Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 29 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા હિઝકિયા
( ૨ રાજા. 18:1-3 )

1 હિઝકિયા પચીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને તેણે યરુશાલેમમાંથી ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા અબિયા ઝખાર્યાની પુત્રી હતી.

2 પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


મંદિરનું શુદ્ધિકરણ

3 હિઝકિયા રાજા બન્યો એ વર્ષના પ્રથમ માસમાં તેણે પ્રભુના મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને સમાર્યા.

4 તેણે મંદિરના પૂર્વ તરફના ચોકમાં કેટલાક યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા.

5 ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો.

6 આપણા પૂર્વજો ઈશ્વર આપણા પ્રભુ પ્રત્યે બેવફા નીવડયા છે અને તેમને ન ગમતાં કામો તેમણે કર્યાં છે. તેમણે તેમનો ત્યાગ કર્યો અને તેમના નિવાસસ્થાનથી વિમુખ થઈને તે તરફ દુર્લક્ષ સેવ્યું છે.

7 તેમણે મંદિરનાં દ્વાર બંધ કરી દઇ દીવા હોલવાઈ જવા દીધા છે. અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં નથી ધૂપ બાળ્યો કે નથી દહનબલિ ચડાવ્યાં.

8 એને લીધે પ્રભુ યહૂદિયા અને યરુશાલેમ પર કોપાયમાન થયા છે અને તમે તમારી નજરે જુઓ છો કે તેમણે તેમના એવા હાલ કર્યા છે કે સૌ કોઈ તેમને જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામીને તેમની મશ્કરી ઉડાવે છે.

9 આપણા પૂર્વજો લડાઈમાં માર્યા ગયા અને આપણી સ્ત્રીઓ અને બાળકોને કેદ લઈ જવાયાં છે.

10 “પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.

11 તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”

12-14 તેથી આ લેવીઓએ કામગીરી ઉપાડી લીધી: કહાથના ગોત્રમાંથી અમાસાયનો પુત્ર માહાથ અને અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના ગોત્રમાંથી આબ્દીનો પુત્ર કીશ અને યહાલ્લાલએલનો પુત્ર અઝાર્યા, ગેર્શોમના ગોત્રમાંથી સિમ્નાનો પુત્ર યોઆ અને યોઆનો પુત્ર એદેન, એલિસાફાનના ગોત્રમાંથી સિમ્રી અને યેઉએલ, આસાફના ગોત્રમાંથી ઝખાર્યા અને માત્તાન્યા, હેમાનના ગોત્રમાંથી યહૂએલ અને શિમઈ, યદૂથુનના ગોત્રમાંથી શમાયા અને ઉઝિયેલ.

15 એ માણસોએ સાથી લેવીઓને એકઠા કર્યા અને પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રભુના નિયમશાસ્ત્ર મુજબ તેમણે મંદિરનું શુદ્ધિકરણનું કામ ઉપાડયું.

16 યજ્ઞકારો પ્રભુના મંદિરમાં તેને શુદ્ધ કરવા ગયા અને સઘળી અશુદ્ધ વસ્તુઓ મંદિરના ચોકમાં કાઢી નાખી. ત્યાંથી લેવીઓ તેમને નગર બહાર કિદ્રોનની ખીણમાં લઈ ગયા.

17 પ્રથમ માસને પ્રથમ દિવસે કામ શરૂ થયું અને પ્રભુના મંદિરના પ્રવેશખંડના કામ સહિત બધું કામ આઠમે દિવસે પૂરું કર્યું. પછી તેમણે વધુ આઠ દિવસો સુધી એટલે માસના સોળમા દિવસ સુધી કામ કરી પ્રભુના મંદિરને ભક્તિ માટે તૈયાર કર્યું.


મંદિરનું પુન: સમર્પણ

18 પછી લેવીઓએ રાજમહેલમાં જઈને હિઝકિયાને આ પ્રમાણે જાણ કરી: “અમે દહનબલિને માટે વેદીનું, પવિત્ર રોટલીની મેજનું અને તેમની સર્વ સાધનસામગ્રી સહિત આખા મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું કર્યું છે.

19 આહાઝ રાજા ઈશ્વર પ્રત્યે બેવફા નીવડીને જે સર્વ પાત્રો લઈ ગયો હતો તે પાછાં લાવીને અમે તેમનું પુન:સમર્પણ કર્યું છે. એ બધાં સાધનો પ્રભુની વેદીની પાસે રાખેલાં છે.”

20 હિઝકિયા રાજાએ નગરના આગેવાનોને સત્વરે એકઠા કર્યા અને તેઓ સૌ પ્રભુના મંદિરમાં તેના શુદ્ધિકરણ માટે ગયા.

21 રાજવંશના કુટુંબનાં અને યહૂદિયાના લોકોનાં પાપ દૂર કરવા અને પ્રભુના મંદિરને શુદ્ધ કરવા બલિદાન અર્થે તેમણે સાત આખલા, સાત ઘેટા, સાત હલવાન અને સાત બકરા લીધા. રાજાએ આરોનવંશી યજ્ઞકારોને વેદી પર બલિદાન ચડાવવા કહ્યું.

22 યજ્ઞકારોએ પ્રથમ આખલા, પછી ઘેટાં અને પછી હલવાન કાપ્યાં અને પ્રત્યેક બલિના રક્તનો વેદી પર છંટકાવ કર્યો.

23 છેલ્લે, તેઓ રાજા અને અન્ય ઉપાસકો પાસે બકરા લઈ ગયા, અને તેમણે તેમના પર હાથ મૂક્યા.

24 પછી યજ્ઞકારોએ બકરા કાપ્યા અને સર્વ લોકોનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે તેમનું રક્ત વેદી પર રેડી દીધું, કારણ, રાજાએ સર્વ ઇઝરાયલને માટે દહનબલિ અને પાપનિવારણબલિ ચડાવવાનો હુકમ કર્યો હતો.

25 પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા.

26 દાવિદ રાજાએ ઉપયોગમાં લીધેલાં વાજિંત્રો જેવાં એ વાજિંત્રો હતાં. યજ્ઞકારો પણ રણશિંગડાં લઈ ઊભા હતા.

27 હિઝકિયાએ દહનબલિ અર્પણ કરવાનો હુકમ કર્યો, અને એ દહનબલિ ચડાવવાનું શરૂ થતાં જ લોકોએ પ્રભુની સ્તુતિનાં ગીત ગાયાં અને સંગીતકારોએ ઇઝરાયલના રાજા દાવિદનાં વાજિંત્રો અને રણશિંગડાં વગાડયાં.

28 આખા સમુદાયે આરાધના કરી, ગવૈયાઓએ ગીતો ગાયાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં. બધાં બલિદાન અપાઈ રહ્યાં ત્યાં સુધી ગાયનવાદન ચાલુ રહ્યું.

29 ત્યારે હિઝકિયા રાજા અને સર્વ લોકોએ ધૂંટણિયે પડીને ઈશ્વરની આરાધના કરી.

30 રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી.

31 હિઝકિયાએ લોકોને કહ્યું, “હવે તમે પ્રભુને સમર્પિત થયા હોઈ આગળ આવીને પ્રભુને બલિદાનો અને આભારબલિનાં અર્પણ ચડાવો.” એ પ્રમાણે તેઓ અર્પણો લાવ્યા અને કેટલાક તો સ્વૈચ્છિક રીતે દહનબલિ માટે પશુઓ પણ લાવ્યા.

32 પ્રભુને દહનબલિ ચડાવવા તેઓ સિત્તેર આખલા, સો ઘેટાં અને બસો હલવાન લાવ્યા.

33 તેઓ લોકોને ખાવા માટે છસો આખલા અને ત્રણ હજાર ઘેટા પણ બલિદાન અર્થે લાવ્યા.

34 આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા).

35 પૂર્ણ દહનબલિનાં અર્પણો ઉપરાંત માત્ર ચરબીનું જ દહન કરવાનું હોય તેવાં સંગતબલિ અને દ્રાક્ષાસવના પેયાર્પણ મોટા પ્રમાણમાં ચડાવવાની જવાબદારી પણ યજ્ઞકારોની હતી. એમ પ્રભુના મંદિરમાં ફરીથી ભક્તિની શરૂઆત થઈ.

36 હિઝકિયા રાજા અને લોકો ખૂબ જ આનંદમાં હતા. કારણ, ઈશ્વરે તેમને એ બધી કાર્યવાહી જલદી પૂરી કરવામાં સહાય કરી હતી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan