહિનાને બીજે દિવસે બાંધકામ શરૂ કર્યું.

3 શલોમોને બાંધેલા મંદિરની લંબાઈ સત્તાવીસ મીટર અને પહોળાઈ નવ મીટર હતી.

4 મંદિરના પ્રવેશખંડની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે, નવ મીટર હતી; જ્યારે તેની ઊંચાઈ ચોપન મીટર હતી. તેણે ખંડનો અંદરનો ભાગ ચોખ્ખા સોનાથી મઢાવ્યો હતો.

5 તેણે મુખ્યખંડની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં લગાવી તેને ચોખ્ખા સોનાથી મઢી અને તે પર ખજૂરી તેમ જ સાંકળીની ભાત કોતરાવી.

6 રાજાએ સુંદર કિંમતી પાષાણો અને પાર્વાઈમથી આયાત કરેલ સોનાથી મંદિરને શણગાર્યું.

7 તેણે મંદિરના ભારટિયા, બારસાખો, દીવાલો અને બારણાં સોનાથી મઢાવ્યાં અને દીવાલો પર કરૂબો કોતરાવ્યા.

8 અંદરનો ખંડ એટલે પરમ પવિત્રસ્થાનની લંબાઈ નવ મીટર અને તેની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે નવ મીટર હતી. પરમ પવિત્ર સ્થાનની દીવાલો મઢવા વીસ મેટ્રિક ટન કરતાં વધુ સોનું વપરાયું હતું.

9 ખીલાઓ બનાવવા પાંચસો સિત્તેર ગ્રામ સોનું વપરાયું હતું, અને ઉપરની ઓરડીઓની દીવાલો પણ સોને મઢી હતી.


પાંખવાળાં પ્રાણી કરુબો

10 રાજાએ પરમ પવિત્રસ્થાનમાં મૂકવા માટે ધાતુમાંથી બે કરૂબોની પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેમને સોનાથી મઢાવ્યા.

11-13 તેઓ પ્રવેશ તરફ મોં રાખી એકબીજાને પડખે ઊભા હતા. દરેક કરૂબને બે પાંખો હતી અને પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. પાંખો એવી રીતે પ્રસારેલી હતી કે ખંડના મધ્યભાગમાં તેઓ એકબીજીને સ્પર્શતી અને ખંડની બન્‍ને બાજુની દીવાલો સુધી પહોંચતી, અને એમ લગભગ નવ મીટર પહોળાઈમાં પ્રસરી રહેતી.

14 તેણે પરમ પવિત્રસ્થાન માટે નીલા, જાંબુડી અને કિરમજી રંગના સૂતર અને ઝીણા અળસીરેસાનો પડદો બનાવડાવ્યો અને તે પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું હતું.


તાંબાના બે સ્તંભો
( ૧ રાજા. 7:15-22 )

15 રાજાએ સાડા પંદર મીટર ઊંચાઈના બે સ્તંભ બનાવ્યા અને તેમને મંદિરની મોખરે મૂક્યા. દરેક સ્તંભ પરનો કળશ 2.2 મીટર ઊંચો હતો.

16 સ્તંભના કળશ પર એકબીજાને વીંટાળાયેલી સાંકળીઓ અને તાંબાના સો દાડમની ભાતની કોતરણીઓ હતી.

17 મંદિરના પ્રવેશદ્વારની બન્‍ને બાજુએ સ્તંભ ઊભા કર્યા હતા: તેણે દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ઉત્તર તરફના સ્તંભનું બોઆઝ (બળ) નામ પાડયું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan