Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 28 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા આહાઝ
( ૨ રાજા. 16:1-4 )

1 આહાઝ વીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસર્યો નહિ; એથી ઊલટું, તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું,

2 અને ઇઝરાયલના રાજાઓને અનુસર્યો. તેણે બઆલની ધાતુની મૂર્તિઓ બનાવી, હિન્‍નોમની ખીણમાં ધૂપ બાળ્યો.

3 અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા.

4 તેણે પ્રત્યેક ટેકરી પરનાં અને પ્રત્યેક લીલા વૃક્ષ નીચેનાં પૂજાસ્થાનોએ બલિદાન ચઢાવ્યાં અને ધૂપ બાળ્યો.


અરામ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ
( ૨ રાજા. 16:5 )

5-6 આહાઝ રાજાના અપરાધને લીધે તેના ઈશ્વર પ્રભુએ તેને અરામના રાજાના હાથે હાર પમાડી અને યહૂદિયાના લોકોને મોટી સંખ્યામાં દમાસ્ક્સ યુદ્ધ કેદીઓ તરીકે લઈ જવા દીધા. વળી, પ્રભુએ રમાલ્યાના પુત્ર એટલે ઇઝરાયલના રાજા પેકાના હાથે હરાવ્યો અને એક જ દિવસમાં યહૂદિયાના એક લાખ વીસ હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે એ બધું થવા દીધું.

7 ઝિખ્રી નામના એક ઇઝરાયલી યોદ્ધાએ આહાઝ રાજાના પુત્ર માસેયાને, રાજમહેલના વહીવટદાર આઝીકામને અને રાજાના સરસેનાપતિ એલ્કાનાને મારી નાખ્યા.

8 આમ તો યહૂદિયાના લોકો તેમના સાથીભાઈઓ હોવા છતાં ઇઝરાયલના સૈન્યે યહૂદિયામાંથી બે લાખ સ્ત્રીઓ અને બાળકો તથા પુષ્કળ લૂંટ સમરૂન લઈ ગયા.


સંદેશવાહક ઓદેદ

9 સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્‍નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે.

10 હવે તમે યરુશાલેમ અને યહૂદિયાના સ્ત્રીપુરુષોને તમારા ગુલામ બનાવવા માગો છો. એમ કરીને તમે તમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે એ શું તમે નથી જાણતા?

11 મારું સાંભળો; આ કેદીઓ તો તમારાં ભાઈ-બહેનો છે. તેમને છોડી મૂકો, નહિ તો પ્રભુનો ઉગ્ર કોપ તમારા પર ઝળુંબી રહ્યો છે.”

12 ઉત્તરના રાજ્યના ચાર એફ્રાઈમી અગ્રણીઓએ એટલે યહોહનાનનો પુત્ર અઝાર્યા, મેશિલ્લેમોથના પુત્ર બેરેખ્યા, શાલ્લુમના પુત્ર યહિઝકિયા અને હાદલાઈના પુત્ર અમાસાએ પણ સૈન્યના એ પગલાનો વિરોધ કર્યો.

13 તેમણે કહ્યું, “એ કેદીઓને અહીં આપણા દેશમાં લાવશો નહિ. એમ કરવાથી તો આપણે પ્રભુ સમક્ષ ગુનેગાર ઠરીશું અને આપણાં પાપોમાં વધારો કરીશું. આમેય આપણે પ્રભુ સમક્ષ અપરાધી ઠરી ચૂક્યા છીએ અને ઇઝરાયલ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો છે.”

14 તેથી સૈન્યે લોકો અને તેમના આગેવાનોને કેદીઓ અને લૂંટેલો સામાન સોંપી દીધા.

15 પછી ઉપર જેમનાં નામ દર્શાવ્યાં છે તે ચાર માણસોએ કેદીઓની રાહતની કામગીરી ઉપાડી લીધી. તેમણે નવસ્ત્રા કેદીઓને લૂંટમાંથી વસ્ત્રો અને પગરખાં પહેરવા આપ્યાં; ખાવાપીવાનું આપ્યું અને તેમના ઘા પર ઓલિવ તેલ લગાવ્યું. વળી, તેમણે અશક્ત માણસોને ગધેડાં ઉપર બેસાડયા અને સર્વ કેદીઓને યહૂદિયાની સીમામાં ખજૂરીના નગર યરીખો મૂકી આવ્યા. પછી ઇઝરાયલીઓ સમરૂનમાં પાછા ફર્યા.


આહાઝ આશ્શૂરની સહાય માગે છે
( ૨ રાજા. 16:7-9 )

16-17 અદોમીઓ ફરીથી યહૂદિયા પર હુમલો કરી ઘણા લોકોને કેદીઓ તરીકે લઈ જવા લાગ્યા, તેથી આહાઝ રાજાએ આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ-પિલેસેરને મદદ મોકલવા વિનંતી કરી.

18 આ જ સમયે પલિસ્તીઓ પણ શેફેલા પ્રદેશનાં અને દક્ષિણ યહૂદિયાનાં નગરો પર હુમલો કરતા હતા. તેમણે બેથ-શેમશ, આયાલોન, અને ગેદેરોથ નગરોને તેમ જ સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો તેમનાં ગામો સહિત કબજે કર્યાં અને ત્યાં કાયમી વસવાટ કર્યો.

19 યહૂદિયાના રાજા આહાઝના લોકો પ્રત્યેના બેફામ વર્તનને લીધે અને તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન નહિ હોવાથી પ્રભુએ યહૂદિયા પર આપત્તિ આણી.

20 આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ પિલેસેર આવ્યો તો ખરો, પણ આહાઝને મદદ કરવાને બદલે તેના પર આક્રમણ કરીને તેને ભીંસમાં મૂકી દીધો.

21 તેથી આહાઝે પ્રભુના મંદિરમાંથી, રાજમહેલમાંથી અને લોકોના આગેવાનોનાં ઘરોમાંથી સોનું લઈને આશ્શૂરના સમ્રાટને આપ્યું. પણ તેથી કંઈ વળ્યું નહિ.

22 આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો.

23 તેણે તેને હરાવનાર અરામી લોકોના દેવોને બલિદાન ચડાવ્યાં. તેણે કહ્યું, “દમાસ્ક્સના દેવોએ અરામના રાજાને મદદ કરી છે; તેથી હું તેમને બલિદાન ચડાવું તો તેઓ મને પણ મદદ કરશે.” એનાથી તેના પર અને તેના લોક પર આફત આવી.

24 વળી તેણે પ્રભુના મંદિરમાં સઘળાં સાધનોનો ભૂક્કો કર્યો. તેણે પ્રભુનું મંદિર બંધ કર્યું અને યરુશાલેમના પ્રત્યેક ભાગમાં વેદીઓ ઊભી કરી.

25 તેણે વિધર્મી દેવોની આગળ ધૂપ ચડાવવા માટે યહૂદિયાનાં સર્વ નગરો અને ગામોમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો બંધાવ્યાં એ રીતે તેણે પોતાના ઉપર પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો કોપ વહોરી લીધો.

26 આહાઝના અમલ દરમ્યાન તેનાં પહેલેથી છેલ્લે સુધીનાં બધાં કામો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

27 આહાઝ રાજા મરણ પામ્યો અને તેને યરુશાલેમમાં દફનાવ્યો, પણ રાજવી કબરોમાં નહિ. તેનો પુત્ર હિઝકિયા તેના પછી રાજા બન્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan