૨ કાળવૃત્તાંત 26 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા ઉઝિયા ( ૨ રાજા. 14:21-22 ; 15:1-7 ) 1 યહૂદિયાના સર્વ લોકોએ અમાસ્યાના સોળ વર્ષની વયના પુત્ર ઉઝિયાને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો. 2 (અમાસ્યાના મરણ પછી ઉઝિયાએ એલાથ પાછું જીતી લઈ તેનું પુન:બાંધકામ કર્યું.) 3 ઉઝિયા સોળ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યખિલ્યા હતું; જે યરુશાલેમની હતી. 4 તેના પિતાનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. 5 તેનો ધાર્મિક સલાહકાર ઝખાર્યા પોતે જીવ્યો ત્યાં સુધી તેણે તેને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરતાં શીખવ્યું અને જ્યાં સુધી તેણે પ્રભુની ઉપાસના કરી ત્યાં સુધી તેમણે તેને આબાદી બક્ષી. 6 ઉઝિયાએ પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. તેણે ગાથ, યાબ્ને અને આશ્દોદ નગરની દીવાલો તોડી પાડી અને આશ્દોદ નજીક અને બાકીના પલિસ્તીઓના પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં નગરો બાંધ્યાં. 7 ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગુરબઆલમાં રહેતા આરબો અને મેઉનીઓને હરાવવામાં મદદ કરી. 8 આમ્મોનીઓ ઉઝિયાને ખંડણી ભરતા અને તે એટલો સત્તાશાળી બન્યો કે તેની કીર્તિ છેક ઇજિપ્ત સુધી પ્રસરી ગઈ. 9 ઉઝિયાએ ખૂણાના દરવાજે, ખીણના દરવાજે અને જ્યાં જ્યાં કોટનો વળાંક હોય ત્યાં ત્યાં બુરજો બાંધીને યરુશાલેમના કોટને મજબૂત કર્યો. 10 તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું. 11 ઉઝિયા પાસે તાલીમબદ્ધ અને સુસજ્જ સૈન્ય હતું. એ સૈન્ય રાજાના સેનાપતિ હનાન્યાના નિયંત્રણ હેઠળ હતું. રાજાના મંત્રીઓ યેઇએલ અને માસેઆ તેમની ટુકડીવાર નોંધ રાખતા. 12 સૈન્યમાં ગોત્રવાર ઉપરી તરીકે બે હજાર છસો અધિકારીઓ હતા. 13 તેમની હેઠળ રાજાના શત્રુઓ સામે લડવાને ત્રણ લાખ સાત હજાર પાંચસો શૂરવીર સૈનિકો હતા. 14 ઉઝિયા સૈન્યને ઢાલો, ભાલા, ટોપ, બખ્તર, તીર અને ધનુષ્ય અને ગોફણના ગોળા પૂરા પાડતો. 15 યરુશાલેમમાં તેના બાહોશ કારીગરો તીર છોડવાનાં અને બુરજ અથવા કોટના ખૂણેથી મોટા પથ્થરો ફેંકવાનાં સાધનો બનાવતા. તેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ અને ઈશ્વર તરફથી મળેલી મદદથી તે બળવાન થતો ગયો.” ઉઝિયાને ઘમંડ માટે શિક્ષા 16 ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો. 17 એંસી બળવાન અને હિંમતવાન યજ્ઞકારોને સાથે લઈને અઝાર્યા યજ્ઞકાર રાજાની પાછળ પાછળ ગયો. 18 તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.” 19 ઉઝિયા પ્રભુના મંદિરમાં ધૂપવેદી પાસે હાથમાં ધૂપપાત્ર લઈ ઊભો હતો. તેને યજ્ઞકારો પર ક્રોધ ચઢયો, અને યજ્ઞકારોના દેખતાં જ તેના કપાળમાં એકદમ કોઢ ફૂટી નીકળ્યો. 20 અઝાર્યા મુખ્ય યજ્ઞકાર અને બીજા યજ્ઞકારો ભયભીત થઈને રાજાના કપાળ તરફ જોઈ રહ્યા અને પછી તેને પ્રભુના મંદિરમાંથી બહાર કાઢી મૂકયો. પ્રભુએ તેને રોગથી શિક્ષા કરી હોઈ તે પણ ઉતાવળે બહાર નીકળી ગયો. 21 ઉઝિયા રાજા તેના બાકીના જીવન દરમ્યાન તેના કોઢના રોગને કારણે વિધિગત રીતે અશુદ્ધ રહ્યો. પ્રભુના મંદિરમાં તે પ્રવેશી શકે તેમ ન હોવાથી તે તેના પોતાના જુદા ઘરમાં રહ્યો. પોતાની સર્વ ફરજથી તે મુક્ત થયો અને તેનો પુત્ર યોથામ રાજકારભાર ચલાવતો અને દેશના લોકોનો ન્યાય ચૂકવતો. 22 ઉઝિયા રાજાએ તેના અમલ દરમ્યાન બાકીનાં જે જે કાર્યો કર્યાં તે આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ નોંયાં છે. 23 ઉઝિયા મરણ પામ્યો અને તેને તેના કોઢના રોગને લીધે રાજકુટુંબની કબરમાં નહિ, પણ અલગ જગ્યામાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide